અમદાવાદઃ તાપી જિલ્લાના બાજીપુરા ગામની સીમમાં સુરત–ધુલિયા માર્ગ પર લગભગ 12 વાગ્યાના અરસામાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જોકે જાનહાનિ થઈ ન હતી, પરંતુ વાહનોને ભારે નુકસાન થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ હાઇવે ઓથોરિટી દ્વારા માર્ગ મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હોવાથી એક તરફનો રસ્તો બંધ રાખી બીજી તરફથી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો હતો.
આ દરમિયાન જીજે 07 વાયઝેડ 6744 નંબરનો ડમ્પર પૂરઝડપે અને બેફામ રીતે આવી પહોંચ્યો હતો. માર્ગ પર આગળ મેન્ટેનન્સને કારણે એક પછી એક કારો ઊભી હોવા છતાં ડમ્પરે સમયસર નિયંત્રણ ન રાખતા પાછળથી સાત જેટલી કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં તમામ કારને ભારે નુકસાન થયું હતું. આ બનાવમાં હેરિયર કારમાં સવાર ભરતભાઈ ધીરુભાઈ ધુમ્મરને માથાના પાછળના ભાગે ઈજા પહોંચી હતી જ્યારે તેમની સાથે રહેલા જગદીશભાઈ ખૂટને પણ શરીરે ઇજાઓ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પાછળથી અકસ્માતમાં અથડામણના કારણે કારની આગળ-પાછળના ભાગોમાં ગંભીર નુકસાન નોંધાયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે સોનગઢના સ્ટેશન રોડ સ્થિત અવતાર રેસીડેન્સીમાં રહેતા ધીરજ દિનેશભાઈ પાટીલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અકસ્માતમાં ઘણી મોંઘી ગાડીઓને નુકસાન પહોંચ્યું હતું. આ બનાવને પગલે સ્થાનિકોમાં ટ્રાફિક નિયંત્રણ અને અમલના અભાવની ફરિયાદો ઊઠી હતી.