Tue Sep 08 2026

Logo

UPના સરકારી એન્જીનિયર-પત્નિને 33 માસૂમ બાળકો પર જાતિય હુમલા માટે ફાંસીની સજા

2026-02-21 12:38:00
Author: Devayat Khatana
UPના સરકારી એન્જીનિયર-પત્નિને 33 માસૂમ બાળકો પર જાતિય હુમલા માટે ફાંસીની સજા

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પોક્સો કોર્ટે ૩૩ નિર્દોષ બાળકો પર જાતીય હુમલા કરવાના ગુનામાં પૂર્વ સરકારી એન્જિનિયર રામભવન અને તેની પત્ની દુર્ગાવતીને ફાંસીની સજા ફટકારી છે. વર્ષ ૨૦૧૦ થી ૨૦૨૦ દરમિયાન આ દંપતીએ બાંદા અને ચિત્રકૂટ વિસ્તારમાં ૩ વર્ષ જેટલી નાની વયના બાળકોને પણ પોતાની હવસનો શિકાર બનાવ્યા હતા. કોર્ટે આ ઘટનાને 'રેરેસ્ટ ઓફ રેર' ગણાવીને સમાજમાં કડક દાખલો બેસાડ્યો છે.

તપાસ દરમિયાન બહાર આવ્યું હતું  કે, સિંચાઈ વિભાગમાં જુનિયર એન્જિનિયર તરીકે કાર્યરત રામભવન બાળકોને ઓનલાઈન ગેમ્સ, પૈસા અને ભેટની લાલચ આપીને ફસાવતો હતો. સીબીઆઈની તપાસમાં ખુલાસો થયો કે આ દંપતી બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો અને ચાઈલ્ડ પોર્નોગ્રાફી જેવા ગંભીર ગુનાઓમાં સામેલ હતું. આ અત્યાચાર એટલો અમાનવીય હતો કે કેટલાય બાળકોને વર્ષો સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું, જ્યારે ઘણા બાળકો આજે પણ માનસિક આઘાત અને શારીરિક ઈજાઓનો સામનો કરી રહ્યા છે.

ન્યાયાધીશે પીડિતોના પુનર્વસન માટે ઐતિહાસિક આદેશ આપતા જણાવ્યું કે, સરકાર દરેક પીડિત બાળકને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવે. આ ઉપરાંત, આરોપીઓના ઘરેથી જપ્ત કરાયેલી તમામ રકમ પીડિતો વચ્ચે સમાન રીતે વહેંચવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે આ ગુનાની ગંભીરતા અને ભયાનકતા જોતા ગુનેગારોમાં સુધારાની કોઈ અવકાશ નથી, તેથી ન્યાયના હિતમાં મૃત્યુદંડ જ એકમાત્ર વિકલ્પ છે.

સીબીઆઈએ ફેબ્રુઆરી ૨૦૨૧માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ફોરેન્સિક પુરાવા, ડિજિટલ પુરાવા અને મેડિકલ એક્સપર્ટ્સની મદદથી સીબીઆઈએ એક મજબૂત કેસ તૈયાર કર્યો હતો, જેના આધારે આ સીમાચિહ્નરૂપ ચુકાદો આવ્યો છે. સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું કે તેઓ બાળકોના અધિકારો અને ગરિમાના રક્ષણ માટે તેમજ આવા હેવાનિયતભર્યા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે.