Thu May 14 2026

Logo

અપહરણ બાદ સગીરા સાથે દુષ્કર્મના કેસમાં મહિલા સહિત ત્રણ નિર્દોષ

2026-05-14 18:35:47
Author: Yogesh C. Patel
Article Image

થાણે: થાણેમાં 2016ના સગીરાનું અપહરણ, તસ્કરી અને દુષ્કર્મના કેસમાં વિશેષ અદાલતે મહિલા સહિત ત્રણને નિર્દોષ છોડ્યાં હતાં અને ફરિયાદ પક્ષ પાયાની વાસ્તવિકતા સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો હોવાની નોંધ કરી હતી.
સ્પેશિયલ જજ જી. ટી. પવારે બુધવારે કાજલ ઠાકુર (31), મોસીન નસીમ ખાન (31) અને ગોવિંદ ઉર્ફે રાજેશ મેપાલાલ સાથલિયા (50) વિરુદ્ધના બધા આરોપ પડતા મૂક્યા હતા.

ફરિયાદ પક્ષે આરોપ કર્યો હતો કે ત્રીજી જાન્યુઆરી, 2016ના રોજ કાજલ ઠાકુરે 17 વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું. પછી સગીરાને વિવિધ લોજમાં લઈ જવામાં આવી હતી, જ્યાં મોસીન ખાન દ્વારા કથિત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સાથલિયાએ સગીરાની મારપીટ કરી હોવાનો આરોપ હતો.

કોર્ટે નોંધ કરી હતી કે સગીરા ડ્રગ્સની બંધાણી હતી અને વ્યસન છોડાવવા તે કાઉન્સેલર પાસે જતી હતી. આ કથિત ઘટના પહેલાં તે ચાર વખત ઘર છોડીને ગઈ હતી. સગીરા સ્પષ્ટ રીતે જણાવી શકી નથી કે કાજલ તેને લાલચ આપીને લઈ ગઈ હતી કે બળજબરીથી, એવી નોંધ કરીને કોર્ટે અપહરણનો આરોપ નકારી કાઢ્યો હતો.

કોર્ટે એ મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો કે સગીરાની મારપીટનો સમય અને તબીબી પુરાવામાં પણ વિસંગતિઓ છે. સગીરાએ દાવો કર્યો હતો કે તેના પર 11 જાન્યુઆરી, 2016ના રોજ બળાત્કાર થયો હતો, જ્યારે ડૉક્ટરને 10 જાન્યુઆરીએ હુમલો થયો હોવાનું તેણે કહ્યું હતું.

કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે પોલીસનો સંપર્ક ન સાધવા સગીરા પર દબાણ કરાયું હતું કે કેમ તે પણ અસ્પષ્ટ છે. આનાથી વિપરીત ઘટના પછી પણ તે રાજેશ સાથલિયાએ કરેલી સગવડવાળી રૂમમાં કાજલ સાથે રહેતી હતી.
કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે એફઆઈઆર દાખલ કરવામાં પાંચ દિવસનો વિલંબ અને સગીરા સાથે આરોપીનો મુકામ સિદ્ધ કરવા માટે લોજ રજિસ્ટર પણ રજૂ કરાયું નથી. આમ પાયાની વાસ્તવિકતા સિદ્ધ કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ જતાં અને યોગ્ય પુરાવાને અભાવે ત્રણેયને નિર્દોષ જાહેર કરાયા હતા. (પીટીઆઈ)