વડોદરાઃ ગુજરાતમાં ઘરેલું ઝધડાની ઘટનાઓ સતત વધી રહી છે, તેવામાં આવી જ એક ઘટના વડોદરામાં ઘટી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એક પરિણીતા પોતાની બિમાર માતાની સેવા કરવા માટે પિયર ગઈ હતી, ત્યારે તે પિયરથી પાછી આવી ત્યારે તેના સસરાએ ઘરમાં આવવાની ના પાડી દીધી હતી. આ પરિણીતાને પોતાના બે બાળકો સાથે અડધી રાત્રે રોડ પર બેસવા માટે મજબૂર કરવામાં આવી હતી. એક દીકરીને પોતાની માતાની સેવા કરવાની આવી સજા મળી! આ અંગે જ્યારે અભયમને જાણ થઈ ત્યારે ટીમ મદદે આવી પહોંચી હતી.
પિયરથી આવેલી પુત્રવધૂને સસરાએ ઘરમાં ના આવવા દીધી!
અભયમની ટીમે આવીને પરિવાર સાથે સામાધાન કરાવ્યું અને મહિલાને ઘરે પાછી મોકલી હતી. ઘટના એવી છે કે, મધ્ય પ્રદેશની આ મહિલાએ પાંચ વર્ષ પહેલા લગ્ન કર્યાં હતાં. તેને બે સંતાનો પણ છે. જ્યારે તેને જાણ થઈ કે તેની માતાની તબીયત વધારે ખરાબ છે તે તો સેવા કરવા માટે પિયર ગઈ હતી. અહીં ત્રણ મહિના રહી અને ગતરાત્રે પોતાના બંને બાળકો સાથે વડોદરા સાસરીમાં આવી હતી. ઘરે પાછી આવી ત્યારે તેના સસરાએ ઘરમાં આવવાની ના પાડી દીધી! ચોંકાવનારી વાત એ છે આ દરમિયાને તેનો પતિ હાજર હતો તેમ છતાં પણ પત્નો પક્ષ લીધો નહોતો એટલા માટે મહિલાને નિર્દોષ બાળકો સાથે રોડ પર બેસી રહેવું પડ્યું હતું.
પતિએ પણ છૂટાછેડા આપવાની ધમકી આપેલી
આ મામલો માત્ર પિયર જવા પૂરતો જ નથી. મહિલાના કહ્યા પ્રમાણે તેના સસરા દ્વારા નાની-નાની વાતો પર કચકચ કરવી અને તેમની મરજી પ્રમાણે જ જીવવા માટે દબાણ કરવામાં આવતું હતું. પતિ પણ છૂટાછેડા આપવાની ધમકી આપીને પરેશાન કરતો હતો. હવે પાણી ઉપર થઈને જતું હતું, એટલે મહિલાએ કંટાળીને 181 પર કોલ કરીને અભયમની મદદ માંગી હતી. અભયમની ટીમ દ્વારા મહિલા અને તેના પરિવારનું કાઉન્સલિંગ કરવામાં આવ્યું હતું. ટીમે સસરા અને પતિને કડક શબ્દોમાં કહ્યું હતું કે, આવી રીતે મહિલાને રાત્રે રઝળતી મૂકવી તે એક ગુનો પણ છે. ત્યારે આ લોકો ઢીલા પડ્યા અને વાતનું સમાધાન થયું હતું.