નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કહ્યું છે લગ્ન પૂર્વે સહમતીથી શારીરિક સંબંધો સામાન્ય બન્યા છે. તેમજ પગલે બે અવિવાહિત લોકોના આવા સંબંધોને કોઇ વ્યકિતના ખરાબ ચારિત્ર્યનું સર્ટિફિકેટ ના માની શકાય. આ અંગે તેલંગાણામાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી સંબંધિત કેસમાં ઉમેદવાર ગજુલા તિરુપતિની તરફેણમાં ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટની બેન્ચે આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી.
લગ્નની લાલચ આપીને યુવતી સાથે શારીરિક સબંધ બાંધ્યાનો આરોપ
આ સમગ્ર કેસની વિગતો મુજબ ઉમેદવાર ગજુલા તિરુપતિનું પસંદગી તેલંગાણામાં પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે થઇ હતી. પરંતુ બાદ તેની પસંદગી રદ કરવામાં આવી હતી. જેમાં સિલેક્શન બોર્ડને માલુમ પડ્યું હતું કે તે ક્રિમીનલ કેસનો આરોપી રહી ચૂક્યો છે. જેમાં તેની પર આરોપ હતો કે તેણે પાડોશ રહેતી યુવતી સાથે લગ્નની લાલચ આપીને વર્ષો સુધી શારીરિક સબંધ બાંધ્યા હતા. પરંતુ તેણે બીજી યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેમજ આ સમગ્ર કેસનો વર્ષ 2015માં લોક અદાલતમાં સમજૂતીથી નિકાલ કરવામાં આવ્યો હતો.
ફોજદારી કેસની વિગતો સ્વેચ્છાએ જાહેર કરી હતી
આ ઉપરાંત ઉમેદવારે ભરતી સમયે વેરિફિકેશન ફોર્મમાં આ ફોજદારી કેસની વિગતો સ્વેચ્છાએ જાહેર કરી હતી. તેમની સામે હકીકતો છુપાવવાનો કોઈ આરોપ નહોતો. આમ છતાં, ભરતી બોર્ડે તેમને પોલીસ સેવા માટે અયોગ્ય જાહેર કરી અને નૈતિકતા સાથેના ગુનામાં સંડોવાયેલા ગણાવ્યા હતા.
લોક અદાલતમાં થયેલ સમાધાન અપરાધની કબૂલાત નથી
જોકે,આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે ભરતી બોર્ડ ઉમેદવારની યોગ્યતાનું મૂલ્યાંકન કરી શકે છે. પરંતુ તેમનો નિર્ણય મનસ્વી ન હોવો જોઈએ. કોર્ટે જોયું કે આ કિસ્સામાં ભરતી બોર્ડે ભૂલથી ધારી લીધું હતું કે લોક અદાલતમાં થયેલ સમાધાન અપરાધની કબૂલાત સમાન છે. જેનો કોઈ આધાર નહોતો.
પુખ્ત વયના લોકોને સંબંધમાં જોડાવાથી રોકી શકાય તેવો કાયદો નથી
જયારે સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે હાલમાં લગ્ન પૂર્વે જાતીય સંબંધો સામાન્ય બાબત છે. જેના આધારે વ્યક્તિના ચારિત્ર્યનું નકારાત્મક મૂલ્યાંકન કરી શકાય નહિ. બેન્ચે નોંધ્યું કે આવા લગ્ન પહેલાના સંબંધો આજે સામાન્ય છે. બે અપરિણીત પુખ્ત વયના લોકો વચ્ચે સંમતિથી જાતીય સંબંધ વ્યક્તિના ચારિત્ર્ય વિશે અભિપ્રાય બનાવવાનો આધાર ન હોવો જોઈએ. તેમજ સંમતિથી બે અપરિણીત પુખ્ત વયના લોકોને તેમની પસંદગીના સંબંધમાં જોડાવાથી રોકી શકાય તેવો કાયદો નથી.