Sun Jul 26 2026

Logo

અમેરિકા ઈરાન યુદ્ધમાં ત્રણ ભારતીયોના મોત, નાગરિકોને સુરક્ષિત લાવવા સરકાર કટીબદ્ધ

2026-03-13 20:16:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું  છે. આ  સંઘર્ષ મુદ્દે સરકારે આજની પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું છે કે અત્યાર સુધીમાં ત્રણ ભારતીયનાં મોત થયા છે, જ્યારે એક ગુમ છે. આ ઉપરાંત  ફારસની ખાડીમાં 24 અને ઓમાનની ખાડીમાં ત્રણ જહાજ રહેલા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણજિત જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત સરકાર ઝડપથી પરિસ્થિતિઓ પર નજીકથી નજર રાખી રહી છે. ભારતના નાગરિકોની સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. 

ભારતીય નાગરિકો ઈરાનથી સુરક્ષિત રીતે પરત ફરી રહ્યા

તેમણે  વધુમાં જણાવ્યું કે મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ઈરાનથી સુરક્ષિત રીતે પરત ફરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં  170 ભારતીય નાગરિકો આર્મેનિયા થઈને જમીન સરહદ પાર કરી ચૂક્યા છે. તેમાંથી ઘણા પહેલાથી જ ભારત પરત ફર્યા છે. જ્યારે બાકીના આગામી દિવસોમાં કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા પરત ફરશે. 

ચાર નાવિકોને નાની ઇજાઓ થઈ છે

આ ઉપરાંત શિપિંગ મંત્રાલયના અધિકારી રાજેશ કુમાર સિંહાએ પણ ખાડી ક્ષેત્રમાં ભારતીય જહાજો અને નાવિકોની સ્થિતિ અંગે  જણાવ્યું હતું કે મુખ્ય બંદરો પર LPG વાહક જહાજોને પ્રાથમિકતા બર્થિંગ આપવામાં આવી રહી છે. તેમજ ભારતીય નાવિકોને લગતા ત્રણ જાનહાનિના અહેવાલો પ્રાપ્ત થયા છે. જેમાંથી એક ગુમ છે. જયારે  ચાર નાવિકોને નાની ઇજાઓ થઈ છે અને હાલમાં તેઓ તબીબી સારવાર લઈ રહ્યા છે.

24 ભારતીય ધ્વજવાળા જહાજો છે

હોર્મુઝ સ્ટ્રેટની પશ્ચિમમાં  ફારસની ખાડીમાં  677 ભારતીય નાવિકોને વહન કરતા 24 ભારતીય  જહાજો છે. ઓમાનના અખાતમાં, હોર્મુઝ સ્ટ્રેટની પૂર્વમાં, શરૂઆતમાં ચાર જહાજો હતા.તેમાંથી એક ત્યારથી આ પ્રદેશ છોડી ચૂક્યું છે, જેના કારણે ત્રણ ભારતીય જહાજો અને 76 ભારતીય નાવિકો આ વિસ્તારમાં બાકી છે. સમગ્ર ગલ્ફ ક્ષેત્રમાં આશરે 23,000 ભારતીય નાવિકો વિવિધ જહાજોમાં કાર્યરત છે.