ટ્રાવેલ પ્લસ - કૌશિક ઘેલાણી
ભારત દેશ વિશ્વભરમાં ઉત્સવોની ઉજવણીના ઉત્સાહ અને પોતાની સંસ્કૃતિના રંગો માટે જાણીતો છે. અલગ અલગ પ્રાંતોમાં આખા વર્ષ દરમિયાન વિવિધ તહેવારોને અનોખી ઢબે ઉજવવામાં આવે છે. અહીંનું સાંસ્કૃતિક વૈવિધ્ય જ વિશ્વને ભારત તરફ આકર્ષે છે. પશ્ર્ચિમી સંસ્કૃતિનો વ્યક્તિ પણ અહીંના તહેવારોની ઉજવણીનો ભાગ બનવા આતુર રહે છે. ગુજરાતી, પંજાબી, મરાઠી, હિમાચલી કે કાશ્મીરી આપણે સૌ રોજિંદા જીવનમાંથી વિરામ લઈને આનંદ અને ઉલ્લાસ માણીએ છીએ. માનવીના આનંદની અભિવ્યક્તિના જીવંત પ્રતિક આપણા તહેવારો છે.
આ સમગ્ર તહેવારોની હારમાળામાં લોકહૃદય પર રાજ કરતો, દરેક સમુદાયને એકસાથે રંગી દેતો તહેવાર એટલે હોળી. દેશના વિવિધ ભાગોમાં હોળી અલગ અલગ રીતે ઉજવાય છે, પરંતુ ઉત્તર પ્રદેશના બરસાના અને નંદગામની લઠમાર હોળી વિશ્વવિખ્યાત છે. અહીં આશરે 5000 વર્ષથી ચાલતી પરંપરા શ્રીકૃષ્ણ અને રાધાજીના પ્રેમ સાથે જોડાયેલી છે અને આખો અઠવાડિયું રંગો, ગીતો અને ભક્તિભાવથી છલકાય છે.
શ્રીકૃષ્ણ હોળીના પ્રસંગે નંદગામથી ગોવાળો સાથે બરસાના આવતાં અને રાધાજીના ગામની ગોપીઓ લાકડીઓથી તેમને રમૂજી રીતે હાંકી કાઢતી. આ પ્રસંગને જીવંત રાખતી પરંપરા આજે લઠમાર હોળી તરીકે ઉજવાય છે. ગોપાલો ઢાલથી બચાવ કરે છે અને ગોપીઓ લાઠીથી પ્રહાર કરે છે. ગીતો, ફાગ, રંગો અને હાસ્ય વચ્ચે આ ઉત્સવ પ્રેમનો સંદેશ આપે છે.
ફાગણ મહિનામાં સમગ્ર વ્રજધામ રાધાકૃષ્ણના રંગોમાં રંગાઈ જાય છે. બરસાનાની હોળીને ફાગુ ઉત્સવ અથવા હોળી પણ કહેવામાં આવે છે. દેશ વિદેશથી હજારો લોકો આ અનોખી પરંપરા નિહાળવા આવે છે.
લઠમાર હોળી 2026નો વિગતવાર કાર્યક્રમ
વર્ષ 2026માં હોળી 4 માર્ચે ઉજવાશે (હોલિકા દહન 3 માર્ચ 2026). બરસાના અને વ્રજક્ષેત્રમાં ઉત્સવોનો આરંભ ફાગણ માસની શરૂઆતથી જ થઈ જાય છે. મુખ્ય કાર્યક્રમોની શરૂઆત થઈ ચૂકી છે જે 4 માર્ચ સુધી ચાલશે.
24 ફેબ્રુઆરી 2026 લડ્ડુ હોળી, બરસાના
25 ફેબ્રુઆરી 2026 લઠમાર હોળી, રાધારાણી મંદિર, બરસાના (મુખ્ય ઉત્સવ)
26 ફેબ્રુઆરી 2026 નંદગામમાં લઠમાર હોળી, નંદભવન
27 ફેબ્રુઆરી 2026 વૃંદાવન, બાંકે બિહારી મંદિરમાં ફૂલોની હોળી
28 ફેબ્રુઆરી 2026 ગોકુલમાં છડી માર હોળી
1 માર્ચ 2026 વૃંદાવનમાં વિધવાઓની હોળી
3 માર્ચ 2026 મથુરામાં હોલિકા દહન
4 માર્ચ 2026 રંગવાળી હોળી (ધુળેટી), મથુરા અને હુરંગા ખાતે સમાપન
વિધવાઓની હોળી અહીં વિશેષ આકર્ષણ છે. સફેદ વસ્ત્રોમાં સજ્જ વિધવાઓ ફૂલોના રંગોથી હોળી રમે છે જે સમાજમાં સમાનતા અને આનંદનો સંદેશ આપે છે.
બરસાનાનું મુખ્ય રાધારાણી મંદિર ટેકરી પર આવેલું છે, જ્યાં પહોંચવા આશરે 100 પગથિયાં ચઢવા પડે છે. મન મંદિર, શંકરી ખોર, મોર કુરીટ મંદિર, રંગીલા મહેલ અને નંદભવન જેવા સ્થળો દર્શનીય છે. આસપાસ વૃષભાનુ કુંડ, કીર્તિદા કુંડ, વિહાર કુંડ અને દોહની કુંડ આવેલ છે.
અહીંની અનોખી પરંપરા મુજબ બરસાના અને નંદગામ વચ્ચે લગ્ન વ્યવહાર થતો નથી. શ્રીકૃષ્ણને બરસાનાનો જમાઈ માનવામાં આવે છે અને નંદગામને રાધાનું સાસરું. આ માન્યતા આજે પણ એટલી જ ભાવભીની રીતે નિભાવાય છે.
હોળીના દિવસોમાં મથુરામાં રહેવાની વ્યવસ્થા સરળ છે, પરંતુ બરસાના જવા માટે પૂર્વ બુકિંગ સાથે ટૅક્સી કરવી અનુકૂળ રહે છે. કેસૂડાના કુદરતી રંગો, ઠંડાઈ, ગુજીયા અને ભક્તિભાવથી ભરેલો માહોલ જીવનભર યાદ રહી જાય તેવી અનુભૂતિ આપે છે.
બરસાનાની લઠમાર હોળી માત્ર એક તહેવાર નથી એ પ્રેમ, પરંપરા અને સંસ્કૃતિનો જીવંત ઉત્સવ છે. જીવનમાં એકવાર રાધારાણીના ગામે જઈ આ રંગોત્સવનો અનુભવ અવશ્ય કરવો. અહીં પ્રેમના રંગો મનને નવી તાજગી અને આધ્યાત્મિક આનંદ આપે છે.