ઊડતી વાત - ભરત વૈષ્ણવ
‘સાહેબ, મારે એક અરજી આપવી છે.’ ચંદુ ચૌદસે પેન્શન કચેરીમાં પહોંચ્યો.
‘શેની અરજી આપવાની છે?’ કાગળોમાંથી મોં ઊંચું કર્યા વિના કચેરીના એકાઉન્ટન્ટ ગણપતે પૂછયું.
‘પેન્શનની અરજી આપવી છે.’
‘પેન્શન મંજૂર કરાવવાનું છે?’ ગણપતે ચૂંચી આંખ કરી સવાલ કર્યો.
‘નો એટલે ના.’ ચંદુએ હોઠ ભીડ્યા.
‘તો તો સારું. કોઇ ઉપરથી નીચે પછડાય તો પણ અમે વીસ વરસ પહેલાં કોઇનું પેન્શન મંજૂર કરતા નથી. નિયમ એ નિયમ. નિયમમાં અમે બાંધછોડ કરતા નથી.‘
‘મારે તો પેન્શન બંધ કરાવવું છે.’ ચંદુએ ધડાકો કર્યો. પેન્શન ઓફિસમાં સૌ કોઇ પેન્શન મંજૂર કરાવવા ધક્કા ખાતા હોય. રાજુ પહેલો વહેલો માણસ હતો એ જીવતેજીવ પેન્શન બંધ કરાવવા પેન્શન કચેરીએ આવ્યો હતો. બાકી પેન્શનર મરણ પામે એટલે મરણ પ્રમાણપત્રના આધારે પેન્શનનો ધી એન્ડ થાય. સ્વૈચ્છિક પેન્શન બંધ કરાવવાની કદાચ પહેલી રજૂઆત હતી.
‘તમારે કોનું પેન્શન બંધ કરાવવું છે?’ ગણપતને ચંદુ ચક્રમમાં રસ પડ્યો.
‘મારે ફેમિલી પેન્શન!’ ચંદુ ઉવાચ.
‘કેમ, તમે મરી ગયા છો?’ ગણપતે ગભરાઈને પૂછયું.
‘ના હું મર્યો નથી, પરંતુ, મારે મારી વિધવા પત્નીને મળતું પેન્શન બંધ કરાવવું છે.’ ચંદુએ દરખાસ્ત કરી.
‘અરે,ભાઇ, તમે શું બકો છો? તમે જીવતા હોવ તો તમારી પત્ની કેવી રીતે વિધવા કહેવાય? તમારી પત્ની વિધવા ન હોય તો તેને વિધવા પેન્શન કેવી રીતે મળે?’ ગણપતે માથું કૂટ્યું.
‘મારી પત્ની વિધવા નથી, અખંડ સૌભાગ્યવતી છે તે મારે સાબિત કરવું છે. મતલબ કે મારે મને જીવતો સાબિત કરવો છે.’
‘હેંએએં હેંએએં તમે શું કહેવા માગો છો? કાન નીચે કોઇએ બોમ્બ ફોડ્યો હોય તેમ ગણપત હચમચી ગયો.
‘હા સાહેબ, મેં જિન્દા હૂં. મારે આ વાત સાબિત કરવી છે.’ ચંદુએ નિર્ધાર વ્યક્ત કર્યો.’ હું જીવતો છું. હું ભૂત નથી.’
‘તો અત્યારે શું છે?’ ગણપત ક્ધફયુઝડ થઈ ગયો
‘સાહેબ, સરકારી ચોપડે હું મૃત છું. હું ભૂત છું... - હકીકતમાં જીવિત છું. તમે મને ભૂત માની શકો છો.’ ચંદુએ ચોંકાવનારી સ્પષ્ટતા કરી. સરકારી ચોપડે મૃત જાહેર થયેલ હોય તેવી વ્યક્તિઓને સરકારી ચોપડે પાછા જીવતા થવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું છે. ધમીરા બેગ નામના 80 વરસના માણસને મધ્ય પ્રદેશના એક ગામની પંચાયતે મૃત જાહેર કરેલ. આ વૃદ્ધે મરતા પહેલાં પોતાને જીવતો જાહેર કરવા કલેક્ટર સમક્ષ ધા નાંખવી પડી છે. બનારસમાં પણ યાદદાસ્ત ગુમાવી ચૂકેલ રમાશંકર નામના કર્મચારીને મરણ પામેલો માની પરિવાર પેન્શન ચાલું કરેલું છે. રમાશંકરે બાર વરસે બાવાની માફક બોલવું પડ્યું કે હું જીવતો છું અને નિવૃત્ત થવાને પાંચ વરસની વાર છે. મારો પગાર ચાલુ કરો! .
‘અમારે ચોપડા મુજબ...’ ગણપત બાકીનું વાક્ય ગળી ગયો.
‘મારા મૃત શરીરનો અગ્નિસંસ્કાર કરી નાંખવામાં આવેલ છે, બરાબર?’ ચંદુએ ગણપતને ભીડવ્યો.
‘હઅમ્’ ગણપત અસ્ફટ અવાજે બબડ્યો. ‘તમારા ચોપડે મારી ઉત્તરક્રિયા થઇ ગઇ છે, બરાબર?’
‘યુ આર રાઇટ.’ ગણપતનો પ્રતિભાવ.
‘મારા અસ્થિનું વિસર્જન થયેલ છે, બરાબર?’ ચંદુનો ત્રીજો સવાલ.
‘યેસ યેસ’ ગણપત ઉવાચ.
‘તમારા ચોપડા મુજબ મને મૃત માની મારી વિધવા પત્નીને પેન્શન ચૂકવવા તમારી ઓફિસે હુકમ કર્યો છે, બરાબર?’ ચંદુએ આખરી સવાલ કર્યો.
‘એ સાચું, પરંતુ, તમારો કેસ ગૂંચવાડાવાળો છે.’
‘મારું એ જ કહેવું છે...’ ચંદુએ કહ્યું.
‘જો તમે ખરેખર જીવતા હોવ તો તમારા બદલે કોનો અગ્નિસંસ્કાર કરાયો? કોનું પિંડદાન કરાયું? કોને શ્રાદ્ધમાં ભેરવ્યા?’ ગણપતના મગજમાં ગેસ સ્ટવ બંધ હોવા છતાં સવાલોની ધાણી ફૂટવા લાગી.
‘હું જીવતો છું એનો પુરાવો આપું?’ ચંદુએ ચોપાટ બિછાવી.
‘આપો.’
‘આ મારું લેટેસ્ટ આધારકાર્ડ.’ ચંદુએ નવુંનક્કોર આધારકાર્ડ ગણપતના હાથમાં થમાવ્યું.
‘આધારકાર્ડ મુજબ તમે ભૂત નથી, પરંતુ, જીવિત છો.’ ગણપતે બે કાન પકડ્યા.
‘આ મારું પાનકાર્ડ.’ ચંદુએ લેટેસ્ટ પાનકાર્ડ આપ્યું.
‘કરેકટ’ ગણપતે ટૂંકો પ્રતિભાવ આપ્યો.
‘આમરણ પ્રમાણપત્ર રદ કરતો નગરપાલિકાનો હુકમ.’ ચંદુએ જિવિત હોવાનો પુરાવો રજૂ કર્યો.
‘મતલબ તમે જીવિત છો?’ ગણપતે શંકા વ્યક્ત કરી .
‘તમને હજી મારા જીવિત હોવાની શંકા છે? તમે એક કામ કરો. તમે મને સ્પર્શ કરો કે ચિંટીયો ભરીને ખાતરી કરો.’ ચંદુએ શંકા નિવારવાનો કિમીયો બતાવ્યો.
ચંદુ જીવિત કે મૃત છે તેનું સસ્પેન્સ કેવી રીતે ઊભું થયું?
વાત એમ હતી કે ચંદુ અને તેની પત્ની કાજલ ઘરકંકાસના કારણે છૂટાં પડી જઈને અલગ અલગ શહેરમાં રહેતા હતા. કાજલ પાસે આવકનું કોઇ સાધન ન હતું. એટલે તેના મગજમાં કાયમી આવક મેળવવા માટે પ્રપંચ કરવાનો પ્રચંડ આઇડિયા આવ્યો. કાજલ જે શહેરમાં રહેતી હતી ત્યાં તેના પતિ એટલે કે ચંદુને કોઇએ જોયો ન હતો. કાજલે પિયરિયાંની મદદથી ચંદુનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું હોવાના બોગસ ડોકયુમેન્ટ રજૂ કરી વિધવા પેન્શન મંજૂર કરાવી લીધું. કાજલે દસ વરસ લગી વિધવા પેન્શન લીધું. ચંદુ પાસે ભરણપોષણ મેળવવા એણે કોર્ટમાં પહેલાં અરજી કરેલ. જેમાં બે વરસ પહેલા કોર્ટે દર મહિને રૂપિયા પાંચ હજારનું કાજલને ભરણપોષણ ચૂકવવા ચંદુને ઓર્ડર કર્યો.ચંદુ એ ભરણપોષણની રકમ ચૂકવવા તેની ઓફિસ ગયો. ત્યાં તેને ખબર પડી કે તે તો દસ વરસ પહેલાં રામ નામ સત્ય થઇ ગયેલ અને તેની પત્નીને તો વિધવા પેન્શન મળે છે!
એ પછી અવાક્ થઈ ગયેલા ચંદુએ છ મહિના કોર્ટ કચેરીના ધક્કા ખાધા પછી સરકારી જીવિત થયો. અંતે અખંડ સૌભાગ્યવતી સધવા કાજલનું વિધવા પેન્શન બંધ થયું અને લટકામાં રિકવરી ભરવાની નોબત આવી...