તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ: મમતા બેનર્જી હાંસિયામાં ધકેલાયા, સાંસદો પણ પક્ષ છોડે તેવી પ્રબળ શક્યતા
કૉલકાતાઃ પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી(ટીએમસી)માં રાજકીય સંકટ વધી રહ્યું છે. તૃણમૂલ કોંગ્રેસમાં જ બે ભાગલા પડી ગયા છે, બન્ને જૂથના નેતાઓ મમતા દીદીને જાણે હાંસિયામાં રાખીને માત્ર કહેવાતા નેતા તરીકે સ્થાપિત કરવાના મૂડમાં હોય એવો માહોલ છે. બે અલગ-અલગ જૂથ પુરવાર કરવાની હરિફાઈમાં છે કે, અસલી તૃણમૂલ કોંગ્રેસ કોણ છે? પશ્ચિમ બંગાળના રાજકારણમાં ચર્ચા હવે એવી થઈ રહી છે કે, TMC હવે એ રસ્તા ઉપર તો નહીં જઈ રહી ને જ્યાં પહેલા શિવસેના અને પછી એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) જઈ ચૂક્યા છે? જી હા, મહારાષ્ટ્રની બે દિગ્ગજ પાર્ટીના બે ઊભા ફાડિયા થયા હતા.
સંસદીય દળમાં તિરાડ પડવાના એંધાણ
આ માહોલ વચ્ચે TMCના રાજ્યસભાના સાંસદ સુખેંદુ શેખર રોયે દાવો કર્યો હતો કે, ધારાસભ્ય દળ પછી હવે પાર્ટીના સંસદીય દળમાં પણ તિરાડ પડી શકે છે. લોકસભા અને રાજ્યસભા બન્નેમાં TMC સાંસદ વચ્ચે અસંતોષ વધી રહ્યો છે. એકબાજુ પાર્ટીમાં અંદરોઅંદર ઉકળતો ચરૂ ચરમસીમાએ છે એવામાં આવનારા દિવસોમાં પાર્ટી પર આની એક અસર જોવા મળી શકે છે.
સુખેંદુ રોયે ઈશારામાં કહી દીધું કે, તે માનસિક રીતે પાર્ટી સાથે નથી. સત્તાવાર રીતે તો તેઓ રાજ્યસભાના સાંસદ છે. સંકેત એવા આપ્યા છે કે, આવનારા દિવસોમાં તેઓ પોતાનું પાર્ટી પ્રત્યે અને એક પદ પ્રત્યે વલણ સ્પષ્ટ કરી દેશે. આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે,લોકસભા અને રાજ્યસભામાં કેટલાક સાંસદ પણ પાર્ટીને અલવિદા કહી શકે છે.
એક જ પક્ષમાં આમનેસામને કર્યાં દાવા
રાજકીય લોબીમાં ચર્ચા એવી છે કે, પશ્ચિમ બંગાળની વિધાનસભામાં જે ઘટનાક્રમ જોવા મળ્યો એની અસર હવે સંસદમાં પણ જોવા મળી શકે છે. TMC પાસે લોકસભા અને રાજ્યસભા એમ કુલ મળીને 43 સાંસદ છે. એવામાં માહોલને જોતા એવું લાગે છે કે, અમુક સાંસદ પોતાનો અલગ રસ્તો પસંદ કરીને અમલવારી કરશે.
જો આવું થયું તો તૃણમૂલ કોંગ્રેસ માટે અણધારી મુશ્કેલી ઊભી થશે. હવે સાંસદોનું એક ગ્રૂપ અલગ થાય છે તો તેઓ ધારાસભ્ય સાથે મળીને ચૂંટણી પંચ સામે એ અસલી તૃણમૂલ કોંગ્રેસ છે એવો દાવો કરી શકે છે. વિવાદનું એક કેન્દ્ર ઋતબ્રત બેનરજીનું ગ્રૂપ પણ છે. એમને હવે વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. એકબાજુ તૃણમૂલ કોંગ્રેસના જ મોટા નેતા એવું કહે છે કે, એમને પાર્ટીમાંથી હાકી કાઢવામાં આવ્યા છે. તો પછી વિપક્ષના નેતા બનાવી દેવાની વાત કેવી રીતે?
વિધાનસભાના સ્પીકરનું મૌન
પાર્ટીમાં જ નથી એટલે તેઓ ધારાસભ્યના જૂથનું નેતૃત્વ કરી ન શકે. બીજીતરફ ઋતબ્રતનું એવું કહેવું છે કે, વિધાનસભાના અધ્યક્ષે વિપક્ષના નેતા તરીકેની મંજૂરી આપી દીધી છે, જે સ્વીકારી લીધી છે. હકીકત એવી પણ છે કે, ઘણા બધા ધારાસભ્યો ઋતબ્રત તરફી છે. ઋતબ્રતને તમામ મોરચે ટેકો આપવામાં આવી રહ્યો છે. વિપક્ષા નેતા તરીકેની ચાવી હાથમાં આવ્યા બાદ કામકાજ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. પણ હોડ એ શરૂ થઈ છે કે, તૃણમૂલ કોંગ્રેસ અસલી કઈ? એમાં કોણ-કોણ?
હવે તૃણમૂલ કોંગ્રેસને બીજોપક્ષ એવી માગ કરી રહ્યો છે કે, કાયદાકીય જોગવાઈ અંતર્ગત ઋતબ્રતને વિપક્ષ નેતા જાહેર કરી દેવાયો પણ પાર્ટીએ એને હાકી કાઢ્યા છે તો 58 ધારાસભ્યના સમર્થનનો દાવો તે કેવી રીતે કરી શકે? આ મામલે વિધાનસભાના સ્પીકરે કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું નથી અને કોઈ વાત સ્પષ્ટ કરી નથી.