Sat Sep 05 2026

Logo

NEET 2026ની  પુન: પરીક્ષાની  તૈયારીઓની કેન્દ્રીય  શિક્ષણ પ્રધાને  સમીક્ષા કરી

2026-05-19 21:47:41
Author: Chandrakant Kanoja
NEET 2026ની  પુન: પરીક્ષાની  તૈયારીઓની કેન્દ્રીય  શિક્ષણ પ્રધાને  સમીક્ષા કરી

 નવી દિલ્હી : NEET UG 2026 નું પેપર લીક થયા બાદ તેની પુન: પરીક્ષા 21 જૂનના રોજ યોજાવાની છે. જેના પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી  ધર્મેન્દ્ર પ્રધાને પરીક્ષાની તૈયારીઓની  સમીક્ષા કરી હતી. તેમજ આ પરીક્ષા સંપૂર્ણ પારદર્શિતા અને સલામત રીતે યોજવા માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. 

કેન્દ્રીય શિક્ષણ મંત્રી   ધર્મેન્દ્ર પ્રધાને સમીક્ષા બેઠક દરમિયાન એ બાબત પર જોર આપ્યું કે ગત પરીક્ષા પ્રક્રિયા દરમિયાન જે ખામી આવી છે તેને દૂર કરવામાં આવે.તેમજ આ પરીક્ષાની વિશ્વસનીયતા અને નિષ્પક્ષતા બનાવી રાખવા માટે જરૂરી તમામ સુરક્ષા વ્યવસ્થા કરવી જોઇએ.  

આ અંગે અધિકારીઓને  જણાવ્યું હતું કે પરીક્ષા કેન્દ્રો પર દેખરેખ મજબૂત કરવા અને તમામ જરૂરી વ્યવસ્થાઓના અસરકારક અમલીકરણની ખાતરી કરવા માટે રાજ્યોભરના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકો સાથે સંકલન બેઠકો યોજવા સૂચનાઓ આપવામાં આવી છે.

વિદ્યાર્થીઓને યોગ્ય સુવિધા આપવા નિર્દેશ 

જ્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભાર મૂક્યો હતો કે પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા અને તકેદારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ.  તેમણે અધિકારીઓને વિદ્યાર્થીઓ માટે પરિવહન, પીવાના પાણી અને અન્ય આવશ્યક સુવિધાઓ માટે પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.

આગામી વર્ષથી પરીક્ષા કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ મોડમાં લેવાશે

ઉલ્લેખનીય છે કે 3 મેના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષા, ગેરરીતિઓ અને પેપર લીકના આરોપો બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા રદ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લીધો હતો.
શિક્ષણ મંત્રીએ પહેલાથી જ જાહેરાત કરી છે કે NEET-UG પુનઃપરીક્ષા 21 જૂને યોજાશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આવી ગેરરીતિઓને રોકવા માટે, મેડિકલ પ્રવેશ પરીક્ષા આગામી વર્ષથી કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT)મોડમાં લેવામાં આવશે.