થાણે: થાણે જિલ્લામાં મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) હાઇવે પર પૂરપાટ વેગે આવેલા ટેમ્પોએ કચડી નાખતાં પોતાનો જમણો પગ ગુમાવનાર 42 વર્ષની વ્યક્તિને 47.78 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
એમએસીટીનાં સભ્ય આર. મોહિતેએ સોમવારે ટેમ્પોના માલિક સોમનાથ સુરેશ ગોલેને અકસ્માત માટે સંપૂર્ણપણે જવાબદાર ઠેરવ્યો હતો અને તેને અરજીની તારીખથી વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
કેસની માહિતી મુજબ મીરા રોડ વિસ્તારનો રહેવાસી પરેશ બાબુરાવ નાઇક 1 ઑક્ટોર, 2020ના રોજ મુંબઈ-અમદાવાદ હાઇવે પર મોટરસાઇકલ હંકારી રહ્યો હતો ત્યારે રૉન્ગ સાઇડથી આવેલી રિક્ષા તેની મોટરસાઇકલ સાથે ઘસાઇ હતી, જેને કારણે પરેશ નાઇક રસ્તા પર પટકાયો હતો અન પૂરપાટ વેગે આવેલો ટેમ્પો તેના પગ પર ફરી વળ્યો હતો.
પરેશ નાઇક પર અનેક સર્જરી કરવામાં આવી હતી અને તેનો જમણો પગ ઘૂંટણની નીચેથી કાપી નાખવામાં આવ્યો હતો. ટ્રિબ્યુનલે અવલોકન કર્યું હતું કે અકસ્માતમાં થયેલી ઇજાઓને કારણે દાવેદારને 100 ટકા કાયમી દિવ્યાંગતાનો ભોગ બનવું પડ્યું હતું. દરમિયાન સમન્સ મોકલવામાં આવ્યા છતાં ટેમ્પો ડ્રાઇવર ટ્રિબ્યુનલ સમક્ષ હાજર થયો નહોતો. (પીટીઆઇ)