Sun Sep 06 2026

Logo

ખેતીવાડીના આડે નશાનો કારોબાર: ભાવનગરમાં બે ભાઈઓ ૧૦.૯૨ કરોડના અફીણ-ગાંજાની ખેતી કરતા ઝડપાયા

2026-02-24 17:34:24
Author: Mayur Patel
ખેતીવાડીના આડે નશાનો કારોબાર: ભાવનગરમાં બે ભાઈઓ ૧૦.૯૨ કરોડના અફીણ-ગાંજાની ખેતી કરતા ઝડપાયા

ભાવનગરઃ ગુજરાતમાં માદક દ્રવ્યો ઝડપાવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ભાવનગર પોલીસે નશીલા પદાર્થોની ખેતીનો પર્દાફાશ કરીને બે સગાભાઈઓને ઝડપી પાડ્યા હતા. શિહોર પોલીસે સખવદર ગામના ખેતરમાંથી 10.92 કરોડ રૂપિયાના મૂલ્યના નશીલા છોડ જપ્ત કર્યા હતા. મરબીવાળુ ઢોળાવ તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં પ્રતિબંધિત અફીણ અને ગાંજાની ખેતી થતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બંને જણની ધરપકડ કરી હતી.

​ઘટનાની વિગત મુજબ ભાવનગર રેન્જ આઈ. જી. ગૌતમ પરમાર તથા ભાવનગર જિલ્લા પોલીસ અધીક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી શિહોર ડિવિઝનના નાયબ પોલીસ અધીક્ષક જે.એચ. દહિયાના માર્ગદર્શન હેઠળ શિહોર પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.ડી. જાડેજા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ધર્મપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, સખવદર ગામની સીમમાં શંભુભાઈ અને ભોળાભાઈ નામના વ્યક્તિઓ પોતાની વાડીમાં ગેરકાયદેસર રીતે અફીણ અને ગાંજાનું વાવેતર કરી રહ્યા છે.

​બાતમીવાળા સ્થળે પોલીસે દરોડો પાડતા ખેતરમાંથી મોટી માત્રામાં નશીલા પદાર્થો મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ૧૦૮૭.૫૨ કિલો ગ્રામ અફીણના લીલા છોડ (કિંમત રૂ. ૧૦,૮૭,૬૮,૦૦૦), ૨૬.૦૬૦ કિલો ગ્રામ સુકેલ અફીણ ડોડા (કિંમત રૂ. ૩,૬૦,૯૦૦) અને ૧૯.૧૪૦ કિલો ગ્રામ લીલો ગાંજો (કિંમત રૂ. ૧,૯૧,૪૦૦) મળી કુલ રૂ. ૧૦,૯૨,૮૫,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત મોબાઈલ ફોન અને જમીનના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

​પોલીસે આ મામલે સખવદર ગામના રહેવાસી શંભુભાઈ ઉર્ફે મનુભાઈ ઉર્ફે રંભાભાઈ રૂપાભાઈ ચૌહાણ (ઉં.વ. ૫૫) અને  ભોળાભાઈ રૂપાભાઈ ચૌહાણ (ઉં.વ. ૫૩) સામે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આટલી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થોનું વાવેતર અને તેનું વેચાણ ક્યાં થવાનું હતું તે દિશામાં પોલીસે વધુ તપાસ તેજ કરી છે. શિહોર પોલીસની આ કામગીરીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે, તેઓ તેમના ખેતરમાં અફીણ અને ગાંજાની ખેતી કરતા હતા. કોર્ટે બંને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ ગેરકાયદે ખેતી કેટલા સમયથી ચાલતી હતી અને કોને જથ્થો મોકલવામાં આવતો હતો તેની તપાસ શરૂ કરી હતી.