ફિલ્મનામા -નરેશ શાહ
અખબારોની પૂર્તિમાં આવતી ‘સેક્સ-સમસ્યા’ઓની કોલમ જેમ ચર્ચ્યા વગર, ઉડતી નજરે વંચાતી હોય છે. આમ જુઓ તો આ પણ એવી જ વાત છે. આવી કોલમને કારણે કંઈ આપણે અખબાર બંધ કરાવી દેતાં નથી તેમ ઓટીટી પ્લેટફોર્મ પર એવી કેટલીય વેબસિરીઝ છે કે જે સપરિવાર તો નહીં, સજોડે બેસીને જોવામાં પણ કદાચ, રુચિ ન જાગે. એને એકલાં-એકલાં જ વધુ ‘એન્જોય’ કરી શકાય.
ફરી એકવાર તમારી ધારણા ખોટી પાડવાની કે આપણે કોઈ ડ- રેટેડ વેબસિરીઝની વાત કરતાં નથી અને કરવાના નથી. આ એકદમ રિયાલિસ્ટીક એપ્રોચ અને તળપદા અને રિઅલ ટોનમાં જ ફિલ્માવાતી ગેંગસ્ટરો અને ગેંગવોરની વેબસિરીઝની વાત થઈ રહી છે. સેક્રેડ ગેમ્સ, બિચ્છુ કા ખેલ, જામતારા, ભૌકાલ, ક્રિમીનલ જસ્ટિસ, રંગબાઝ... જેવી અનેક વેબસિરીઝની એક નહીં, બે-બે અને અભય જેવી સિરીઝની ત્રણ-ત્રણ સિઝન ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ ચૂકી છે. તેમાં ક્યાંક જુગુપ્સા જગાવે તેવાં સેક્સ દૃશ્યોનો સમાવેશ થયો છે પણ વાસ્તવિક દૃશ્યો બનાવવા અને પાત્રોનું સાચુકલાપણું બયાન કરવા માટે તેમાં અપશબ્દો (ભુંડા બોલી- ગાળો)નો ય ભરપૂર ઉપયોગ થતો હોય છે, જે યાર દોસ્તો કે સમવયસ્ક અને સમ-મિજાજ બહેનપણીઓ સિવાય અન્ય સાથે જોવામાં અનકમ્ફર્ટેબલ થઈ જવાય.
બેબાક જબાન અને મિજાજને છલકાવતી છતાં જોયા પછી કે જોતાં દરમિયાન મનોરંજનનો તડકો બરાબર લાગે, એવી બે વેબિસિરીઝની આજે અહીં હાઈલાઈટસ આપવી છે. અનદેખી (બે સિઝન) અને અપહરણ (બન્ને સિરિઝ)નામની આ બન્ને સિરિઝને પ્રતિષ્ઠિત ગણાતી આઈએમડીબી (ઈન્ટરનેટ મૂવી ડાટા બેઈઝ) પર તેને (દશમાંથી) સાડા આઠથી વધુ પોઈન્ટના રેટિંગ્ઝ દર્શકો તરફથી અપાયા છે, એટલે યાદ રાખવું કે, એ વેબસિરિઝને ફાલતુ ગણી લેવામાં આપણી જ ના-સમજી છે!
અનદેખી:
મનાલીના માથાભારે અટવાલ ફેમિલીના લગ્ન પ્રસંગમાં એક ડાન્સરનું, દારૂના નશામાં પરિવારના મુખિયા પાપાજીથી હત્યા થઈ જાય છે, લગ્નનું વીડિયો રેકોર્ડિંગ કરી રહેલાં કેમેરામાં એ ફુટેજ શૂટ થઈ જાય છે અને પછી...
સોની લીવ પર સ્ટ્રીમ થયેલી ‘અનદેખી’ સિરીઝની બન્ને સિઝનમાં આ એક જ હત્યાની ઘટના પછીના પડછાયાંનો ઘટનાક્રમ દર્શાવાયો છે અને એ એટલો ઈન્ટરેસ્ટિંગ છે કે બન્ને સિઝન જોઈ ચૂકેલાં તેની નેકસ્ટ સિઝનની રાહ જોઈ રહ્યાં છે. હિંસા, ગાળાગાળી, ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ અને નિર્દય અટવાલ ફેમિલી, જીવ બચાવવા મથતી વીડિયો કેમેરાની ટીમ, બદલો લેવા આતુર મૃતક ડાન્સરની બહેન, બંગાલી પોલીસ અધિકારીની તપાસ અને અટવાલ ફેમિલીને ધિક્કારતી નવપરિણીત પુત્રવધૂ (જેના વિવાહમાં જ મર્ડર થયેલું)ના દાવપેચ... પુખ્ત લેવલનું કહી શકાય એવા મનોરંજનનું આ વેબસિરીઝમાં નશીલું કોકટેલ છે, પણ આ બધામાં શિરમોર આપણા ગુજરાતી એક્ટર હર્ષ છાયાએ પંજાબી પિયક્કડ પાપાજીનું ભજવેલું પાત્ર છે. હર્ષ છાયાએ ભજવેલું આ કિરદાર ખરેખર એવોર્ડ વિનર ગણી શકાય એવું સશક્ત છે. ‘અનદેખી’ હર્ષ છાયા માટે પણ જોવું રહ્યું.
અપહરણ:
‘વુટ સિલેક્ટ’ પર સ્ટ્રીમ થયેલી અપહરણ (સબ કા કટેગા)ની બન્ને સિઝનમાં થીમ અપહરણની છે, પણ બન્નેમાં કિસ્સા અને લોકલ અલગ છે. પહેલી સિઝનમાં હરિદ્વારનો અપહરણ સ્પેશ્યાલિસ્ટ રૂદ્ર શ્રીવાસ્તવ એક શ્રીમંતની પુત્રીનું અપહરણ કરે છે, પરંતુ ડગલે ને પગલે તેમાં ઊંધુંચતું થતું રહે છે. અપહરણના એ કિસ્સાની પૂર્ણાહુતિ પછી રૂદ્ર શ્રીવાસ્તવ અને તેની પત્ની રંજના વચ્ચેના સંબંધમાં ખટાશ આવી ગઈ છે અને રંજના ડ્રગ્ઝના રવાડે ચડી જાય છે અને અહીંથી શરૂ થતી બીજી સિઝનમાં રો-ઓફિસર બ્લેકમેઈલ કરીને, પરાણે રૂદ્ર શ્રીવાસ્તવને એક અન્ય ગેંગસ્ટરનું અપહરણ કરવા માટે સર્બિયા મોકલે છે, જ્યાં તેની સાથે નવી ઓળખ માટે નકલી પત્ની પણ હોય છે અને...
‘અપહરણ’ સિરિઝની બન્ને સિઝન રૂદ્ર શ્રીવાસ્તવના નેરેશન સાથે આગળ વધે છે. અંગ્રેજીમાં શૂન્ય એવા રૂદ્ર (અભિમન્યુ સિંહ)ના મિજાજ હંમેશાં ગરમ તાવડા જેવો રહે છે, જેમાં ધાણી ફૂટે તેમ અવિરત ગાળોની બૌછાર વહેતી રહે છે. અપશબ્દોનું આ લઝીઝ આવરણ ‘અપહરણ’ની એવી સ્ટ્રોંગ ઓળખ છે કે એપિસોડના અંતે આવતાં ટાઈટલ્સ વખતના ગીતમાં પણ તેની જ રમઝટ છે. બેશક, અપશબ્દોમાંથી પણ રમૂજનો ધોરિયો કેમ ફૂટે, એ ડાયલોગ રાઈટર વરુણ બડોલાએ ‘અપહરણ’માં દેખાડ્યું છે. માત્ર આ ડાયલોગ અને અપશબ્દોસભર નેરેશન માટે પણ ‘અપહરણ’ જોવી પડે એટલી રસપ્રદ છે જ, જો કે આ ઉપરાંત અભિમન્યુ સિંહ ઉપરાંત દુબેજી બનતા સાનંદ વર્મા (જે હવે નપુંસક બની ગયો છે) અને હસી પડાય તેવી રીતે ગાળો બોલતી ગિલ્લોરી (સ્નેહીલ દીક્ષિત મહેરા) માટે પણ ‘અપહરણ’ જોઈ લેશો તો સરપ્રાઈઝ પેકેટ તરીકે જમ્પિંગ જેક જીતેન્દ્રય બોનસમાં જોવા મળશે!