વોશિંગ્ટન: વ્હાઇટ હાઉસના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કરવામાં આવેલી એક પોસ્ટને કારણે વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. આ પોસ્ટમાં ઈરાન પર સંભવિત હુમલાનો પરોક્ષ સંકેત આપતા જણાવવામાં આવ્યું હતું કે, હવે કોઈ પણ બહાના ચાલશે નહીં અને વિજય મેળવ્યા પછી જ અમે શાંતિથી બેસીશું. અમેરિકાએ ઈરાનને સ્પષ્ટ અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે કાં તો સમજૂતી કરો અથવા ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહો. વ્હાઇટ હાઉસના આ વલણથી સ્પષ્ટ થાય છે કે જો ઈરાન નમતું નહીં જોખે તો સૈન્ય કાર્યવાહીના વિકલ્પો પણ ખુલ્લા છે.
જો કે હાલ યુદ્ધ અને શાંતિ મંત્રણાની સ્થિતિ વચ્ચે આ ઘટનાક્રમ માત્ર એક સામાન્ય અપડેટ નથી, પરંતુ ઈરાન પર દબાણ લાવવાની અમેરિકાની વ્યૂહરચનાનો એક ભાગ માનવામાં આવે છે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનની પીછેહઠ વગર પરિસ્થિતિમાં સુધારો શક્ય નથી. બીજી તરફ, ઈરાને પણ અમેરિકાના આ આક્રમક વલણ સામે જવાબી કાર્યવાહીની ચેતવણી આપી હતી. આ નિવેદનબાજીને કારણે મધ્ય પૂર્વના દેશોમાં સૈન્ય ગતિવિધિઓ તેજ બની છે અને કોઈપણ પક્ષની નાની ભૂલ મોટા યુદ્ધમાં પરિણમી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.
મધ્ય પૂર્વ જેવા સંવેદનશીલ ક્ષેત્રમાં પહેલેથી જ તણાવની સ્થિતિ છે, ત્યારે અમેરિકાની આ ચેતવણીની અસર વ્યાપક સ્તરે જોવા મળી શકે છે. જોકે આ પોસ્ટ સીધા હુમલાની જાહેરાત નથી, પરંતુ તે એક અત્યંત ગંભીર ચેતવણી ચોક્કસ છે. આ સંકેતો સ્પષ્ટ કરે છે કે અમેરિકા હવે આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યું છે અને જરૂર પડ્યે સૈન્ય બળનો ઉપયોગ કરવામાં પણ અચકાશે નહીં. અત્યારે સમગ્ર વિશ્વની નજર આ બંને દેશોના આગામી પગલાં પર ટકેલી છે.