Sat Sep 05 2026

Logo

એક જ ફ્લાઈટમાં ઉદ્ધવ-ફડણવીસ: ઠાકરેએ કહ્યા 'લાચાર' તો ફડણવીસે આપ્યો જવાબ

2026-06-28 21:38:07
Author: Mumbai Samachar Team
એક જ ફ્લાઈટમાં ઉદ્ધવ-ફડણવીસ: ઠાકરેએ કહ્યા 'લાચાર' તો ફડણવીસે આપ્યો જવાબ

મુંબઈઃ ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)ના સાંસદોએ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા પછી મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે. યુબીટી ખુલ્લેઆમ ભાજપ અને એકનાથ શિંદે આમનેસામને આવી ગયા છે, ત્યારે ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે એક જ ફ્લાઈટમાં સાથે હોવાના વીડિયો વાયરલ થયા પછી બંનેએ એકબીજા પર કટાક્ષો કર્યાં હતા.

બળવાખોર સાંસદોના સંસદીય ક્ષેત્રોની યાત્રાએ નીકળેલા ઉદ્ધવ ઠાકરે આજે પરભણીની મુલાકાતે હતા. તેમણે બળવાખોર સાંસદ સંજય જાધવના મતવિસ્તારમાં શિવસૈનિકો સાથે વાતચીત કરી હતી અને મુલાકાત દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ સંજય જાધવ અને ભાજપ બંને પર આકરા પ્રહારો કર્યા હતા. 

"ફ્લાઈટમાં એક સાથે પ્રવાસ કરતી વખતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ લાચાર દેખાતા હતા. મેં પહેલાં ક્યારેય કોઈ મુખ્ય પ્રધાનને આટલા લાચાર જોયા નહોતા; તેમને ખ્યાલ આવ્યો કે તેમના પોતાના 'બોસ' તેમની પાંખો કાપી રહ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસે આનો જવાબ આપતા કહ્યું હતું કે સૌથી પહેલી વાત તો એ, કે મારી પાસે કોઈ પાંખો નથી, તો કોણ કાપશે?" તેમણે ઉમેર્યું હતું કે તેમને મહારાષ્ટ્રના 14 કરોડ લોકો તેમ જ તેમના વરિષ્ઠ નેતાઓના આશીર્વાદ છે. 

ઉદ્ધવ ઠાકરે સાથેની વિમાન યાત્રા અંગેના પ્રશ્નનો જવાબ આપતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેમના માટે રાજકીય મુદ્દાઓ ગૌણ છે. તેમણે ટિપ્પણી કરી કે રાજકીય મુદ્દાઓથી કોઈને ફાયદો થતો નથી, જ્યારે વિકાસ દ્વારા તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે માત્ર એક કમર્શિયલ ફ્લાઇટમાં યોગાનુયોગ સાથે બેસવાને કારણે આટલી બધી શું ચર્ચા કરવાની? એવું લાગે છે કે આપણે કોઈ પાગલખાનામાં બેઠા છીએ.

ઉદ્ધવ ઠાકરે એક બાજુ બેઠા હતા અને હું બીજી બાજુ; જો અમે એકબીજાની બાજુમાં બેઠા હોત, તો અમે ગપ્પાં માર્યા હોત બીજું શું? દેવેન્દ્ર ફડણવીસે રમૂજના સ્પર્શ સાથે ટિપ્પણી કરી. તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો કે ઉડતી વખતે તેમના મોબાઇલ ફોન પર ડાઉનલોડ કરેલી વેબ સિરીઝ જોવાની તેમની આદત છે.