Tue Sep 15 2026

Logo

સૌરાષ્ટ્ર જતા પહેલાં વિચારજો, આ મહત્વનો રોડ અઠવાડિયા બાદ પણ છે બંધ

2026-07-28 13:50:00
Author: Mayur Patel
સૌરાષ્ટ્ર જતા પહેલાં વિચારજો, આ મહત્વનો રોડ અઠવાડિયા બાદ પણ છે બંધ

અમદાવાદઃ સૌરાષ્ટ્ર જતા પહેલાં વિચારજો. બગોદરા-ધંધુકા હાઈવે અઠવાડિયા બાદ પણ બંધ છે. આ પંથકમાં પડેલા ભારે વરસાદના પગલે જળબંબાકાર થતાં રોડ બંધ કરવામાં આવ્યો હતો. જોકે પાણી ઓસર્યા બાદ ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ દરમિયાન ધંધૂકા ડિવિઝન પોલીસે મંગળવારે વરસાદની સ્થિતિ અંગે સત્તાવાર અપડેટ આપતાં જણાવ્યું હતું કે, તાજેતરમાં પડેલા ભારે વરસાદ છતાં મોટાભાગના વિસ્તારોમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ધંધુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા કોઈપણ ગામમાં પાણી ભરાયા નથી અને તમામ મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓ પર વાહનવ્યવહાર સામાન્ય રીતે ચાલી રહ્યો છે. વિસ્તારમાં અત્યાર સુધી કોઈ ખતરનાક સ્થિતિ હોવાના અહેવાલ નથી.

બગોદરા પોલીસ સ્ટેશનના કેટલાક ગામોમાં હજુ પણ પાણી ભરાયેલા છે

જોકે, બગોદરા પોલીસ સ્ટેશન હેઠળના કેટલાક ગામોમાં હજુ પણ પાણી ભરાયેલા છે, પરંતુ પાણીનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, હાલમાં કોઈપણ ગામમાં રેસ્ક્યૂ ઓપરેશન કરવાની જરૂર નથી. પરંતુ અસરગ્રસ્ત ગામોમાં આંતરિક રસ્તાઓ જળમગ્ન હોવાથી અવરજવર માત્ર ટ્રેક્ટર દ્વારા જ શક્ય બની રહી છે. અધિકારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે, હાલમાં બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના કોઈપણ ગામમાં કોઈ જોખમી પરિસ્થિતિ નથી. બીજી તરફ, પાણી ભરાવાને કારણે બગોદરા-ધંધૂકા હાઈવે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

પીપળી ગામ નજીક આવેલું નાળું તૂટ્યું

અન્ય એક ઘટનામાં, ધોલેરા-પીપળી-વાટામણ જૂના હાઈવે પર પીપળી ગામ નજીક આવેલું એક નાળું મંગળવારે રાત્રે તૂટી ગયું હતું. જેના પગલે સાવચેતીના ભાગરૂપે સત્તાવાળાઓ દ્વારા રસ્તાને બંને તરફથી બેરિકેડ લગાવીને બંધ કરી દેવામાં આવ્યો છે.

પોલીસે પીપળીથી સુરત તરફ અને વાટામણથી પીપળી તરફ મુસાફરી કરતા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસવેનો ઉપયોગ કરવા સલાહ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, તંત્ર વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. પાણીનું સ્તર ઘટ્યા બાદ જ માર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે. ત્યાં સુધી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી સહકાર આપવા તંત્રએ વિનંતી કરી છે.