અમદાવાદઃ રાજ્યના રોડ રસ્તા રક્તરંજિત થવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. બુધવારે બપોર સુધીમાં અમદાવાદ, રાજકોટ અને પાલનપુરમાં અકસ્માતની બનેલી ત્રણ ઘટનામાં 6 લોકોનાં મોત થયા હતા, જ્યારે છ લોકો ઘાયલ થયા હતા.
પાલનપુરમાં એસ.ટી-રિક્ષા વચ્ચે અકસ્માત
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નજીક આવેલી ખરોડિયા ચોકડી પાસે વડગામ તરફથી આવી રહેલી એક પેસેન્જર રિક્ષા અને સામેથી આવતી એસ.ટી. બસ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવ બનતા જ સ્થાનિક રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટમાં કારની ટક્કરથી બે મિત્રોના મોત
અકસ્માતના બીજા બનાવમાં રાજકોટ-જામનગર હાઇવે પર સણોસરા ગામના પાટીયા નજીક કારે ડબલ સવારી બાઇકને અડફેટે લેતા લૈયારા ગામના બે પ્રૌઢના ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી કાર ચાલક નાસી જતા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી. મૃતક બંને પ્રૌઢ સાથી મિત્ર બીમાર હોવાથી તેની ખબર અંતર પૂછવા માટે જતા હતા દરમિયાન ઘટના ઘટી હતી. બંને પ્રૌઢના મોતથી બંનેના પરિવારમાં શોક છવાયો હતો.
મળતી વિગત પ્રમાણે, ધ્રોલના લૈયારા ગામે રહેતા નટુભા સીદુભા જાડેજા(ઉ.વ.64) અને તળશીભાઈ કુરજીભાઈ શીંગાળા (ઉ.વ.70)ના બંને મિત્રો બાઈક લઈને સણોસરા ગામે જતા હતા ત્યારે સણોસરા ગામના પાટિયા પાસે પહોંચતા પુરપાટ ઝડપે આવતી કારે બાઇકને ઠોકર મારતા બંને પ્રૌઢ બાઈક સમેત રોડ પર પટકાતા ઈજાઓ થઇ હતી. બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરતા બંનેને ગંભીર હાલતમાં રાજકોની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
અમદાવાદમાં હિટ એન્ડ રનમાં પ્રૌઢનું મૃત્યુ
અમદાવાદમાં વટવા ગામ તરફથી વાયુવેગે આવતી એક સ્કોર્પિયો ચાલકે વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. વટવામાં રહેતા યુનુસભાઈ રાત્રે બીબી તળાવ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે આરોપીએ તેમને અડફેટે લીધા હતા. ટક્કર માર્યા પછી પણ આરોપીએ વૃદ્ધ પર ગાડી ચઢાવી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતીકે, 68 વર્ષીય યુનુસભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.