સુરતઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતીલાલાઓએ ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું હતું. ડાયમંડ સિટીમાં સરેરાશ 59.21 ટકા મતદાન થયું હતું. શહેરમાં આંજણા-ડુંભાલ વોર્ડમાં સૌથી વધુ 73.22% અને પુણા (પશ્ચિમ) વોર્ડમાં સૌથી ઓછું 48.52% ટકા મતદાન થયું હતું. 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)એ 27 સીટ જીતી હતી. જ્યારે કોંગ્રેસ ખાતું પણ ખોલી શકી નહોતી. આ વખતે AAP કેટલી સીટ મેળવશે તેના પર સૌની નજર છે. ગત ચૂંટણીમાં AAPને પાટીદારોની વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી બેઠકો મળી હતી.
ચૂંટણી પ્રચાર દરમિયાન સી આર પાટીલે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ગયા વખતે અચાનક 27 બેઠકો મેળવીને જે દેખાવ કર્યો હતો, તે માત્ર એક સંજોગ હતો. તેમણે પડકાર ફેંકતા કહ્યું કે, હું આપના નેતાઓને ચેલેન્જ આપું છું કે જો તાકાત હોય તો આ 27 સીટો જાળવી બતાવો. પાટીલે ઉમેર્યું કે, જે લોકોએ 'આપ'ને મત આપ્યા હતા, તેઓ આજે પસ્તાઈ રહ્યા છે. પાટીલના મતે આમ આદમી પાર્ટીના કાર્યકરોની કામ કરવાની પદ્ધતિથી જનતા કંટાળી ગઈ છે અને આ વખતે ભાજપ આ તમામ બેઠકો પર ભગવો લહેરાવશે.
સુરતના કયા વોર્ડમાં કેટલું થયું મતદાન
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 30 વોર્ડ છે. જહાંગીરપુરા-વરીયાવ-છાપરા-કોસાડમાં 59.31 ટકા, અમરોલી-મોટા વરાછા-કઠોરમાં 56.85 ટકા, વરાછા-સરથાણા-સીમાડા-લસકાણામાં 56.5 ટકા, કાપોદ્રામાં 55.29 ટકા, ફૂલપાડા-અશ્વિનીકુમારમાં 56.26 ટકા, કતારગામમાં 57.45 ટકા, કતારગામ-વેડમાં 58.86 ટકા, ડભોલી સિંગણપોરમાં 63.55 ટકા, રાંદેર-જહાંગીરબાદ-પાલનપુરમાં 59.24 ટકા, અડાજણ-પાલ-ઈચ્છાપોરમાં 51.35 ટકા, અડાજણ-ગોરાટમાં 56.74 ટકા, નાણાવટ-સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરામાં 65.08 ટકા, વાડીફળિયા-નવાપુરા-બેગમપુરા-સલાબતપુરામાં 66.52 ટકા, ઉમરવાડા-માતાવાડીમાં 58.29 ટકા, કરંજ-મગોબમમાં 51.98 ટકા મતદાન થયું હતું.
પુણા(પશ્ચિમ)માં શહેરનું સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. અહીં 48.52 ટકા મતદાન થયું હતું. પુણા (પૂર્વ)માં 55.69 ટકા, લિંબાયત-પરવટ-કુંભારિયામાં 66.78 ટકા,આંજણા-ડુંભાલમાં 73.22 ટકા, ખટોદરા-મજુરા-સગરામપુરામાં 60.32 ટકા, સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદમાં 53.77 ટકા, ભટાર-વેસુ-ડુમસમાં 51.66 ટકા, બમરલી-ઉધના (ઉત્તર)માં 57.1 ટકા, ઉધના (દક્ષિણ)માં 64.8 ટકા, લીંબાય-ઉધના યાર્ડમાં 69.97 ટકા, ગોડાદરા-ડીંડોલી (ઉત્તર)માં 61.61 ટકા, ડીંડલી (દક્ષિણ)માં 56.81 ટકા, પાંડેસરા-ભેસ્તાનમાં 66 ટકા, અલથાણ-બમરોલી-વડોદમાં 57.56 ટકા, કનસાડ-સચિન-ઉન-આભવામાં 65.32 ટકા મતદાન થયું હતું.