નવી દિલ્હીઃ ભારત અને અમેરિકાના સંબંધોના વિષય પર જ્યારે પણ વાત કરવામાં આવે છે ત્યારે ટ્રમ્પ અનો મોદીની દોસ્તની વાત ચર્ચાય છે. બન્ને દેશ વચ્ચેના દ્વીપક્ષીય સંબંધોમાં એનર્જીથી માંડીને આઈટી સેક્ટર સુધી અને ડેવલપમેન્ટથી માંડીને ડિપ્લોમસી સુધીના મુદ્દા ચર્ચાતા રહ્યા છે. ભારતમાં રહેલા અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે ટ્રમ્પ અને મોદીના સંબંધો અંગે મહત્ત્વની વાત કરી છે.
ગોરે કહ્યું હતું કે, એવું કહેવું યોગ્ય નથી કે, ભારત અને અમેરિકાના સંબંધોમાં ખટાશ આવી છે. ભારતમાં જ્યારે સવારે 6 વાગી રહ્યા હતા એ સમયે ટ્રમ્પે મને કહ્યું હતું કે, મોદી સાથે વાતચીત કરવાની છે. ઈન્ડો પેસિફિક કમાન્ડનું નામ બદલવાના મુદ્દે થયેલા વિવાદ પર ગોરે નકારો કરતા સ્પષ્ટતા કરી કે, લેટરહેડ પર લખાયેલા નામથી ખાસ કોઈ ફેર પડતો નથી.
કઈ વાતને ખોટી ગણાવી?

એ ખાસ જોવું જોઈએ કે, આખરે અમેરિકા હકીકતમાં શું કરી રહ્યું છે? અમેરિકા-ભારત વચ્ચેના સંબંધો નબળા થઈ રહ્યા છે કે, ખટાશ આવી ગઈ છે એ વાત બિલકુલ ખોટી છે. ભારત-અમેરિકા સ્ટ્રજિક પાર્ટનરશીપ ફોરમ સમિટને સંબોધતા ગોરે ઉમેર્યું હતું કે, ભારત આજે પણ અન્ય કોઈ દેશની સરખામણીમાં અમેરિકા સાથે સૌથી વધારે સૈન્ય અભ્યાસ કરે છે. રક્ષા અધિકારીઓ વચ્ચે નિયમિત દ્વિપક્ષીય મુલાકાત થતી રહે છે.
આ વાત એવા સમયે અમેરિકાના રાજદૂત પાસેથી સામે આવી છે જ્યારે અખાતી દેશમાં સતત યુદ્ધના માહોલના વિષય પર ટ્રમ્પની દુનિયાભરમાં ટિકા-ટીપ્પણીઓ થઈ રહી છે.વડાપ્રધાન મોદીનો ટ્રમ્પ સાથેનો વ્યવહાર એમના પ્રથમ કાર્યકાળથી જ સારો રહ્યો છે. ભારત સાથે જોડાયેલી કેટલીક મેમરીઝને તેઓ સમયાંતરે યાદ કરે છે. આ એક મોટા ફાયદાથી કમ નથી. અમેરિકા આજે પણ ભારતની પડખે રહીને કામ કરવા માટે તૈયાર છે.
બે દાયકાનો રોડમેપ કેવો?

આવનારા બે વર્ષ, દાયકાઓ સુધી યથાવત રહેનારા દ્વીપક્ષીય સંબંધને યોગ્ય આકાર આપવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આવનારા બે વર્ષમાં ભારત-અમેરિકાના શ્રેષ્ઠ સંબંધને કારણે વિકાસને એક નવી ઊંચાઈ મળશે અને અનેક એવા પ્રોજેક્ટને નવી દિશા મળશે. લાંબા સમયના પ્રોજેક્ટ તરીકે કેટલાક વિષયને હાલમાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ કોઈ એક કે વર્ષની વાત નથી.
આપણે આજે વાવીશું એ દાયકાઓ પછી ઊગી નીકળશે અને એ જ વાવેતર આગળ વધશે. અમેરિકા રાજદૂતે એક ઘટનાનો ઉલ્લેખ કરતા સ્પષ્ટતા કરી હતી કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે મિયામીથી મોદીને ફોન કરવાનો નિર્ણય કર્યો હતો. આવું એ સમયે થયું જ્યારે ટ્રમ્પ ત્યાં અલ્ટિમેટ ફાઈટિંગ ચેમ્પિયનશિપની મેચ જોવા માટે પહોંચ્યા હતા. આ થોડા મહિના પહેલાની જ વાત છે. એ સમયે અમે લોકો બેકસ્ટેજમાં હતા.
યે દોસ્તી...
એ સમયે ટ્રમ્પે મને કહ્યું હતું કે, ચાલો વડા પ્રધાન મોદીને કોલ કરીએ. એ સમયે મેં કહ્યું કે, સર ત્યાં ભારતમાં અત્યારે સવારના છ વાગ્યા હશે. એ સમયે ટ્રમ્પે કહ્યું હતું કે મોદી જાગતા જ હશે, મોદી મારા જેવા જ છે. જ્યાં સુધી દિલ્હીમાં કેટલાક લોકો સાથે વાતચીત કરવામાં આવે એ સમય સુધીમાં મેચના મંચ સુધી ટ્રમ્પ પહોંચી ગયા હતા. એ પછી મોદી સાથેની વાતચીત બીજા દિવસે નક્કી થઈ.
આ વાતની જાણ દિલ્હીને પણ કરવામાં આવી હતી. આ વાત પરથી ટ્રમ્પ અને મોદી વચ્ચેની દોસ્તી અને હકીકતે કેવા સંબંધ છે એની જાણ થાય છે. આ સ્ટોરીનો મુખ્ય સંદેશ એ છે કે, જ્યારે તમે કોઈના મિત્ર હોવ છો તો દરેક વસ્તુ પહેલાથી લાઈન અપ કરવાની જરૂર રહેતી નથી. ટ્રમ્પ આજે પણ વડા પ્રધાન મોદીને પોતાના ખાસ દોસ્ત માને છે. ભારત સાથે અમેરિકાના સંબંધો માત્ર વાતચીત પૂરતા નથી, વ્યાપાર, ટેક્નોલોજી, સુરક્ષા, રોકાણ, પ્રવાસન જેવા અનેક સેક્ટરમાં સહયોગ વધારવા માટેના છે. આ દરેક વિષય પર અમેરિકા સહમત છે.