કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છની પુરાતન નગરી ધોળાવીરા નજીક: મોરબી સુધી અસર
ભુજઃ જન્માષ્ટમીનું પર્વ ધામધૂમથી ઉજવાયા બાદ, રવિવારે બપોરે પૂર્વ કચ્છના ધોળાવીરા પંથકમાં ૩.૯ની રિક્ટર સ્કેલની તીવ્રતાવાળા ભૂકંપે હાજરી પુરાવતાં ફરી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે, હજુ સાતમના તહેવારના દિવસે જ કચ્છમાં ભૂકંપના બે આંચકા નોંધાયા હતા, ત્યારે આ રવિવારના આંચકાએ કચ્છમાં ધરતીના પેટાળમાં વધી રહેલી હલચલને લઈને લોકોમાં ચિંતા ઘેરી બની છે.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીના સત્તાવાર પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, રવિવારની બપોરે ૨ અને ૫૪ મિનિટે આવેલા આ ૩.૯ની તીવ્રતાવાળા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી ૧૯ કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપનો આ આંચકો જમીનથી માત્ર ૧૫ કિલોમીટરની ઓછી ઊંડાઇએ ઉદભવ્યો હોવાથી તેની અસર વધુ તીવ્રતાથી અનુભવાઈ હતી અને છેક સુરજબારી પુલને પાર માળીયા-મિયાણા અને મોરબી સુધી ભૂકંપની ધ્રુજારી અનુભવાઈ હતી. આ ઉપરાંત પાકિસ્તાનના સિંધ પ્રાંત આસપાસના વિસ્તારોમાં પણ આ આંચકાની હળવી અનુભૂતિ થવા પામી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે હજુ ત્રણ દિવસ પહેલાં જ સાતમના સપરમા દિવસે કચ્છમાં ૩.૬ અને ૩ની તીવ્રતાના ભૂકંપના બે આંચકા નોંધાયા હતા. રવિવારના આંચકાથી મકાનોના બારી-બારણાં, અભેરાઈ પર પડેલાં વાસણો ખખડી ઉઠયા હતાં. કાચા-પાકા મકાનોમાં લાગેલા સીલિંગ ફેન હાલક-ડોલક થતા લોકો ગભરાટના માર્યા મકાનોની બહાર નીકળી ગયા હતા.
કચ્છની ધરતીને સતત ધ્રુજાવી રહેલા ભૂકંપના આંચકાઓના કેન્દ્રબિંદુ મોટેભાગે વાગડ ફોલ્ટલાઇનની આસપાસના જ રહ્યા છે જેમાં ભચાઉ, ફતેહગઢ, રાપર, કરમરીયા અને પ્રાચીન નગર ધોળાવીરાનો, ઉપરાંત સૌરાષ્ટ્રના ઉના અને ઉપલેટાનો પણ સમાવેશ થાય છે. ૩થી કરી ૩.૭ સુધીની તીવ્રતાના સંખ્યાબંધ આંચકાઓ સમયાંતરે નોંધાતા રહે છે.