પ્રયાગરાજ: આજે વસંત પંચમી છે અને માઘ મેળામાં આજે વસંત પંચમીના પવિત્ર સ્નાન પર્વ પર જગદગુરુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સંગમમાં ડૂબકી લગાવશે કે તેમનું ધરણા પ્રદર્શન ચાલુ રાખશે, તેને લઈને હજુ પણ સ્થિતિ અસ્પષ્ટ છે. આ વિવાદના મૂળ મૌની અમાસના દિવસે થયેલા તે ટકરાવમાં રહેલા છે, જેણે મેળા પ્રશાસન અને સ્વામીજી વચ્ચે વિખવાદ જન્માવ્યો હતો. સ્વામીજીએ હાલમાં વસંત પંચમી પર સ્નાન ન કરવાના સંકેત આપીને પ્રશાસન સામે પોતાનો રોષ યથાવત રાખ્યો છે.
ત્રિવેણી માર્ગ પર સ્થિત પોતાના શિબિર બહાર પત્રકારો સાથે વાતચીત કરતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પ્રશ્ન કર્યો હતો કે, "વસંત પંચમી પર અમે કેવી રીતે સ્નાન કરી શકીએ?" તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે જો તેઓ સ્નાન કરવા જશે, તો તેમના અનુયાયીઓને ફરીથી પકડીને માર મારવામાં આવશે અને તેમને અપમાનિત કરવામાં આવશે. સ્વામીજીએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પોતે લેખિતમાં ખાતરી નહીં આપે કે તેમની સાથે કંઈ ખોટું નહીં થાય, ત્યાં સુધી આ બાબતે વાત આગળ વધશે નહીં.
સ્વામીજીએ આક્ષેપ કર્યો છે કે જે અધિકારીઓએ ગેરવર્તણૂક અને મારપીટ કરી છે, તેમની સામે કોઈ પગલાં લેવાને બદલે તેમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રશાસન દ્વારા તેમને મળેલી બે નોટિસ અંગે તેમણે જણાવ્યું કે બંનેના જવાબ આપી દેવાયા છે. બીજી નોટિસમાં શિબિરની સુવિધાઓ છીનવી લેવાની વાત કરવામાં આવી છે, જેના પર સ્વામીજીએ આકરા પ્રહારો કરતા કહ્યું કે, "સુવિધા રદ કરવી એ તેમનો વિશેષાધિકાર હોઈ શકે, પણ તેમણે જવાબ આપવો પડશે કે પહેલા શિબિર કેમ વસાવી અને હવે સુવિધાઓ કેમ છીનવી રહ્યા છે?