Sun Sep 06 2026

Logo

ઑનલાઈન ગેમ મામલે પિતાએ ઠપકો આપતા સુરતમાંથી ત્રણ સગીર સંતાન ગૂમ

2026-05-21 20:07:43
Author: Pooja Shah
ઑનલાઈન ગેમ મામલે પિતાએ ઠપકો આપતા સુરતમાંથી ત્રણ સગીર સંતાન ગૂમ

અમદાવાદઃ સુરત શહેર પોલીસે મંગળવારે વહેલી સવારે પંડોળ વેદ રોડ વિસ્તારમાંથી ગુમ થયેલા ત્રણ સગીર ભાઈ-બહેનો માટે શોધખોળ શરૂ કરી હતી. આ ઘટના સહયોગ પાવર લૂમ્સ સોસાયટીમાં બની હતી, જ્યાં બાળકોના પિતાએ મોડી રાત સુધી ફ્રી ફાયર ગેમ રમવા બદલ તેમને ઠપકો આપ્યો હતો, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. 

ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) મુજબ,  મૂળ બિહારના વતની ફરિયાદી ધર્મેન્દ્રકુમાર રામચંદ્ર નાથે, પોલીસને જણાવ્યું હતું કે તેમના બાળકો 18 મે, 2026 ની રાત્રે મોબાઇલ ફોન પર ફ્રી ફાયર ગેમ રમી રહ્યા હતા. તેમને ઠપકો આપ્યા પછી અને ફોન છીનવી લીધા પછી, પરિવાર સૂઈ ગયો હતો. 

જોકે, ૧૯ મેના રોજ સવારે ૧:૩૦ થી ૫:૩૦ વાગ્યાની વચ્ચે, ત્રણ બાળકો બે દીકરા અને એક દીકરી કોઈને પણ જાણ કર્યા વિના ઘરની બહાર નીકળી ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમની મોટી બહેનને સવારે ૫ વાગ્યાની આસપાસ ત્રણેય ઘરમાં ન હોવાનો ખ્યાલ આવ્યો હતો. 

પોલીસે ગુમ થયેલા બાળકોની ઓળખ ધર્મેશકુમાર (૧૪), અવધેશકુમાર(૧૧), પિંકી (9) તરીકે કરી હતી. આસપાસના વિસ્તારો, સ્થાનિક ઉદ્યાનો અને સંબંધીઓના ઘરોમાં શોધખોળ કર્યા પછી પણ સફળતા ન મળતા, પિતાએ 20 મેના રોજ ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી.

ચોક બજાર પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની કલમ 137(2) હેઠળ કેસ નોંધ્યો હતો, જે અપહરણને લગતી છે. એફઆઈઆર મુજબ, પોલીસને શંકા છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમને ફસાવી દીધા હશે. પોલીસે ગુમ થયેલા બાળકોના ઠેકાણા અંગેની કોઈપણ માહિતી તાત્કાલિક શેર કરવા માટે લોકોને અપીલ કરી હતી.