સાર્થક સિદ્ધાંતે સરકાર સામે ઉઠાવ્યા સવાલ તો IIT કાનપુરના ડાયરેક્ટરે કર્યો બચાવ
નવી દિલ્હીઃ નીટ-યુજી 2026ની પરીક્ષાઓ આગામી દિવસોમાં લેવાશે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામને ભારતમાં હંગામી ધોરણે 22 જૂન સુધી બ્લોક કરવામાં આવ્યું છે, જેનું કારણ 21 જૂને યોજાનારી નીટ-યુજી પરીક્ષા છે. જોકે, આ નિર્ણય વિરુદ્ધમાં સોશિયલ મીડિયા પર લોકોએ ગંભીર સવાલો કર્યા છે. વિદ્યાર્થી સાર્થક સિદ્ધાંતે સવાલ કર્યા છે કે જો ખોટી માહિતીના કારણે ટેલિગ્રામ બંધ કરી શકાય છે તો પછી વોટ્સએપ પર આ નિર્ણય લાગુ પડી શકે છે, જ્યારે તેનો જવાબ પણ આઈઆઈટી કાનપુરના ડાયરેક્ટર મણીન્દ્ર અગ્રવાલે પણ આપ્યો છે.
સાર્થક સિદ્ધાંતે જ સીબીએસસીને સાણસામાં લીધું હતું
ટેલિગ્રામ પર પ્રતિબંધ અંગે 18 વર્ષના વિદ્યાર્થી સાર્થક સિદ્ધાંતે કહ્યું છે કે ફક્ત ખોટી માહિતીના કારણે કોઈ સોશિયલ મીડિયા પરના પ્લેટફોર્મને બંધ કરવાનું ખોટું છે. એક્સ પર લખ્યું કે વોટ્સએપ પર પણ ખોટી માહિતી મળે છે તો એકલા ટેલિગ્રામ પર શા માટે કાર્યવાહી. સાર્થક સિદ્ધાંત એ જ વિદ્યાર્થી છે જેને સીબીએસઈની મૂલ્યાંકન પ્રક્રિયાની કથિત અનિયમિતતા અને ટેન્ડર હેરફેર અંગે લોકોનું ધ્યાન ખેંચીને રાષ્ટ્રીયસ્તરે પોતાની ઓળખ બનાવી હતી. આ પોસ્ટ પછી લોકોએ સરકારના નિર્ણય અંગે સવાલ ઊઠાવ્યા હતા.
ટેલિગ્રામનો ઉપયોગ બનાવટી દાવા માટે પણ થાય છે
સાર્થક સિદ્ધાંત સહિત અન્ય લોકોને જવાબ આપતા આઈઆઈટી કાનપુરના પ્રોફેસર અને ડાયરેક્ટર મણિન્દ્ર અગ્રવાલે જવાબ આપતા કહ્યું હતું કે ટેલિગ્રામની સમસ્યા ફક્ત કથિત પેપર લીન્ક કન્ટેન્ટ શેર કરવાનું નથી. તેમના જણાવ્યાનુસાર પેપર શેર કરવાના અનેક પ્રકાર ઉપલ્બધ છે, પરંતુ ટેલિગ્રામનો ઉપયોગ બનાવટી દાવા ઊભા કરવા માટે થાય છે, જેનાથી વિદ્યાર્થીઓમાં ભ્રમ ઊભો થાય છે. જેઈઈ એડવાન્સ્ડ પરીક્ષા વખતે અમુક લોકોએ ટેલિગ્રામનો ઉપયોગ કથિત પેપર લીકને અસલી બતાવવા કર્યો હતો, જેનાથી બિનજરુરી ભ્રમ અને અફવા ફેલાઈ હતી. જોકે, પ્રોફેસરના જવાબને કારણે બંને બાજુ હવે નવા વિવાદનું નિર્માણ થયું છે.
શું હતો વિવાદ એ પણ જાણો
એનટીએના જણાવ્યા અનુસાર અમુક લોકો વિદ્યાર્થીઓને નકલી પ્રશ્નપત્રો ઉપલબ્ધ કરાવવા માટે ટેલિગ્રામનો ઉપયોગ કરતા હતા. આ એપના મેસેજ એડિટ ફીચરને પણ અસ્થાયી રૂપે 30 જૂન સુધી બંધ કરવામાં આવ્યું છે. આ ફિચરનો ઉપયોગ કરી જૂના મેસેજમાં એડિટિંગ કરીને નકલી પ્રશ્નપત્રો આપવામાં આવતા હતા. ટેલિગ્રામના ગેરકાયદેસરરીતે ઉપયોગથી પેપરલીકથી ફિલ્મ પાયરસી જેવા મામલા પ્રકાશમા આવ્યા છે.
ટેલિગ્રામના ભારતમાં કેટલા યુઝર્સ?
ભારતમાં આ એપનો ઉપયોગ ઝડપથી દિવસે-દિવસે વધતો જાય છે. જેમાં આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપનો વપરાશ સૌથી વધારે ગેરકાયદેસર રીતે કરવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં કુલ ટેલિગ્રામ વપરાશકર્તામાં એકટીવ યુઝર્સ 104.04 મિલિયન જેટલા છે. ગુગલ પ્લે સ્ટોર દ્વારા 100 કરોડથી વધારે એન્ડ્રોઇડ યુઝર્સ આ એપને ડાઉનલોડ કરી છે. બીજી તરફ એપલ સ્ટોર પર આ એપ સોશિયલ નેટવર્કિંગ એપમાં 5માં સ્થાન પર છે.
ટેલિગ્રામ એપ પર શું શું થઇ રહ્યું છે?
ભારતમાં ટેલિગ્રામ એપનો ઉપયોગ ચેટિંગ અને ફાઈલ શેરિંગમાં થતો હોય છે. બીજી તરફ આ પ્લેટફોર્મનો ઉપયોગ ગેરકાયદેસરરીતે પણ થઇ રહ્યો છે. કંપની પણ આ ગંભીર બાબત પર કોઈ કડક પગલું ભરી રહી નથી. કોઈ ફિલ્મ જોવી હોય તો ક્યાં મળશે?
તો, ટેલિગ્રામ પર, પણ કેમ? કારણકે આ એપ પર એવા ઘણા ગ્રુપ છે, જે ફિલ્મો, વેબ સિરીઝ રિલીઝ થતા જ એક લિંકના માધ્યમથી પ્લેટફોર્મ પર શેર કરી દેવામાં આવતી હોય છે. આ મફત વેચાણના લીધે લોકો આ એપ તરફ વધુ આકર્ષિત થાય છે.
ટેલિગ્રામ પર 2GB સુધીની મોટી ફાઈલ પણ સરળતાથી શેર કરી શકાય છે. જેનાથી વિડિઓ અને મોટી ફાઈલોને પણ સરળતાથી મોકલી શકાય છે. આ ગેરકાયદેસર કામોને રોકવા માટે કડક પગલાં ઉપાડવાની તાતી જરૂર છે.
ટેલિગ્રામ એપ બન્યું પેપર લિકનું મંચ
ટેલિગ્રામ મારફતે ગેરકાયદે કામકાજ થઈ રહ્યા છે. હવે આ કાર્યો ફક્ત ફ્રી મુવી ડાઉનલોડ સુધી સીમિત નથી પણ હવે તો આ એપ પર પેપર લીક જેવા ગંભીર ગેરકાયદે કામો પણ થઇ રહ્યા છે, જેથી આ એપ ખોટું કામ કરનારા અપરાધીઓનું મુખ્ય કેન્દ્ર બની ચૂક્યું છે. આ એપ પર કોઈ ચેનલ કે ગ્રુપ બનાવવાવાળી વ્યક્તિ પોતાનો ફોન નંબર અને ઓળખાણ છુપાવી શકે છે. વ્યક્તિની ઓળખાણ બહાર નહીં પડતા તેઓ આવા ગેરકાયદે કામો કરવાના ગેર માર્ગે દોરાય છે.
રીચના કારણે એપ બન્યું ગઢ
આ એપમાં એક વાર ટેલિગ્રામ ચેનલ બનાવી લાખો લોકો એક સાથે જોડાઈ શકે છે, જેમાં ચેનલ સાથે અમર્યાદિત કેટલાય સબસ્ક્રાઈબર જોડાઈ શકે છે, જેના લીધે લાખો લોકો સુધી કોઈ કન્ટેન્ટ આગની જેમ ફેલાય જાય છે.
ટેલિગ્રામ ફાઉન્ડર અને સીઇઓ પાવેલ ડુરોવને 2024માં પેરિસમાં ધરપકડ કરવામાં આવી હતી. પાવેલ ડુરોવ દ્વારા ટેલિગ્રામનો ઉપયોગ ડ્રગ્સ ચોરી અને બાળકોના અશ્લીલ ફોટાઓને ગેરકાયદે રીતે ફેલાવવા માટેના આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.