Fri Jun 19 2026

Logo

પાકિસ્તાન સામેની મેચમાં અભિષેક શર્મા રમી શકશે? જાણો કેવી છે તેની તબિયત

2026-02-13 11:38:00
Author: Savan Zalariya
Article Image

દિલ્હી: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ગઈ કાલે ભારતીય ટીમે નામિબિયા સામે જીત મેળવી. હવે ભારતીય ટીમનો મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 15 ફેબ્રુઆરીના દિવસે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડીયમમાં થશે, એ પહેલા ભારતીય ટીમ માટે ચિંતાજનક સમાચાર છે. ભારતના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માની તબિયત હજુ સુધી સારી થઇ શકી નથી, તે પાકિસ્તાન સામે રમી શકાશે કે નહીં એ હજુ નક્કી નથી.

અહેવાલ મુજબ અભિષેક શર્માને પેટમાં ઇન્ફેકશન થયું છે, યુએસ સામેની મેચ બાદ પેટમાં દુઃખાવા સાથે તેને તાવ ચડ્યો હતો. અભિષેકને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બે દિવસ હોસ્પિટલમાં સારવાર બાદ બુધવારે તેને રજા આપવા આવી હતી.

ગઈ કાલે ગુરુવારે નામિબિયા સામેની મેચ પહેલા ભારતીય ટીમના પ્રેક્ટીસ સેશન વખતે અભિષેક હાજર રહ્યો હતો, જોકે  પ્રેક્ટીસ કરી ન હતી. અહેવાલ મુજબ તેને હજુ પણ અશક્તિ છે, તેનો વજન પણ ઘટી ગયો છે.

સાથી ખેલાડીઓએ શું કહ્યું?
ગઈ કાલે નામિબિયા સામેની મેચ પહેલા ટોસ સમયે, ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે અભિષેક હજુ પણ સંપૂર્ણપણે ઠીક નથી, તેને એક કે બે મેચમાં બહાર બેસવું પડશે.

મેચ બાદ વરુણ ચક્રવર્તીએ કહ્યું, "જ્યાં સુધી મારી તેની સાથે વાત થઇ છે, તે સારું  છે. તેણે આજે થોડી પ્રેક્ટિસ પણ કરી હતી, તેણે મને કહ્યું કે તે સ્વસ્થ થઇ રહ્યો છે." 

પાકિસ્તાન સામે રમવા અંગે સસ્પેન્સ:
રવિવારે પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતીય ટીમ કોલંબોમાં પ્રેક્ટીસ કરશે, અભિષેકનો આ સેશનમાં ભાગ લેશે એ દરમિયાન તેની ફિટનેસ પર ટીમ મેનેજમેન્ટની નજર રહેશે. સામાન્ય રીતે પેટના ઇન્ફેકશન બાદ કોઈ વ્યક્તિને સ્વસ્થ થવામાં થોડા દિવસો લાગે છે, અને વર્લ્ડ કપ સ્તરની મેચ રમવા માટે શક્તિ ફરી મેળવવામાં વધુ સમય લાગે છે.

નામિબિયા સામેની મેચમાં અભિષેક જગ્યાએ સંજુ સેમસને ઇશાન કિશન સાથે ઇનિંગની ઓપનિંગ કરી હતી. જો અભિષેક પાકિસ્તાન સામે ન રમી શકે કે તો સંજુ અને ઇશાનની જોડી જ ઓપનીંગ કરતી જોવા મળશે.