Wed May 20 2026

Logo

વિજયને CM બન્યે 10 દિવસ થયા નથી ને ડખા શરૂ, કોણે આપી ટેકો પાછો ખેંચવાની ધમકી ?

2026-05-20 10:33:00
Author: Mayur Kumar Patel
Article Image

નવી દિલ્હીઃ તમિલનાડુના મુખ્ય પ્રધાન બન્યાને વિજયને 10 થયા નથી. આ દરમિયાન પાર્ટીમાં ડખા શરૂ થયા છે. આ દરમિયાન TVK સરકારને બહારથી સપોર્ટ કરતી માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M)એ ટેકો પાછો ખેંચવાની ધમકી આપી છે.

CPI-Mએ સ્પષ્ટ કરી દીધું છે કે જો TVK એ મુખ્ય વિરોધ પક્ષ AIADMK સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરી અથવા તેમને કેબિનેટમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો, તો તેઓ પોતાના નિર્ણય પર તરત જ પુનર્વિચાર કરશે.

સૂત્રોએ જણાવ્યું કે, ટીવીકે પ્રમુખ વિજયને તેમના ચૂંટણી વચનોની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે, તમિલનાડુની જનતાએ આ વખતે સત્તાધારી DMK અને અગાઉની AIADMK બંનેની વિરુદ્ધ જઈને એક સ્પષ્ટ અને નવો જનાદેશ આપ્યો હતો. ડાબેરી પક્ષો અને VCK એ માત્ર રાજ્યમાં જનતા દ્વારા ચૂંટાયેલી એક સ્વચ્છ સરકાર બની શકે તે માટે બહારથી સમર્થન આપવાનો નિર્ણય કર્યો હતો.

CPI-M સૂત્રોએ વિજય પર નિશાન સાધતા કહ્યું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે શાસનને સંપૂર્ણપણે સાફ કરવા અને ભ્રષ્ટાચાર મુક્ત વિકલ્પ આપવાનું વચન આપ્યું હતું. આવા સંજોગોમાં જો તેઓ સરકાર ચલાવવા માટે AIADMK નો સહારો લે છે અથવા તેમના નેતાઓને કેબિનેટમાં મંત્રી પદ આપે છે, તો તે સીધી રીતે તમિલનાડુની જનતા સાથે દગો અને જનાદેશનું અપમાન ગણાશે.

સૂત્રોએ ઉમેર્યું કે, મને વિશ્વાસ છે કે ટીવીકે નેતૃત્વ આ હદ સુધી નહીં જાય. પરંતુ જો AIADMK ને સરકારનો હિસ્સો બનાવવા કે તેમની મદદથી સરકાર ચલાવવાનો પ્રયાસ કરશે તો તેઓ ટેકો પાછો ખેંચવા વિચારણા કરશે અને સરકાર સંકટમાં આવી શકે છે. આ નિવેદન બાદ તમિલનાડુના રાજકારણમાં હલચલ તેજ થઈ છે અને તમામની નજર સીએમ વિજયના આગામી પગલા પર રહેશે.