Thu May 28 2026

Logo

UPનું બાંદા 47.4 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર, જાણો ગુજરાતના હાલચાલ

2026-05-27 08:52:40
Author: Mayur Patel
Article Image

અમદાવાદ-નવી દિલ્હીઃ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધી રહ્યું છે, બીજી તરફ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેનાથી દેશના 13 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ આપ્યું છે. ગઈકાલે ઉત્તર પ્રદેશનું બાંદા 47.4 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ગુજરાતના સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44.3 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

રાજયમાં બે દિવસ બાદ તાપમાનમાં એકથી બે ડિગ્રી ઘટાડો થશે. ગઈકાલે રાજ્યમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44.3 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. અમદાવાદમાં 43.2, ડીસામાં 41.2, ગાંધીનગરમાં 42.8, વડોદરામાં 40.4, કંડલામાં 39.6,કચ્છમાં 39.1, અમરેલીમાં 41.7,ભાવનગરમાં 42.2, રાજકોટમાં 42.7, સુરતમાં 35.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. આગામી 30,31 મે અને 1 જૂને રાજ્યમાં વરસાદ ખાબકી શકે છે. રાજ્યમાં ટ્રફ પસાર થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 30મી મેના રોજ બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદ થઈ શકે છે. જ્યારે 31મી મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત 1 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, ભાવનગરમાં વરસાદ થવાની સંભાવનાઓ છે.  

દેશના અન્ય રાજ્યોનું હવામાન

ઉત્તરપ્રદેશનું બાંદા 47.4 ડિગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર નોંધાયું છે.તો બીજી તરફ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 47 ડિગ્રી, જ્યારે મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 46.6 ડિગ્રી અને મધ્યપ્રદેશના ખજુરાહો સહિત ચંદ્રપુરમાં તાપમાન 46.4 ડિગ્રીએ પહોંચી ગયું છે.આ ઉપરાંત વર્ધા, બિકાનેર અને ફોલાદીમાં પણ પારો 46 ડિગ્રીને પાર થઈ ગયો છે.હવામાન વિભાગે દેશના અનેક શહેરોમાં ભારે ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.અને હજુ આગામી બે દિવસ સુધી આ જ પ્રકારે કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચોમાસાના પ્રભાવથી જે રાજ્યોમાં વરસાદની શક્યતા છે તેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, કેરલમ સામેલ છે. 

ઉત્તર પ્રદેશમાં 27-31 મે દરમિયાન અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 29 મેના રોજ ઘણા જિલ્લામાં 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે આંધી અને કરા પડવાની સંભાવના છે. બિહારમાં 27-29 મે દરમિયાન અનેક જિલ્લામાં ભારે વરસાદ, ગાજવીજ અને પવન ફૂંકાવાનું એલર્ટ છે. આ દરમિયાન 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

રાજસ્થાનમાં 28 મે સુધી ભીષણ લૂ નું એલર્ટ અપાયું છે. આ દરમિયાન 28 અને 29 મે ના રોજ આંધીનું એલર્ટ છે. હિમાચલ પ્રદેશના અનેક જિલ્લામાં 27 થી 29 મે દરમિયાન વાતાવરણમાં પલટો આવશે. ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.  ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ અને આંધીની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. આ દરમિયાન અનેક જગ્યાએ કરા પણ પડી શકે છે.