Mon Sep 07 2026

Logo

દુષ્કર્મના કેસમાં આસારામને ઝટકોઃ સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો કર્યો ઈનકાર

2026-06-30 15:53:00
Author: Devayat Khatana
દુષ્કર્મના કેસમાં આસારામને ઝટકોઃ સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો કર્યો ઈનકાર

નવી દિલ્હી: સગીરા પર દુષ્કર્મના મામલામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રિમ કોર્ટે આસારામને તાત્કાલિક જામીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આસારામે રાજસ્થાન હાઈ કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના નિર્ણયને પડકારતી આ અરજી પર સુનાવણી કરતા હાલ કોઈ પણ પ્રકારની રાહત આપવાની ના પાડી છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ શીલ નાગૂની ખંડપીઠે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હાલ આસારામની સજા પર કોઈ રોક લગાવવામાં આવી રહી નથી. 
જોકે, અદાલતે આ મામલે રાજસ્થાન સરકારને નોટિસ પાઠવીને બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે જેલ પ્રશાસનને કડક સૂચના આપી છે કે આસારામને જેલમાં જ તમામ જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવે.

સુનાવણી દરમિયાન આસારામ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ડી.એસ. નાયડુએ દલીલ કરી હતી કે આસારામની ઉંમર 90 વર્ષની આસપાસ થઈ ચૂકી છે અને તેઓ અનેક ગંભીર બીમારીઓથી પીડિત છે તેમ જ હાલ તેમનો આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
 
વકીલે કોર્ટ સમક્ષ વિનંતી કરી હતી કે હવે સોશિયલ મીડિયા જ લોકોને દોષિત ઠેરવી રહ્યું છે, આવી સ્થિતિમાં આ કોર્ટ જ તેમની એકમાત્ર આશા છે, તેથી તેમની નાજુક તબિયત અને ઉંમરને ધ્યાનમાં રાખીને જામીન આપવામાં આવે.

જોકે, અદાલતે આ દલીલોને ફગાવતા મૌખિક ટિપ્પણી કરી હતી કે માત્ર ઉંમર કે બીમારીના આધારે અત્યારે જામીન આપી શકાય નહીં. પીઠે જણાવ્યું કે, "અમે અત્યારે જામીન નથી આપી રહ્યા. 

રાજ્ય સરકારનો પક્ષ સાંભળ્યા બાદ જ એ વાત પર વિચાર કરવામાં આવશે કે શું જામીન આપવાની કોઈ ગંભીર જરૂરિયાત છે કે નહીં." કોર્ટે ઉમેર્યું કે ભવિષ્યમાં જો એવી કોઈ ગંભીર સ્થિતિ ઊભી થાય જેમાં આસારામના જીવનને જોખમ હોય, ત્યારે જ જામીન આપવા અંગે વિચારણા કરવામાં આવશે.