Sun Sep 13 2026

Logo

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: પૂર્વ કલેક્ટર વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ

2026-03-06 18:38:54
Author: Devayat Khatana
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: પૂર્વ કલેક્ટર વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનને બિનખેતી કરવાની પ્રક્રિયામાં થયેલી કરોડોની ગેરરીતિ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ  વિરુદ્ધ સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

ઇડીના આરોપ મુજબ, આ સમગ્ર કૌભાંડમાં અંદાજે 9 કરોડ રૂપિયાથી વધુની શંકાસ્પદ નાણાકીય લેવડદેવડ થઈ હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે, જમીન રૂપાંતરણની મંજૂરી આપતી વખતે નિયમોને નેવે મૂકીને અમુક ચોક્કસ લોકોને લાભ પહોંચાડવા માટે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો.

આ આખું પ્રકરણ અંદાજે 1500 કરોડ રૂપિયાથી વધુની કિંમતની જમીનોને ગેરકાયદે રીતે બિનખેતી કરવા સાથે સંકળાયેલું હોવાનું માનવામાં આવી રહ્યું છે. તપાસ એજન્સીએ દસ્તાવેજો, સરકારી ફાઈલો અને મની લોન્ડરિંગના પાસાઓની ઊંડી તપાસ કર્યા બાદ બંને અધિકારીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્ર કર્યા હોવાની વિગતો મળી હતી.

ખાસ કરીને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ભૂમિકા પણ આ પ્રક્રિયામાં શંકાસ્પદ જણાતા તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલમાં તપાસ એજન્સી આ કેસમાં સંકળાયેલા અન્ય લોકો અને નાણાકીય વ્યવહારોના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ ચલાવી રહી છે.