Mon May 25 2026

Logo

યુપીના બદાયુમાં મોટી હોનારત: ગંગા સ્નાન વખતે 12 શ્રદ્ધાળુ ડૂબ્યા, પાંચના મોત

2026-05-25 20:53:38
Author: Devayat Khatana
Article Image

બદાયુના જુદા જુદા ગંગા ઘાટ પર સર્જાયેલી દુર્ઘટનાથી તંત્ર દોડતું થયું, બાળકી ગુમ

લખનઉ: ઉત્તર પ્રદેશના બદાયુમાં જ્યેષ્ઠ દશેરાના અવસર પર જુદા જુદા ગંગા ઘાંટો પર પવિત્ર સ્નાન દરમિયાન એક દુર્ઘટના સર્જાય હતી. સ્નાન દરમિયાન 12 જેટલા શ્રધ્ધાળુ ઊંડા પાણીમાં ડૂબ્યાં હતા, જોકે જેમાંથી 5 લોકોના મૃત્યુ થયા હતા. કલાકો સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ મૃતદેહો મળી આવ્યા હતા. 

એક બાળકી હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે. જો કે અન્ય 6 જેટલા શ્રદ્ધાળુનો બચાવ થયો હતો. જુદા જુદા ઘાટ પર સર્જાયેલી દુર્ઘટનાથી તંત્ર દોડતું થઈ ગયું હતું અને ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી હતી. 

મળતી વિગતો અનુસાર કછલા ઘાટ પર સર્જાયેલી દુર્ઘટના મુખ્ય સ્નાન ઘાટથી એક કિલોમીટર દૂર સર્જાય હતી. હાથરસ જિલ્લાના કાનુ ગામના ઓમવીર તેમના સબંધીની સાથે સ્નાન માટે આવ્યા હતા. સ્નાન દરમિયાન 16 વર્ષીય દીકરો નીલેશ અને સબંધી નેત્રપાલની 17 વર્ષીય દીકરી શિખા ઊંડા પાણીમાં તણાઇ ગયા હતા. તેમને બચાવવા માટે ઓમવીર, તેનો દીકરો સર્વેશ અને સબંધી શ્યામવીરની પત્ની પણ પાણીમાં ડૂબવા લાગ્યા હતા.  

જોકે, ઘટનાસ્થળ પરના તરવૈયાઓએ ઓમવીર, તેનો દીકરો સર્વેશ અને સબંધી શ્યામવીરની પત્ની વર્ષાને બચાવી લીધા હતા. જો કે નીલેશ અને શિખા બંને પાણીમાં વહેણમાં તણાયા હતા. લાંબા સમય સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ નીલેશનો મૃતદેહ મળી આવ્યો હતો, જો કે શિખાની મોડી સાંજ સુધી કોઈ ભાળ મળી નથી. આ ઉપરાંત હાથરસ જિલ્લાના અને બદાયુ જિલ્લાના એક એક વ્યક્તિનું પણ પાણીમાં ડૂબવાથી મોત થયું હતું. 

કર્ણાટક, ગુજરાત પછી હવે યુપી

પોલીસે તેમના પણ મૃતદેહને શોધી કાઢ્યા હતા, પરંતુ પરિવારે પોસ્ટ માર્ટમ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. જો કે એટા જિલ્લાના કરણ, ફિરોઝાબાદના અભિષેક અને રાજકુમાર, હાથરસના ઋત્વિક, કાસજંગના બન્ટુનો સદનસીબે બચાવ થયો હતો. અન્ય એક બનાવ અટૈના ઘાટ પર બની હતી, જેમાં મૈનપુરી જિલ્લાના પીંટુનુ પાણીમાં ડૂબવાથી મોત થયુ હતું. 

છેલ્લા 24 કલાકમાં દેશમાં નદી-નાળામાં ડૂબવાના બનાવમાં વધારો થયો છે, જેમાં કર્ણાટક, ગુજરાત પછી યુપીનો સમાવેશ થાય છે. એક દિવસમાં વિવિધ રાજ્યમાં ડૂબવાને કારણે અનેક લોકોનાં મૃત્યુ થયા છે, જે દુઃખદ બાબત છે.