Sun May 24 2026

Logo

પશ્ચિમ બંગાળમાં હાર બાદ TMCની મુશ્કેલી વધીઃ ઓફિસ ખાલી કરવાની મળી નોટિસ

2026-05-24 19:26:24
Author: Devayat Khatana
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં કારમી હાર મેળવ્યા બાદ હજુ પણ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં સરકાર ગુમાવ્યા બાદ હવે પાર્ટીના કામચલાઉ કાર્યાલયને લઈને મુશ્કેલી ઊભી થઈ છે. કોલકાતાના EM બાયપાસ પાસે આવેલી બહુમાળી ઇમારતના માલિકે પાર્ટીને બે મહિનામાં ઓફિસ ખાલી કરવા માટે નોટિસ મોકલી છે.

મળતી વિગતો અનુસાર, કોલકાતામાં આવેલા  ઇમારતના માલિક મનોતોસ સાહા ઉર્ફે મોન્ટુ સાહાએ તૃણમૂલ કોંગ્રેસને નિર્ધારિત સમયમર્યાદામાં ઓફિસ ખાલી કરવાની નોટિસ આપી છે. TMCએ વર્ષ 2022માં તેના જૂના કાયમી મુખ્યાલયના રિનોવેશનને કારણે આ ઇમારતને કામચલાઉરૂપે ભાડે રાખી હતી. કરાર શરૂઆતમાં બે વર્ષ માટે હતો, પરંતુ બાદમાં તેને લંબાવવામાં આવ્યો હતો.

હવે જ્યારે ભાડાની મુદ્દત પૂરી થઈ ગઈ છે ત્યારે મકાન માલિકે તેમની તેનું મકાન પાછું લેવાનો નિર્ણય લીધો છે. મકાન માલિકે જણાવ્યું હતું કે 4 મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થયા ત્યારથી તેમને તેમના મકાન પર હુમલો થવાની આશંકા હતી. 

તેમણે દાવો કર્યો હતો કે તેઓ તેમની મિલકતને કોઈપણ નુકસાનથી બચાવવા માંગે છે, આ માટે તેમણે પાર્ટીને ઓફિસ ખાલી કરવા કહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે પાર્ટીએ તેમને મૌખિક રીતે ખાતરી આપી છે કે ઇમારત બે મહિનામાં ખાલી કરવામાં આવશે અને બાકી રહેલું તમામ ભાડું ચૂકવી દેવામાં આવ્યું છે.

આ અંગે વાત કરતાં પાર્ટીના પ્રવક્તા અને ધારાસભ્ય કુણાલ ઘોષે જણાવ્યું હતું કે પાર્ટીએ આ ઇમારત ભાડે લીધી હતી. જો માલિકો તેને પાછી ઇચ્છતા હોય, તો તે તેમનો અધિકાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તાપસિયા રોડ પરના ભૂતપૂર્વ તૃણમૂલ કોંગ્રેસના મુખ્યાલયમાં સમારકામ અને પુનર્નિર્માણનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. તેથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પાર્ટી ટૂંક સમયમાં તેના જૂના કાર્યાલયમાં પાછી ફરી શકે છે.