Mon Jul 27 2026

Logo

ટીસીએસમાં મહિલાઓ સાથે જાતીય સતામણીના કથિત બનાવોની તપાસ માટે એનસીડબ્લ્યુની પેનલ

2026-04-15 20:26:13
Author: Vipul Vaidya
Article Image

નવી દિલ્હી: રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ)એ બુધવારે જણાવ્યું હતું કે તેમણે નાશિક, મહારાષ્ટ્રમાં આવેલી ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)ના બીપીઓ યુનિટમાં કર્મચારીઓ સાથે થયેલા જાતીય સતામણીના કથિત બનાવોની તપાસ માટે એક તથ્ય શોધક સમિતિની રચના કરી છે.

એક નિવેદનમાં આયોગે જણાવ્યું હતું કે પેનલ 17 એપ્રિલે સ્થળ પર તપાસ કરવા, ઘટના તરફ દોરી જતી પરિસ્થિતિઓની તપાસ કરવા અને અધિકારીઓના જવાબ નોંધવા માટે સુવિધાની મુલાકાત લેશે. ‘રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ)એ નાસિક, મહારાષ્ટ્રમાં ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)ના બીપીઓ યુનિટમાં મહિલાઓ સાથે થયેલા જાતીય સતામણીના કથિત બનાવો અંગેના ગંભીર મીડિયા અહેવાલોનું સ્વત: સંજ્ઞાન લીધું છે,’ એમ આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે. 

‘આ બાબતને ગંભીરતાથી લેતા, કમિશને રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ, 1990ની કલમ 8 હેઠળ પોતાની સત્તાઓનો ઉપયોગ કરીને, ઘટનાની વિગતવાર તપાસ કરવા માટે એક તથ્ય શોધક સમિતિની રચના કરી છે. સમિતિ 17 એપ્રિલે ઘટના સ્થળની મુલાકાત લેશે,’ એમ તેમાં જણાવવામાં આવ્યું હતું. 

ધાર્મિક પ્રથાઓ સંબંધિત ફરિયાદના આધારે શરૂ કરાયેલી પ્રારંભિક તપાસ દરમિયાન સામે આવેલા આરોપોમાં સુપરવાઇઝરી ભૂમિકામાં રહેલા ચોક્કસ વ્યક્તિઓ દ્વારા જાતીય સતામણી, બળાત્કાર અને મહિલા કર્મચારીઓના બળજબરીથી ધર્મ પરિવર્તનના પ્રયાસોના દાવાઓનો સમાવેશ થાય છે, એમ કમિશને જણાવ્યું હતું.

સમિતિમાં બોમ્બે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ સાધના જાધવ, હરિયાણાના ભૂતપૂર્વ ડીજીપી બી. કે. સિંહા, સુપ્રીમ કોર્ટના વકીલ મોનિકા અરોરા અને એનસીડબ્લ્યુના સિનિયર કો-ઓર્ડિનેટર લીલાબતીનો સમાવેશ થાય છે. (પીટીઆઈ)