લખનઉ: દેશમાં પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ સહિતના રાજ્યમાં ચૂંટણીનો ધમધમાટ પુરો થયો છે, ત્યારે હવે અન્ય રાજ્યોમાં વર્ષ 2027માં ચૂંટણીઓ થવાની છે. જેમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. ત્યારે યુપીના રાજકારણમાં 2027 ની વિધાનસભાની ચૂંટણીઓ હજુ પણ ઘણી દૂર દેખાઈ રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP) એ યુદ્ધના ધોરણે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીની અંદર ચાલી રહેલી ચર્ચાઓ અને સંગઠનની હિલચાલને જોતાં ઉત્તર પ્રદેશ ભાજપમાં નવાજૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સંગઠનમાંથી લગભગ અડધા સભ્યોને અને લાંબા સમય સુધી અનેક હોદ્દા સંભાળી ચૂકેલા મોત માથાઓને ઘરે બેસાડવામાં આવી શકે છે.
ગુજરાતની રાજનીતિમાં ભાજપે જે ચહેરા બદલીને ચૂંટણીઓમાં લાભ લીધો છે, તેવું બેઠું ફોર્મેટ ઉત્તર પ્રદેશમાં લાગુ કરવામાં નથી આવી રહ્યું. પણ અહી આ ફેરફાર માત્ર ચહેરા બદલવાની વાત નથી, પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય પછી 2027માં સત્તાની હેટ્રિક મેળવવાની ભાજપની વ્યૂહરચનાનો એક ભાગ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

શા માટે બદલાવ જરૂરી?
ઉલ્લેખનીય છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ ભાજપ માટે સૌથી મોટો રાજકીય ફટકાર સાબિત થયો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે 400 કે પારના નારા લગાવ્યા હતા, જો કે લોકસભામાં 80 બેઠકો ધરાવતા રાજ્યમાં ભાજપ અને તેના સાથી પક્ષોએ અપેક્ષા કરતાં ખૂબ જ નબળું પ્રદર્શન કર્યું છે, જ્યારે સમાજવાદી પાર્ટીના નેતૃત્વ હેઠળના વિપક્ષી ગઠબંધને નોંધપાત્ર લીડ મેળવી હતી. ત્યારબાદ પક્ષના નેતૃત્વને સમજાયું હતું કે ચૂંટણી જીતવા માટે સરકારનું પ્રદર્શન પૂરતું નહીં હોય પણ સાથોસાથ સંગઠનને પણ એટલું જ મજબૂત બનાવવાની જરૂર પડશે.
જો કે લોકસભાની ચૂંટણી બાદ રાજ્યમાં થયેલી પેટાચૂંટણીઓમાં ભાજપે જોરદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ પાર્ટીના નેતૃત્વનું માનવું છે કે 2027ની ચૂંટણી ઘણી મુશ્કેલ હશે. આ જ કારણ છે કે બૂથ સ્તરથી લઈને રાજ્ય સ્તર સુધી સંગઠનની સમીક્ષા કરવામાં આવી રહી છે. જો કે આ સાથે જ ભાજપ હમેશા "એક વ્યક્તિ, એક જવાબદારી" ની વાત કરતું રહ્યું છે. જોકે, સમય જતાં ઘણા નેતાઓ સંગઠન અને સરકાર બંનેમાં મોટા હોદ્દાઓ પર બિરાજમાન થઈ ચૂક્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટી હવે એવા નેતાઓની યાદી તૈયાર કરી રહી છે જેઓ એક કરતાં વધારે મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી રહ્યા છે.
તાજેતરના અહેવાલો સૂચવે છે કે રાજ્ય સંગઠનના 50 ટકા સુધીના હોદ્દાઓ પર ફેરબદલ થવાની શક્યતા છે. પ્રદેશ પ્રમુખો, ફ્રન્ટ ચેરપર્સન અને ઘણા મુખ્ય પદાધિકારીઓને બદલી દેવામાં આવી શકે છે. આ ફેરફાર હાલ જિલ્લા સ્તરે પણ જોવા મળી રહ્યા છે, જેમાં હવે રોજે રોજ નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપ 2027 પહેલા સંગઠનમાં "એન્ટી-ઈન્કમ્બન્સી" ઉભરવા દેવા માંગતો નથી.