Thu May 28 2026

Logo

ટ્વિશા શર્માના મૃત્યુ કેસમાં વળાંક, સરકારે કહ્યું ટ્વિશા શર્મા સાથે થઇ હતી મારપીટ

2026-05-27 20:16:44
Author: Chandrakant Kanoja
Article Image

ભોપાલ: એક્ટ્રેસ ટ્વિશા શર્માના મૃત્યુ કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં મધ્ય પ્રદેશ સરકારે હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે ટ્વિશા શર્માના મૃત્યુ પૂર્વે તેની સાથે સંભવિત રીતે મારપીટ કરવામાં આવી છે. તેમજ આ અંગે તેના શરીર પર મારપીટના નિશાન પણ જોવા મળ્યા છે. 

સાસુ અને પુત્ર ટ્વિશાને દહેજ માટે હેરાન કરતા હતા 

આ અંગે મધ્યપ્રદેશ સરકારે બુધવારે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે અભિનેત્રી અને મોડેલ ટ્વિશા શર્માના શરીર પર મળી આવેલા ઈજાના નિશાન મૃત્યુ પહેલાના છે અને મારપીટ દરમિયાન હોઇ શકે છે. સરકારે વધુમાં આરોપ લગાવ્યો હતો કે ભૂતપૂર્વ ન્યાયાધીશ ગિરીબાલા સિંહ અને તેમના પુત્ર સમર્થ સિંહ દહેજ માટે ટ્વિશાને હેરાન કરતાં હતા. જોકે,  સુનાવણી બાદ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

કાંડા, કોણી અને માથા પર ઇજાના નિશાન 

ગિરિબાલા સિંહના આગોતરા જામીન રદ કરવાની માંગ કરતી અરજીઓની સુનાવણી દરમિયાન, રાજ્ય સરકારે કોર્ટને જાણ કરી કે ટ્વિશાને દહેજ અંગે હેરાન કરવામાં આવતી હતી. તેમજ કહેવામાં આવતું  તેના પરિવારે લગ્નમાં પૂરતો ખર્ચ કર્યો નથી.  આ કાર્યવાહી દરમિયાન, સરકારે ટ્વિશાના કાંડા, કોણી અને માથા પર મળી આવેલા ઈજાના નિશાન તરફ પણ ધ્યાન દોર્યું. જ્યારે કોર્ટે પૂછ્યું કે શું આ ઈજાઓ તેના મૃત્યુ પહેલાની હતી ત્યારે રાજ્ય સરકારે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં નોંધાયેલી  છે.

આ ઉપરાંત સરકારે વધુમાં જણાવ્યું હતું કે આ ઇજાઓ પોસ્ટમોર્ટમ દરમિયાન અથવા મૃતદેહને નીચે ઉતારતી વખતે નથી થઇ.  પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ શક્યતાને નકારી કાઢવામાં આવી છે. રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે, રિપોર્ટ અનુસાર  આ ઇજાઓ  મૃત્યુ પહેલાં મારામારી દરમિયાન થઈ હોઈ શકે છે. મધ્યપ્રદેશ સરકારે કોર્ટને એ પણ જાણ કરી હતી કે તપાસ દરમિયાન મળેલી ચેટ્સ દર્શાવે છે કે ટ્વિશાની ગર્ભાવસ્થા પછી પરિવારમાં વિવાદો વધી ગયા હતા. તેમજ તેના વિરુદ્ધ વારંવાર અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવતી હતી.