Wed Jun 17 2026

Logo

મનોરંજનનું મેઘધનુષઃ કંગના રનૌત તડ ને ફડની મોજીલી મહારાણી

2026-06-12 08:24:00
Author: Umesh Trivedi
Article Image

 


ઉમેશ ત્રિવેદી

ફ્લ્મિ અભિનેત્રી, નિર્માત્રી, દિગ્દર્શિકા, સંસદસભ્ય, પંગા ક્વિન અને પોતાના વિચારો નીડરતાથી રજૂ કરનારી કંગના રનૌત 2006થી ફિલ્મી દુનિયામાં કાર્યરત છે. આ 20 વર્ષની કારકિર્દી દરમિયાન ચાર વાર નૅશનલ અવૉડર્સ અને ચાર વાર ફિલ્મફેર અવૉડર્સ મેળવી ચૂકી છે.


તેની આગામી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ આજે (12 જૂને) રજૂ થઈ રહી છે. ‘પંગા ક્વિન’ તરીકે જાણીતી કંગનાની કારકિર્દી જેટલી રસપ્રદ છે એટલી જ એની અંગત જિંદગી પણ છે. 16 વર્ષની ઉંમરે મોડેલિંગમાં ઝુકાવીને પછી તેણે જાણીતા થિયેટર ડિરેક્ટર અરવિંદ ગૌડ પાસેથી અભિનયની તાલીમ મેળવી હતી. માત્ર 20 વર્ષની ઉંમરે તેને પહેલી ફિલ્મ મળી ‘ગેંગસ્ટર’.


ઇમરાન હાશ્મી, શાઇની આહુજા સાથેની આ ફિલ્મથી તેણે બોલિવૂડમાં સફળતા મેળવવાની શરૂઆત કરી દીધી હતી. મહેશ ભટ્ટ-મુકેશ ભટ્ટ નિર્મિત આ ફિલ્મના દિગ્દર્શક અનુરાગ બાસુ હતા. આ ફિલ્મથી તેની કારકિર્દીની ગાડી સડસડાટ દોડવા લાગી અને બીજી તરફ તે બોલિવૂડમાં એક પછી એક વિવાદમાં ફસાતી ગઇ. જોકે, બેફામ બોલવાને કારણે તે સતત વિવાદમાં રહેતી હોય છે.


હાલમાં દક્ષિણ (સાઉથ)ની ફિલ્મ ‘પેદ્દી’ના વિવાદમાં પણ તે કૂદી છે. જોકે, આ વિવાદની શરૂઆત જ તેણે કરી છે. રામચરણ અને જહાન્વી કપૂર અભિનીત આ ફિલ્મ અત્યારે સાઉથની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ સાબિત થઇ છે, પણ તેની સફળતામાં જહાન્વી કપૂરનાં બોલ્ડ દૃશ્યોનો પણ મોટા હાથ છે. અહીં ગામડાંની ગોરી તરીકે જહાન્વી કપૂરને રજૂ કરવામાં આવી છે, પણ  જે રીતે તેને એક ‘ચીજ’ તરીકે રજૂ કરવામાં આવી છે તે સામે કંગનાએ વાંધો ઉઠાવીને કહ્યું છે કે ‘ફિલ્મના દૃશ્યમાં જો કાંઇ ખોટું હોય તો મહિલાએ (હીરોઇને) અવાજ ઊઠાવવો જોઇએ.’ તેનાં આ નિવેદનને પગલે ખૂબ જ હોબાળો મચ્યો છે.


આમે્ય કંગના અને વિવાદ એકબીજાનાં પર્યાય બની ગયા છે. એવું નથી કે તેણે પોતાની ફિલ્મમાં બોલ્ડ દૃશ્યો ભજવ્યાં નથી, પણ જે બેહૂદી રીતે જહાન્વીનો ફિલ્મમાં ઉપયોગ કરાયો છે તેની સામે તેનો વિરોધ છે.


આજના આ લેખમાં આપણે કંગનાની ફિલ્મ કારકિર્દી વિશે ઓછી વાત કરીશું, પણ તેનાં વિવાદો પર એક નજર નાંખીએ... તે બોલિવૂડમાં પ્રવેશી ત્યારથી જ એક પછી એક વિવાદ ઊભા કર્યા કરે છે.


2006-2007 દરમિયાન કંગનાની શરૂઆત હતી  ત્યારે આદિત્ય પંચોલી અને ઝરીના વહાબે તેને આશરો આપ્યો હતો. હિમાચલ પ્રદેશ છોડીને આવેલી કંગનાનું એ સમયે બહુ સારુંં લાગ્યું હતું, પણ પછી આદિત્ય પંચોલી સાથેના ‘અફેયર’ની ચર્ચા થવા લાગી હતી. 2007માં તો તેણે આદિત્ય પંચોલી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તે મારઝૂડ કરે છે. દારૂના નશામાં આદિત્ય મારઝૂડ કરતો હોવાની ફરિયાદ કરી તેણે વિવાદ જગાવ્યો હતો.


ત્યારપછી 2008માં ‘રાઝ: ધ મિસ્ટ્રી કન્ટિન્યુઝ’ વખતે શેખર સુમનના પુત્ર અધ્યયન સુમન સાથેનું તેનું પ્રેમપ્રકરણ ચગ્યું હતું. ત્યારબાદ ઇંગ્લેન્ડનાં એક ડોક્ટર સાથે તેનું પ્રેમપ્રકરણ ગાજયું હતું. 2016માં ‘ક્રીશ-થ્રી’ના શૂટિંગ દરમિયાન હૃતિક રોશન સાથેની  એની હોટ હોટ અફેરે બધાનું  ધ્યાન ખેંચ્યું  નજરે હતું. જોકે, આ પ્રેમપ્રકરણ પછી દાવા અને પ્રતિદાવાને પગલે આ પ્રેમપ્રકરણ ખરડાયું હતું.


2017માં કંગનાએ જાણીતા ફિલ્મસર્જક કરણ જોહરને એના જ  એક ચેટ શો દરમિયાન ‘નેપોટીઝમ’ માટે ખૂબ જ જવાબદાર ઠેરવ્યો હતો. તેમાં પણ સુશાંતસિંહ રાજપૂતના અણધાર્યા અવસાન પછી તેણે કરણ જોહરને આડે હાથ લઈને સુશાંતસિંહ જેવાં કલાકારની કારકિર્દી બરબાદ કરવા માટે કેટલાક વગદાર નિર્માતા- દિગ્દર્શકો જવાબદાર છે એમ કહીને વિવાદ છેડ્યો હતો.


2020માં કંગનાએ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે વિવાદ છેડ્યો હતો. સુશાંતસિંહ રાજપૂતના અવસાનના કેસમાં ભીનું સંકેલાયુ હોવાનો તેણે આક્ષેપ કર્યો હતો અને મુંબઈની તુલના પીઓકે (પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર) સાથે કરી હતી. આ વિવાદને પગલે મુંબઈ મહાનગર પાલિકાએ તેનાં વાંદરા સ્થિત બંગલોનું કેટલુંક બાંધકામ તોડી પાડ્યું ત્યારે કંગનાએ ખુલ્લેઆમ ઉદ્ધવ ઠાકરેને ચેતવણી આપી હતી કે ‘આજે મારું ઘર તોડવામાં આવ્યું છે, પણ એક દિવસ તારો ઘમંડ ચકનાચૂર થશે.’ ત્યાર પછી મુંબઈ હાઇ કાર્ટે બીએમસીએ કરેલા તોડકામને ગેરકાયદે ગણાવ્યું હતું અને કંગનાને વળતર ચુકવવાનો આદેશ આપ્યો હતો. 


એ પછી વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં ઉદ્ધવના પક્ષનો રકાસ થયો ત્યારે કંગનાએ આ રકાસ અને ભાજપની જીતને ઉજવી હતી. વિવાદોની વચ્ચે કંગનાએ અભિનયમાં પણ નામના મેળવી છે અને ચાર વાર નૅશનલ અવૉડર્સ મેળવ્યાં છે. તેમાં 2008માં ‘ફેશન’ ફિલ્મમાં સહાયક અભિનેત્રીનો અને ત્રણ વાર શ્રેષ્ઠ અભિનેત્રીના અવૉડર્સનો સમાવેશ થાય છે. 


2014માં ‘ક્વિન’, 2015માં ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ અને 2019માં ‘મણિકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસી’ તેમજ ‘પંગા’નો સમાવેશ થાય છે. 2020માં કંગનાએ પોતાની નિર્માણ સંસ્થા ‘મણિકર્ણિકા ફિલ્મ્સ’ની શરૂઆત કરી છે.  ફિલ્મની નિર્માત્રી અને દિગ્દર્શિકા તરીકે આ બેનર હેઠળ તેણે જયલલિતાના જીવન પર ફિલ્મ બનાવી હતી ‘થલાઇવા’. ત્યારબાદ ‘મણિકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસી’.... 2025માં તેણે ઈન્દિરા ગાંધીના જીવન પર ‘ઇમર્જન્સી’ નામની ફિલ્મ બનાવી, જેનું દિગ્દર્શન તેણે કર્યું હતું અને તેમાં તેણે ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી.  


તેની આગામી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ છે, જેનું નિર્માણ તેણે ડૉ. જયંતિલાલ ગડા અને  ‘પેન સ્ટુડિયો’  સાથે મળીને કર્યું છે. આ ફિલ્મના દિગ્દર્શક મનોજ તાપડિયા છે. આ ફિલ્મમાં 26/11ના મુંબઈ પર થયેલાં ત્રાસવાદી હુમલાની વાત વણી લેવામાં આવી છે. આ ત્રાસવાદી હુમલા વખતે કામા હોસ્પિટલની નર્સો, વોર્ડબોય અને કર્મચારીઓએ કઈ રીતે સેવા બજાવી હતી તે દર્શાવાયું છે. આ ફિલ્મની રજૂઆત પહેલાં જ દિલ્હીના મુખ્ય પ્રધાને તો તેને દિલ્હીમાં ‘ટેક્સ ફ્રી’ જાહેર કરી દીધી છે તો બીજી તરફ મુંબઈની  ‘કામા’ હૉસ્પિટલની કેટલીક નર્સોએ એમને ફિલ્મમાં ખોટી રીતે દર્શાવા માટે  જાહેર વિરોધ કર્યો છે !                                 


OTTનું હોટસ્પોટઃ 13 જૂનથી 19 જૂન દરમિયાન શું જોશો?


ઓટીટી ચૅનલ ‘નેટફ્લિક્સ’ પર આજે એટલે કે 12 જૂને અક્ષયકુમાર, વામિકા ગબ્બી, પરેશ રાવલ, તબ્બુ, અસરાની, રાજપાલ યાદવ અભિનિત સુપરડુપર હિટ ફિલ્મ ‘ભૂત બંગલા’ જોવા મળશે. આ જ ચૅનલ પર 14 જૂને ‘આઇ વિલ ફાઇન્ડ યુ’ નામની અંગ્રેજી સિરીઝનું પ્રસારણ શરૂ થવાનું છે.

* એમેઝોન પ્રાઇમ: 
અહીં આ ચેનલ પર આજે દિલ્હીને હચમચાવનારા રંગા-બિલ્લા કેસ પર આધારિત ફિલ્મ ‘રાખ’ જોવા મળશે, જેમાં મુખ્ય કલકારો અલી ફઝલ અને સોનાલી બેન્દ્રે છે. આ ક્રાઈમ થ્રિલર પહેલી જ વાર રજૂ થઈ રહી છે. અહીં 17 જૂને ‘યોર ફોલ્ટ લંડન’ નામની સિરીઝનું પ્રસારણ શરૂ થશે અને 19 જૂને ‘ધ સ્પોન્જબોબ મૂવી: સર્ચ ફોર સ્ક્વેર પેન્ટ્સ’ રજૂ થશે.

* જિયો હોટસ્ટાર: 
અહીં આજે ક્રાઈમ થ્રિલર ‘ફ્રીડમ’નું પ્રસારણ થશે અને 19 જૂને ‘ઠુકરા કે મેરા પ્યાર’ની બીજી સીઝન શરૂ થશે. આ પોલિટિકલ થ્રિલરમાં મુખ્ય ભૂમિકા સંચિતા બાસુ અને ધવલ ઠાકુરની છે.