Fri Aug 28 2026

Logo

તાપીમાં સબસિડીના બદલામાં 6,000 રુપિયાની લાંચ લેતા મત્સ્યોદ્યોગના અધિકારી ઝડપાયા...

2026-03-16 20:25:56
Author: Tejas Soni
તાપીમાં સબસિડીના બદલામાં 6,000 રુપિયાની લાંચ લેતા મત્સ્યોદ્યોગના અધિકારી ઝડપાયા...

તાપી: સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે સામાન્ય જનતાએ લાંચ આપવી પડતી હોવાની બૂમરાણ વચ્ચે તાપી એસીબીએ એક ભ્રષ્ટ અધિકારીને પકડ્યા છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉકાઈ ખાતે ગોઠવેલા છટકામાં અધિકારી રંગે હાથ પકડાયો છે, જેનાથી સમગ્ર વહીવટી અધિકારીઓ હરકતમાં આવી ગયા છે.

તાપી જિલ્લાના ઉકાઈમાં આવેલી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીમાં ફરજ બજાવતા મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક તેજસભાઈ રમેશભાઈ ચૌધરી એસીબીની જાળમાં ફસાયા હતા. સરકારની યોજના અંતર્ગત માછીમારોને બાઇક અને ઇન્સ્યુલેટેડ બોક્સ ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે. આ સબસિડી મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાની કાર્યવાહીના બદલામાં તેજસ ચૌધરી પાસેથી રૂ. 6000ની લાંચ માંગી હતી.

એસીબીને અગાઉથી માહિતી મળી હતી કે આ કચેરીમાં સબસિડીના કામ માટે રૂ. 5,000થી 8000 સુધીની લાંચ લેવામાં આવે છે. આ માહિતીની ખરાઈ કરવા માટે વ્યારા એસીબીની ટીમે એ જાગૃત નાગરિકનો સહયોગ લઈને છટકું ગોઠવ્યું હતું અને આજે જ્યારે આક્ષેપિત અધિકારીએ પોતાની ઓફિસમાં જ લાંચની રકમ સ્વીકારી ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ પકડી પાડ્યા હતા. અધિકારી પાસેથી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી હતી.

આ સમગ્ર ઓપરેશન સુરત એસીબીના મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના સુપરવિઝન હેઠળ અને વડોદરા એસીબીના નાયબ નિયામક બળદેવ દેસાઈ (IPS) ના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. એસીબીએ કાયદેસરની ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સરકારી યોજનાઓના નામે ઉઘાડી લૂંટ ચલાવતા તત્વો સામે આ કાર્યવાહી એક લાલબત્તી સમાન છે.

વધુ જુઓ...