Sat Mar 14 2026

Logo

દ્વીચક્રી વાહનોનો ઉદ્યોગ આઠથી નવ ટકા વૃદ્ધિદર દાખવે તેવી શક્યતા...

2 weeks ago
Author: Ramesh Gohil
Article Image

K N Radhakrishnan - TVS Motor Company


નવી દિલ્હીઃ તાજેતરમાં સરકાર દ્વારા જીએસટીના દરમાં કરવામાં આવેલા તાર્કિકરણ અને સરકારી માળખાકીય ક્ષેત્રના ખર્ચ અને એકંદરે અર્થતંત્રમાં વૃદ્ધિ રહેતાં દ્વીચક્રી વાહનોનો ઉદ્યોગ વાર્ષિક સરેરાશ આઠથી નવ ટકાના દરે વૃદ્ધિ પામતો રહે તેવી શક્યતા ટીવીએસ મોટર કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર કે એન રાધાકૃષ્ણને વ્યક્ત કરી હતી. 

આગામી નાણાકીય વર્ષના પહેલા છમાસિકગાળામાં પણ જીએસટીના દરમાં થયેલા ઘટાડાનો લાભને ટેકે વેચાણ વૃદ્ધિ સારી રહે તેવી શક્યતા તેમણે વિશ્લેષકો સમક્ષ વ્યક્ત કરી હતી. વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકગાળામાં આકર્ષક વૃદ્ધિદર જોવા મળ્યા બાદ આગામી નાણાકીય વર્ષ દરમિયાન કેવી વૃદ્ધિ જોવા મળશે, એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે એકંદરે મારું મક્કમપણે માનવું છે કે લાંબા સમયગાળા સુધી સીએજીઆર (કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ)ધોરણે ઉદ્યોગમાં આઠથી નવ ટકાનો વૃદ્ધિદર જળવાયેલો રહેશે. વધુમાં તેમણે જણાવ્યું ગતું કે ગત સપ્ટેમ્બર મહિનામાં જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ ચોથા ત્રિમાસિકગાળામાં પણ તેની સકારાત્મક અસર જોવા મળી રહી છે. 

આગામી નાણાકીય વર્ષના પહેલા છમાસિકગાળામાં પણ જીએસટીના લાભને કારણે સારી વૃદ્ધિ રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. જોકે, વૃદ્ધિ અંગે તેમણે પાક્કો અંદાજ નહોતો આપ્યો પરંતુ, નાણાકીય વર્ષ 2027માં તમે આકર્ષક વૃદ્ધિ જોશો, એમ તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે વેચાણવૃદ્ધિના નોંધપાત્ર કારણો દર્શાવતા તેમણે કહ્યું હતું કે દેશમાં શહેર, નગર અને ગ્રામીણ વિસ્તારોમાં રોડની કનેક્ટિવિટી સારી થઈ રહી છે, જ્યારે જાહેર પરિવહન યંત્રણા પડકારરૂપ બની રહી હોવાથી તેનો લાભ વ્યક્તિગત ખાનગી વાહનો સારા પર્યાય બનતા હોય છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે દેશમાં સ્વ રોજગારનું પ્રમાણ અંદાજે 50 ટકા જેટલું હોવાથી અને તેવા ગ્રાહકો માટે દ્વીચક્રી વાહનો વધુ પોસાણક્ષમ રહેતાં વેચાણ વૃદ્ધિને ટેકો મળશે.

વર્તમાન નાણાકીય વર્ષમાં જીએસટીના દરમાં કરવામાં આવેલા ઘટાડાનો લાભ માત્ર દ્વીચક્રી વાહનોના ગ્રાહકોને જ નહીં, પરંતુ સમગ્ર સેગ્મેન્ટને તેનો લાભ મળ્યો છે. તેમ જ વર્તમાન નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિકગાળામાં વેચાણ વૃદ્ધિદર 15 ટકાથી વધુ માત્રામાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.  જોકે, નાણાકીય વર્ષ 2026ના પહેલા છમાસિકગાળામાં માત્ર બે ટકા જેટલો જ વૃદ્ધિદર રહ્યો હોવાથી એકંદરે સંપૂર્ણ વર્ષનો વેચાણ વૃદ્ધિદર નવ ટકા આસપાસ રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.