Sun Jun 21 2026

Logo

વૈભવની માત્ર 11 બૉલમાં ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરીનો વર્લ્ડ રેકૉર્ડ: છ રન માટે સેન્ચુરી ચૂક્યો

Dambulla   2026-06-21 12:02:00
Author: Ajay Motiwala
Article Image

દમ્બુલા: 15 વર્ષના વૈભવ સૂર્યવંશી (94 રન, 29 બૉલ, આઠ છગ્ગા, દસ ચોગ્ગા)એ અહીં ટ્રાયેગ્યુલર વન-ડે ટૂર્નામેન્ટની ફાઇનલમાં ઇન્ડિયા-એ વતી ધમાકેદાર બૅટિંગ કરી છે. તેણે ફક્ત 11 બૉલમાં હાફ સેન્ચુરી ફટકારીને લિસ્ટ-એ (List A) પ્રકારની ક્રિકેટમાં નવો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે. તેણે શ્રીલંકાના જ ખેલાડીનો ફાસ્ટેસ્ટ ફિફટીનો વિશ્વ વિક્રમ તોડ્યો છે. ભૂતપૂર્વ શ્રીલંકન બૅટ્સમૅન વીરરત્નેએ 12 બૉલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી.

વૈભવ (Vaibhav)એ આ સાથે શ્રીલંકા-એ ટીમને થોડા દિવસ પહેલાંના એના અપશબ્દોવાળા ગંભીર ગેરવર્તનનો જડબાતોડ જવાબ આપી દીધો છે. વૈભવે ક્રિકેટ જગતને બતાવી દીધું છે કે પોતે માત્ર આઈપીએલમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ધમાકા પર ધમાકા કરવાની તાકાત ધરાવે છે.

વૈભવ 94 રન બનાવીને કૅચઆઉટ થઈ ગયો હતો અને માત્ર 6 રન માટે સદી ચૂકી ગયો હતો, પણ ભારતની સંભવિત જીત માટે તેણે મજબૂત પાયો નાખી આપ્યો હતો. શ્રીલંકા-એના ચારથી પાંચ બોલર વૈભવને કોઈપણ રીતે કાબૂમાં નહોતા રાખી શક્યા.

વૈભવે સાથી ઓપનર પ્રિયાંશ આર્ય (39 રન, 29 બૉલ, એક છગ્ગો, છ ચોગ્ગા) સાથે માત્ર 8.5 ઓવરમાં 132 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.

18મી ઓવરમાં અંતે ઇન્ડિયા-એ ટીમનો સ્કોર 2 વિકેટ 165 રન હતો. કેપ્ટન તિલક વર્મા 19 રને અને ઋતુરાજ ગાયકવાડ 10 રને રમી રહ્યો હતો.