Sat Aug 29 2026

Logo

સુરતમાં નકલી ઘી બનાવવાનું રેકેટ ઝડપાયું; 2,029 કિલોનો સ્ટોક જપ્ત, બેની ધરપકડ

2026-04-16 18:24:43
Author: Pooja Shah
સુરતમાં નકલી ઘી બનાવવાનું રેકેટ ઝડપાયું; 2,029 કિલોનો સ્ટોક જપ્ત, બેની ધરપકડ

અમદાવાદઃ  સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં નકલી ઘી બનાવતા એકમ પર દરોડો પાડ્યો હતો. ગુજરાતમાં સતત ભેળસેળવાળી ફૂડ આઈટમ્સ મળતી રહે છે. 
ગુપ્ત માહિતીના આધારે, અધિકારીઓએ સબકા ફૂડ્સ નામથી ચાલતા એકમ પર દરોડો પાડ્યો હતો અને ઉત્પાદન માટે વપરાતી મશીનરી સહિત આશરે 2,029 કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘી જપ્ત કર્યું હતું. મશીનરી સહિત જપ્ત કરાયેલી સામગ્રીની કુલ કિંમત ₹36 લાખ હોવાનો અંદાજ છે, જેમાં નકલી ઘીની કિંમત ₹15 લાખ છે. 

આ કેસના સંદર્ભમાં ભરત પોલારા અને અમીન વઢવાણિયા નામના બે આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે તેઓ પામ તેલ અને વનસ્પતિ ઘીને કૃત્રિમ સાર અને વિવિધ રાસાયણિક પદાર્થો સાથે ભેળવીને નકલી ઉત્પાદન બનાવી રહ્યા હતા.

સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું હતું કે ઉત્પાદન માંગ અનુસાર કરવામાં આવ્યું હતું. વેપારીઓ ભેળસેળયુક્ત ઘીના વિવિધ ગ્રેડનો ઓર્ડર આપી શકતા હતા, જેમાં સંપૂર્ણપણે તેલમાંથી બનેલા સસ્તા પ્રકારોથી લઈને ઓછી માત્રામાં અસલી ઘી ધરાવતા મોંઘી પ્રોડેક્ટનો પણ સમાવેશ થતો હતો. 

આ ગેરકાયદે ફેક્ટરી છેલ્લા બે વર્ષથી કાર્યરત હતી, જે નકલી ડેરી ઉત્પાદનો માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે સેવા આપી રહી હતી. નકલી ઉત્પાદનોને 'વિદુર ગાય ઘી' અને 'દેશી ઘી' રીતે પેક કરીને વેચવામાં આવતા હતા, જેમાં નાના પાઉચથી લઈને 15 કિલોના કન્ટેનરનો સમાવેશ થાય છે.

અધિકારીઓને શંકા હતી કે સપ્લાય નેટવર્ક સુરતથી આગળ ગુજરાત અને અન્ય રાજ્યોના ઘણા જિલ્લાઓ સુધી ફેલાયેલું હતું, જેમાં ખરીદદારોને ગેરમાર્ગે દોરવા માટે આકર્ષક પેકેજિંગનો ઉપયોગ કરવામાં આવતો હતો.
એસઓજીએ જણાવ્યું હતું કે સિન્ડિકેટએ એક વિશાળ ડિસ્ટ્રીબિયુશન નેટવર્ક સ્થાપ્યું હતું, જે દક્ષિણ ગુજરાત પ્રદેશમાં મોટી સંખ્યામાં વેપારીઓને સપ્લાય કરતું હતું. આ રેકેટમાં સામેલ રિટેલર્સ અને વિતરકોને ઓળખવા માટે વધુ તપાસ ચાલી રહી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.