શપથગ્રહણમાં રાહુલ ગાંધી અને ખડગે હાજર રહી શકે છે
તિરુવનંતપુરમ: કેરળમાં વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પણ કોંગ્રેસે મુખ્ય પ્રધાનની જાહેરાત કરવામાં દોઢેક અઠવાડિયું વીતી ગયું. આ ચૂંટણીમાં કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) ગઠબંધને તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં નિર્ણાયક જીત મેળવીને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M)ના નેતૃત્વવાળા ડાબેરી મોરચા (LDF)ને સત્તા પરથી હટાવી દીધો છે. આ સાથે જ કેરળમાં આશરે એક દાયકા પછી UDFની સત્તામાં વાપસી થઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી. ડી. સતીશન આવતીકાલે કેરળના નવા મુખ્ય પ્રધાન તરીકે પદભાર ગ્રહણ કરશે.
વોટરપ્રૂફ શેડ પણ તૈયાર કરાયો
તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જ્યાં સતીશનની સાથે અન્ય 20 પ્રધાનો પણ ગુપ્તતાના શપથ લેશે. કાર્યક્રમ માટે એક વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે હજારો પક્ષના કાર્યકરો, રાષ્ટ્રીય સ્તરના રાજકીય નેતાઓ અને સ્થાનિક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોવાથી બેઠક વ્યવસ્થા સુદ્રઢ કરવામાં આવી છે. વળી, વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને વોટરપ્રૂફ શેડ સહિતના ખાસ અગમચેતીના પગલાં લેવાયા છે.
ટ્રાફિક સમસ્યા નિવારવા વિશેષ વ્યવસ્થા
સોમવારે સવારે યોજાનારા આ ભવ્ય સમારોહ પૂર્વે સમગ્ર તિરુવનંતપુરમ શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મોટી સંખ્યામાં અતિ વિશિષ્ટ મહાનુભાવો (VIPs) અને યુડીએફના સમર્થકો ઉમટી પડવાના હોવાથી ટ્રાફિક જામ ન થાય તેના માટે વહીવટીતંત્ર દ્વારા વિશેષ ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવી છે.
રાહુલ ગાંધી અને ખડગે ઉપસ્થિત રહી શકે
છેલ્લા પાંચ વર્ષથી વિપક્ષના નેતા તરીકે સક્રિય ભૂમિકા ભજવનારા 61 વર્ષીય વી. ડી. સતીશનને પક્ષના જનાધારને ફરી મજબૂત કરવાનો મુખ્ય શ્રેય આપવામાં આવે છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા તેમના નામની જાહેરાત થયા બાદ, તેમણે ગઠબંધનના સાથી પક્ષો સાથે મળીને નવા પ્રધાન મંડળને આખરી ઓપ આપવા માટે અનેક બેઠકો કરી છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસ શાસિત અને પડોશી રાજ્યોના મુખ્ય પ્રધાનોને આમંત્રણ અપાયું છે. આ ઉપરાંત, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને મલ્લિકાર્જુન ખડગે જેવા ટોચના નેતાઓ હાજર રહે તેવી સંભાવના છે. તમામ 140 ધારાસભ્યોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.