Wed Jul 29 2026

Logo

ગૂગલ મેપથી મંદિરમાં ચોરી કરતી ગેંગે 10 દિવસમાં ન પકડાય તો રૂ. 10,000ના દાનની બાધા રાખી હતી

2026-07-29 13:00:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગૂગલ મેપથી મંદિર શોધીને ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી હતી. મંદિરોને નિશાન બનાવતી આ ટોળકી કોણ ક્યાં ઉભા રહે તે પણ ગૂગલ મેપથી નક્કી કરતી હતી. તેમજ ચોરી કર્યા બાદ ન પકડાય તે માટે રૂ, 10,000ના દાનની બાધા રાખી હતી અને 10 દિવસ સુધી ન પકડાયા માનતા પૂર્ણ પણ કરી હતી.

કેવી રીતે પકાડાયા

મળતી વિગત પ્રમાણે  સાણંદમાં આવેલા ઉમિયા મંદિરમાં તાજેતરમાં ચોરી થઈ હતી. મંદિરમાં લાગેલા સીસીટીવીમાં 5 આરોપીએ ગર્ભ ગૃહમાં પ્રવેશ કરીને  ચાંદીનું છત્તર અને ચાંદીની મૂર્તિ ચોરી કરી હોવાના દૃશ્યો કેદ થયા હતા. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પૂછપરછ કરતા આરોપીઓએ ચોરીનો ફિલ્મી સ્ટાઇલમાં પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ ગૂગલ મેપથી મંદિર શોધીને ચોરી કરતા હતા અને પોલીસ પકડથી બચવા માનતા પણ રાખી હતી. 

ઈન્સ્ટાગ્રામ પરથી આ ચોરી કરવા માટેનો આઇડિયા આવ્યો

સાણંદ પોલીસે ઉમિયા માતાની મંદિરમાં ચોરી કરનાર લક્ષ્મણ ગુર્જર, કિશન ગુર્જર, મુકેશનાથ કાલબેલિયા, સુરેશનાથ કાલબેલિયા અને અજયનાથ કાલબેલિયાની ધરપકડ કરી હતી. આ પાંચેય આરોપીઓએ ગત તા. 17 જુલાઈએ મોડી રાત્રે સાણંદ બાયપાસ રોડ પર આવેલા ઉમિયા માતાના મંદિર ખાતે ચોરી કરી હતી. આરોપી લક્ષ્મણ ગુર્જર ચોરીનો માસ્ટર માઈન્ડ છે અને તેને ઈન્સ્ટાગ્રામ પરથી આ ચોરી કરવા માટેનો આઇડિયા આવ્યો હતો. પોલીસથી બચવા માટે તેમજ ચોરી કર્યા બાદ ભાગવા માટેના પણ તમામ રસ્તા તેણે અગાઉથી જ તૈયાર કરી રાખ્યા હતા. 

ચોરી બાદ આરોપીઓ રાજસ્થાન ફરાર થઈ ગયા હતા

લક્ષ્મણ ગુર્જર અને તેના ભાઈ કિશન ગુર્જરે અન્ય ત્રણ આરોપીઓ સાથે મળીને આ ચોરી કરવાનું નક્કી કર્યું હતું. આરોપીઓએ ગૂગલ મેપથી મંદિર શોધીને ગૂગલ મેપ પર જ કોણ ક્યાં ઊભો રહેશે તે પણ નક્કી કર્યું હતું. ચોરીની રાત્રે તમામ આરોપીઓ ભેગા થયા હતા અને પોલીસ ટ્રેસ ન કરી શકે તે માટે મોબાઈલ પણ બોપલ બ્રિજની નીચે જ મૂકી દીધા હતા. ચોરી કર્યા બાદ આરોપીઓ રાજસ્થાન ફરાર થઈ ગયા હતા અને એક સોની વેપારીને ચાંદીની મૂર્તિ અને છત્તર વેચી નાખ્યું હતું. 

આરોપીઓએ રાજસ્થાનના મંદિરમાં માનતા પણ રાખી હતી કે જો તેઓ દસ દિવસ સુધી નહીં પકડાય તો 10 હજાર રૂપિયા મંદિરમાં દાન કરશે અને દસ દિવસ સુધી ન પકડાતા મંદિરમાં દાન પણ કર્યું હતું. હાલ આરોપીઓએ આ ચોરી સિવાય ક્યાં ક્યાં ગુના આચર્યા છે તે બાબતે પોલીસે તપાસ તેજ કરી છે. 

પીકઅપ ડાલામાં જ રાત્રી રોકાણ કરીને રેકી કરતા હતા

આરોપી લક્ષ્મણ અને કિશન સગા ભાઇઓ છે, જે બંને માલની હેરાફેરી કરવા નીકળે ત્યારે પીકઅપ ડાલામાં જ રાત્રી રોકાણ કરીને રેકી કરતા હતા. ચોરી કર્યા બાદ આરોપીઓ રાજસ્થાનમાં હતા. તે દરમિયાન ચોરીના સીસીટીવી વાયરલ થતા પોતાના ગ્રૂપમાં તે સીસીટીવી પણ શેર કર્યા હતા. પોલીસે અલગ અલગ ટેકનિકલ એનાલિસિસના આધારે સૌથી પહેલા કિશન ગુર્જરને ઇસનપુરમાંથી પકડ્યો હતો અને તે જ સમયે કિશન ટાયર ચોરી કરવા ગયો હતો. જે બાદ તેના ફોનમાંથી ચોરીમાં ગયેલા મુદ્દામાલના ફોટો મળી આવતા પૂછપરછ કરી પોલીસ અન્ય ચાર આરોપીઓ સુધી પહોંચી હતી. આરોપી કિશન અગાઉ સાણંદ અને સાબરમતી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે