Mon Oct 05 2026

Logo

તેલંગાણામાં માનવતા શરમાઈ! ૧૦૦ જેટલા નિર્દોષ શ્વાનોને ઝેર આપી મોતને ઘાટ ઉતારાયા

2026-03-14 22:24:00
Author: Devayat Khatana
તેલંગાણામાં માનવતા શરમાઈ! ૧૦૦ જેટલા નિર્દોષ શ્વાનોને ઝેર આપી મોતને ઘાટ ઉતારાયા

હૈદરાબાદ: રખડતા શ્વાન મુદ્દે કોર્ટની ટીપ્પણી બાદ ચાલેલી આખી લડતમાં જીવદયાની મિસાલ જોવા મળી હતી. ત્યારે તેલંગાણામાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં અંદાજે ૧૦૦ જેટલા રખડતા શ્વાનોને કથિત રીતે ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટનાને પગલે પ્રાણીપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની વિગતો મુજબ, ‘સ્ટ્રે એનિમલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા’ (NGO) સાથે જોડાયેલા પ્રાણી કલ્યાણ કાર્યકર્તાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ૭ અને ૮ માર્ચની મધ્યરાત્રિ દરમિયાન કિશ્તાપુર ગામમાં આ અરેરાટીભર્યું કૃત્ય આચરવામાં આવ્યું હતું. સામુહિક રીતે આટલી મોટી સંખ્યામાં શ્વાનોની હત્યાના અહેવાલથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે કિશ્તાપુર ગામના સરપંચ અને ગ્રામ પંચાયત સચિવે આ કૃત્ય માટે બે વ્યક્તિઓને ભાડે રાખ્યા હતા. આ શ્વાનોને કથિત રીતે ઝેરી ઇન્જેક્શન આપીને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના મૃતદેહોને નદી કિનારે દાટી દેવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ આ મામલે પુરાવા એકત્ર કરી રહી છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.