ભુજઃ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંત તરફથી આવતા દક્ષિણ પશ્ચિમી પવનોએ કચ્છથી શરૂ કરીને છેક દિલ્હી સુધી આગ ઝરતી લૂ પ્રસરાવી છે અને રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છના સંખ્યાબંધ મથકોએ મહત્તમ તાપમાનનો આંક ૩૯ ડિગ્રી સે.થી ૪૨ ડિગ્રી સે.રહેવા પામ્યો હતો. હવામાન વિભાગ દ્વારા અપાયેલી હિટવેવની એલર્ટ વચ્ચે વાગડથી લઈ કોટેશ્વર સુધી ગરમ વાયરા ફુંકાતા જનજીવન તોબા પોકારી ઊઠયું હતું.
કંડલા(એ) કેન્દ્રમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચતા અંજાર-ગાંધીધામ વિસ્તાર ગરમીમાં શેકાયા હતા. જિલ્લા મથક ભુજમાં તાપમાન ૪૨ ડિગ્રી સે.નોંધાતાં સવારના સુર્ય નારાયણનાં દર્શન સાથે જ આભમાંથી અગનજવાળા વરસવાનું શરૂ થઈ ગયું હતું. નલિયામાં ૩૮ ડિગ્રી મહત્તમ, ૨૪ ડિગ્રી લઘુતમ તાપમાને બળબળતા તાપની આણ થોડી નરમ પડેલી અનુભવવા મળી હતી. લઘુતમ પારો ૨૭ ડિગ્રી જેટલો ઊંચો રહેતા ઉકળાટનો દોર યથાવત રહ્યો હતો. રણકાંધીના રાપરમાં ૪૧ જયારે ખાવડામાં ૪૨ ડિગ્રી તાપમાને ગરમીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પવનોની દિશા અરબ સાગરમાં બની રહેલાં હવાના દબાણને કારણે પલટાઈ છે જેને કારણે આ જીવલેણ ગરમીએ જનજીવનને બાનમાં લીધું છે અને હજુ ગરમીનો દોર યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
(ઉત્સવ વૈદ્ય)