Mon Oct 05 2026

Logo

ગુજરાત કોંગ્રેસમાં મોટો ભડકો: વરિષ્ઠ નેતા ઉમાકાંત માંકડ પક્ષમાંથી સસ્પેન્ડ!

2026-05-16 22:21:27
Author: Devayat Khatana
ગુજરાત કોંગ્રેસમાં મોટો ભડકો: વરિષ્ઠ નેતા ઉમાકાંત માંકડ પક્ષમાંથી સસ્પેન્ડ!

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક જૂથબંધી અને વિવાદ સપાટી પર આવ્યો છે. પક્ષના વરિષ્ઠ નેતા અને ઐતિહાસિક નવનિર્માણ આંદોલનના પ્રણેતા ઉમાકાંત માંકડને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી જોરદાર ચર્ચા મુજબ, ઉમાકાન્ત માંકડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પક્ષની છબી અને પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડે તેવી કેટલીક પોસ્ટ વાયરલ કરી હતી. શિસ્તભંગની આ ગંભીર પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને પ્રદેશ નેતૃત્વ દ્વારા તેમની સામે આ આકરું પગલું ભરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બીજી તરફ, પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા બાદ વરિષ્ઠ નેતા ઉમાકાંત માંકડે સોશિયલ મીડિયા પર પોતાની તીખી પ્રતિક્રિયા આપતાં એક ભાવુક અને કટાક્ષભરી પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું કે, "આજે એક સત્ય આપની સમક્ષ... આજે હું પક્ષના સભ્યપદેથી બીજી વખત સસ્પેન્ડ થયો." તેમણે પોતાના બંને સસ્પેન્શનના સમયનો ઉલ્લેખ કરતા પક્ષની કાર્યશૈલી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે ઉમેર્યું કે, તેઓ પહેલી વખત જ્યારે સસ્પેન્ડ થયા ત્યારે તેમના પરમ મિત્ર અહમદભાઈ પટેલની પ્રથમ માસિક પુણ્યતિથિ અને તેમની સ્વર્ગસ્થ માતાનો જન્મદિવસ હતો, જ્યારે બીજી વખત તેમને આજે તેમના પોતાના જન્મદિવસની આગલી સાંજે જ પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી દેવાયો છે. વરિષ્ઠ નેતાની આ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આ સાથે જ ઉમાકાંત માંકડે સોશિયલ મીડિયા પોસ્ટમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવા અંગેની જાણ કરતો પત્ર પણ પોસ્ટ કર્યો છે. તેમણે કોંગ્રેસના 51 વર્ષનો ઇતિહાસ પૂર્ણ તેવા ટેક્સ્ટ સાથે એક ફોટો શેર કર્યો હતો. જો કે ઉમાકાંત માંકડ વિરુદ્ધ પાર્ટીએ આકરા પગલાં ભર્યા હોય તે કોઈ નવી વાત નથી. આજથી પાંચેક વર્ષ પૂર્વ પણ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સસ્પેન્ડ કર્યા હતા. તે સમયે એવું કારણ આગળ ધરવામાં આવ્યું હતું કે વિચાર વિભાગના પ્રમુખ તરીકેની જવાબદારી દરમિયાન પક્ષ વિરોધી લખાણ સોશિયલ મીડિયામાં લખતા હોવાને કારણે કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા હતા.