Sun Jul 05 2026

Logo

વૈભવ ભારતનો યંગેસ્ટ ક્રિકેટર બન્યો, જાણો છો...કોના સ્થાને ટીમમાં સમાવાયો?

Manchester   2026-07-04 19:10:50
Author: Ajay Motiwala
Article Image

BCCI


ટૉપ-ઑર્ડરના પાંચમાંથી ચાર બૅટ્સમેન ડાબોડી છે

મૅન્ચેસ્ટરઃ 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ભારતનો સૌથી યુવાન ક્રિકેટર બન્યો છે. તેણે 1989માં 16 વર્ષની ઉંમરે ભારત વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની શરૂઆત કરનાર સચિન તેન્ડુલકરનો 37 વર્ષ જૂનો વિક્રમ તોડ્યો છે. અહીં ઑલ્ડ ટ્રેફર્ડમાં શનિવારે વૈભવને તિલક વર્માએ ચહેરા પર સુંદર સ્મિત સાથે બહુમૂલ્ય ઇન્ડિયા કૅપ સોંપી હતી અને વૈભવે સહર્ષ સ્વીકારી લીધી હતી અને એ સાથે તે ભારતીય ક્રિકેટની રેકૉર્ડ-બુકમાં આવી ગયો. વૈભવને રાઇટ-હૅન્ડ ઓપનર સંજુ સૅમસનના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું છે.

ભારતીય ટીમની ટૉપ-ઑર્ડર બૅટિંગ હરોળમાં પાંચમાંથી ચાર બૅટ્સમેન ડાબોડી છે. લેફ્ટ-હૅન્ડ ઓપનર અભિષેક શર્મા સાથે લેફ્ટ-હૅન્ડ વૈભવ સૂર્યવંશી દાવની શરૂઆત કરશે. વનડાઉન બૅટ્સમૅન ઇશાન કિશન અને તિલક વર્મા પણ ડાબોડી છે, જ્યારે કૅપ્ટન શ્રેયસ ઐયર રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન છે.

બિહારના સમસ્તીપુર જિલ્લાના વૈભવે તાજેતરની આઇપીએલમાં હાઇએસ્ટ 776 રન બનાવીને સૌને વિચારતા કરી દીધા હતા. તેને આયરલૅન્ડમાં બેમાંથી એક પણ ટી-20માં ડેબ્યૂ ન કરવા મળ્યું અને ઇંગ્લૅન્ડમાં વરસાદથી અનિર્ણિત રહેલી સિરીઝની પ્રથમ ટી-20માં પણ નહોતું રમવા મળ્યું, પણ હવે મૅન્ચેસ્ટરનું મેદાન તેના માટે યાદગાર બની રહ્યું છે.

સચિને 1989માં પાકિસ્તાનમાં ડેબ્યૂ કર્યું ત્યારે માત્ર પાકિસ્તાન ટીવીના ફૂટેજ ઉપલબ્ધ હતા, પણ વૈભવે ઇંગ્લૅન્ડમાં આગમન કર્યું ત્યારથી માંડીને અત્યાર સુધીમાં 4,000 કૅમેરા તેની દરેક હિલચાલને ટ્રૅક કરી રહ્યા છે.

1989: Sachin Tendulkar made his debut in international cricket

બન્ને દેશની પ્લેઇંગ ઇલેવનઃ

ભારતઃ શ્રેયસ (કૅપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક, ઇશાન, તિલક, શિવમ, હર્ષિત, અક્ષર, બિશ્નોઈ, અર્શદીપ અને વરુણ ચક્રવર્તી

ઇંગ્લૅન્ડઃ હૅરી બ્રૂક (કૅપ્ટન), જૉસ બટલર (વિકેટકીપર), ફિલ સૉલ્ટ, જૅકબ બેથેલ, ટૉમ બૅન્ટન, લિઆમ ડૉસન, વિલ જૅક્સ, સૅમ કરૅન, આદિલ રાશીદ, જોફ્રા આર્ચર અને જૉશ ટન્ગ.