કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસની અંદર શરૂ થયેલો આંતરિક વિખવાદ અને બળવો હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. પાર્ટીની અંદર શરૂ થયેલી આ બગાવત હવે બંગાળ વિધાનસભાથી લઈને દિલ્હીમાં સંસદ ભવન સુધી પહોંચી ગઈ છે. ગુરુવારે તૃણમૂલ કોંગ્રેસને વધુ બે મોટા ઝટકા લાગ્યા છે, જેમાં રાજ્યસભાના સાંસદ પ્રકાશ ચિક બડાઈક અને જાણીતી અભિનેત્રી તેમજ સાંસદ કોયલ મલ્લિકે પોતાના પદો પરથી રાજીનામું આપી દીધું છે.
છેલ્લા ચાર દિવસની અંદર જ રાજ્યસભામાંથી રાજીનામું આપનારા તૃણમૂલના સાંસદોની સંખ્યા હવે 4 થઈ ગઈ છે. આ પહેલા વરિષ્ઠ નેતા સુખેન્દુ શેખર રાય અને સુષ્મિતા દેવ પણ ઉચ્ચ સદનનું સભ્યપદ છોડી ચૂક્યા છે. આ આખી ઘટનાના કારણે મમતા બેનર્જી માટે લોકસભા અને રાજ્યસભા બંને જગ્યાએ મોટું રાજકીય સંકટ ઊભું થયું છે.
રાજ્યસભામાં તૃણમૂલનું ગણિત બગડ્યું
ક્યારેક અભિષેક બેનર્જીના અત્યંત નજીકના ગણાતા પ્રકાશ ચિક બડાઈકે રાજીનામું આપ્યા બાદ જણાવ્યું કે, તાજેતરની ચૂંટણીમાં જનતાએ જે જનાદેશ આપ્યો છે, તેનું સન્માન કરીને તેઓ પદ છોડી રહ્યા છે. બીજી તરફ, અભિનેત્રી કોયલ મલ્લિકના રાજીનામાથી મમતા બેનર્જીને મોટો આંચકો લાગ્યો છે. એપ્રિલ મહિનામાં જ સાંસદ તરીકે શપથ લેનારી કોયલે હવે પાર્ટીથી અંતર બનાવી લીધું છે.
સતત થઈ રહેલા આ રાજીનામાના કારણે રાજ્યસભામાં તૃણમૂલની સંખ્યા 13થી ઘટીને માત્ર 9 પર આવી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં હજુ પણ કેટલાક સાંસદો રાજીનામું આપી શકે છે, જેના કારણે લોકસભામાં પણ પાર્ટીના ભાગલા પડવાની આશંકા સેવાઈ રહી છે. આ બધાની વચ્ચે અભિનેતા-સાંસદ શત્રુઘ્ન સિન્હાએ મમતા બેનર્જી પ્રત્યે વફાદારી જાહેર કરતા કહ્યું છે કે, તેઓ મુશ્કેલ સમયમાં પક્ષ છોડશે નહીં. એટલે કે મમતા બેનર્જીનો સમય ખરાબ ચાલી રહ્યો છે જેથી તેઓ પાર્ટી છોડશે નહીં, પાર્ટી સાથે રહેશે અને પાર્ટીને વધારે મજબૂત કરવા માટે પ્રયત્નો કરતા રહેશે.
સાંસદ સાયોની ઘોષ પર સસ્પેન્સ
સૌથી મહત્વની વાત એ છે કે, TMC ની અંદર ચાલી રહેલી આ ઉથલપાથલ વચ્ચે યુવા તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને સાંસદ સાયોની ઘોષને લઈને સસ્પેન્સ સતત ઘેરૂ બની રહ્યું છે. તેમનું નામ એવા નેતાઓની યાદીમાં મોખરે ચાલી રહ્યું છે જેઓ બળવાખોર જૂથ તરફ નિકટતા વધારી રહ્યા છે.
રાજકીય વર્તુળોમાં વહેતા થયેલા અહેવાલો મુજબ, બુધવારે રાત્રે દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાયોની ઘોષની સાથે માલા રાય, પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાન, પ્રતિમા મંડલ અને મિતાલી બાગ જેવા તૃણમૂલના સાંસદો હાજર હતા. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન બનવાની રેસમાં અગ્રેસર એવા શુભેન્દુ અધિકારી પણ ત્યાં પહોંચ્યા હતા અને સાંસદો સાથે ભવિષ્યની રણનીતિ અંગે લાંબી ચર્ચા કરી હતી.
કોલકાતા એરપોર્ટ પર સાયોનીની ચુપકીદી
આ હલચલ બાદ ગુરુવારે બપોરે સાયોની ઘોષ જ્યારે દિલ્હીથી કોલકાતા એરપોર્ટ પર પરત ફર્યા, ત્યારે મીડિયાકર્મીઓએ તેમને પક્ષ પલટા અને દિલ્હીની બેઠક અંગે અસંખ્ય સવાલો પૂછ્યા હતા. જો કે, માથા પર ટોપી, ચહેરા પર માસ્ક પહેરેલી સાયોની ઘોષે એક પણ સવાલનો જવાબ આપ્યો ન હતો અને સંપૂર્ણ ચુપકીદી સાધીને સીધા પોતાની કારમાં બેસીને રવાના થઈ ગયા હતા. હવે પ્રશ્ને એ છે કે, તેઓ ટીએમસી સાથે રહેશે કે પછી પાર્ટીને અલવિદા કહેશે? જોકે, અટકળો તો અનેક પ્રકારની થઈ રહી છે, પરંતુ સાયોની ઘોષ દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવે ત્યારે તમામ સવાલોનો જવાબ મળશે.