નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે પબ્લિક ઓથોરિટીની બેદરકારીને કારણે થતા મૃત્યુ અટકાવવા માટે નિર્દેશોની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. બેન્ચે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે જનહિત અરજી ખૂબ વ્યાપક છે અને માંગવામાં આવેલા નિર્દેશોનો અમલ શક્ય બનશે નહીં.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચ એ અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને રાજ્ય અધિકારીઓની બેદરકારીને કારણે થતા મૃત્યુને રોકવા માટે એસઓપી ઘડવા માટે નિર્દેશ આપવાની માંગ કરાઈ હતી જેમાં અસુરક્ષિત માળખાગત સુવિધાઓ, અધૂરા બાંધકામ અને ખરાબ વાયરિંગથી ઈલેક્ટ્રિક શોક લાગવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે તમે ઇચ્છો છો કે અમે આખા દેશને ચલાવીએ. અરજીમાં રસ્તાઓ, પુલો અને ઇલેક્ટ્રિક વાયરિંગ સહિત અન્ય બાબતોને જાળવી રાખીને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે "વ્યાપક" નિર્દેશોની માંગ કરાઈ હતી.
બેન્ચે કહ્યું કે આ અરજી એક "શોપિંગ મોલ" જેવી છે, જેમાં તમામ પ્રકારની રાહતો માંગવામાં આવી છે. ઉઠાવાયેલા મુદ્દાઓ ચોક્કસ ન હોય ત્યાં સુધી એવા નિર્દેશો જાહેર કરવા લગભગ અશક્ય છે જે સંપૂર્ણપણે અનિયંત્રિત હોય.
અમે આ અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરીએ છીએ અને અરજદારને યોગ્ય રીતે મુસદ્દો તૈયાર કરેલી અરજી દ્વારા અધિકારક્ષેત્રની હાઈકોર્ટનો સંપર્ક કરવાની સલાહ આપીએ છીએ."
કોર્ટે કહ્યું કે તે આ મામલાના ગુણદોષ પર ટિપ્પણી કરી રહી નથી. ચીફ જસ્ટિસે અરજદારના વકીલને કહ્યું કે "તમે વ્યાપક નિર્દેશો માંગી રહ્યા છો. અરજીમાં માંગવામાં આવેલા નિર્દેશોના નાણાકીય પરિણામો હશે અને ઉચ્ચ અદાલતો સંબંધિત રાજ્યોના નાણાકીય બાબતોને સમજવા માટે શ્રેષ્ઠ છે. તમે ઇચ્છો છો કે અમે આખો દેશ ચલાવીએ?
ખંડપીઠે કહ્યું કે "તમારી અરજી શોરૂમ કે શોપિંગ મોલ જેવી છે. ખાડા, રસ્તાઓનું સમારકામ, પુલ જેવા અધૂરા બાંધકામો પૂર્ણ કરવાથી લઈને બધું જ છે. તમે જમીન પર કોઈ પણ પ્રકારની રાહતનું નામ લઈ લો આમાં બધું જ છે.
અરજીમાં અધિકારીઓને ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર સલામતી ઓડિટ સમિતિની રચના કરવાનો નિર્દેશ પણ માંગવામાં આવ્યા હતા જેમાં સિવિલ એન્જિનિયરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિષ્ણાતો, ફોરેન્સિક તપાસકર્તાઓ અને નાગરિક સમાજ અને માનવ અધિકાર સંગઠનોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.