સંજય છેલ
જીવન મને વારંવાર પછાડતું રહ્યું, પણ હું દરેક વખતે ફરી ઊભો થયો
ફિલ્મસ્ટાર બનવું સહેલું છે, પણ સારો માણસ બનવું બહુ મુશ્કેલ છે
આવી હૃદયસ્પર્શી વાતો કહેનારા આ સ્ટાર નેતા-અભિનેતા સુનીલ દત્ત 25 મે 2005માં ગુજરી ગયા ત્યારે પાલી હિલના એમના મકાનમાં હજારોની ભીડ હતી. એ ભીડ આંખ પર કાળા ચશ્માં પહેરીને, સ્ટાર્ચ કરેલાં કપડાવાળા ફિલ્મી લોકોની નહોતી,પણ હજારો ગરીબ હિન્દુ-મુસ્લિમ ઝૂંપડપટ્ટીવાળા ઓની હતી. તે બધા રીતસર કલ્પાંત કરતા હતા, છાતી પીટતા હતા.
આખરે બેકાબૂ ભીડ માટે પોલીસ બોલાવવી પડી, પણ એ દુ:ખિયારા લોકોએ ગમે તેમ પણ `બાપ' સમાન માણસના અંતિમ દર્શન કરવાં હતાં. આધુનિક એપાર્ટમેંટના જાડા કાચના દરવાજા લોકોએ તોડી નાખ્યા અને દત્ત સાહેબના મૃતદેહની આસપાસ ઘેરાઈ વળ્યા. મુંબઈનાં બાંદ્રા વિસ્તારના એ ગરીબ લોકો જેમને દત્તસાહેબે વરસો ચૂપચાપ ચૅરિટી કરેલી.
રહેવાનું ઘર, પાણી, મેડિકલની વ્યવસ્થાઓ વગેરે કરી આપેલી. પૉલિટિક્સમાં આવતાં પહેલાં પણ, એમ. પી. બનતાં પહેલાં પણ... મેં અનેક સુપરસ્ટારની અંતિમયાત્રા જોઈ છે પણ આવી લોકનાયક જેવી લોકચાહના ક્યારેય નથી જોઈ.
સુનીલ દત્તનો જન્મ 6 જૂન 1929માં આજના પાકિસ્તાનમાં થયો હતો. દેશના ભાગલા પછી એમનો પરિવાર ઘર, જમીન બધું છોડીને ભારત આવ્યો. ફિલ્મોમાં આવતાં પહેલાં સુનીલ દત્ત `રેડિયો સિલોન'માં કામ કરતા. એમનો અવાજ બહુ લોકપ્રિય હતો. તે કલાકારોના ઇન્ટરવ્યૂ લેતા. એ જ દિવસોમાં નરગિસ સાથે એમની મુલાકાત થયેલી. પછી `મધર ઇન્ડિયા'ના શૂટિગ દરમિયાન બનેલી એક ઘટનાએ બંનેને જીવનભર જોડી દીધાં.
`મધર ઇન્ડિયા' ફિલ્મના શૂટિગ વખતે સેટ પર આગ લાગી. નરગિસ આગમાં ફસાઈ ગયાં. આગના ડરથી શૂટિગ પર હાજર કોઈ નરગિસને બચાવવા જવા તૈયાર નહોતું. ત્યારે સુનીલ દત્ત એ ભયાનક આગમાં ધસી ગયા ને અગ્નિજ્વાળા વચ્ચેથી એમને ઉગારી લીધાં. પછી બંનેનો ગાઢ પરિચય થયો- પ્રેમ થયો અને લગ્ન થયાં. એમના સંબંધમાં માત્ર પ્રેમ નહોતો, ઊંડો વિશ્વાસ હતો.
કહે છે કે નરગિસ બહુ સાદાઈથી જીવતાં. ઘરમાં તે સામાન્ય ગૃહિણીની જેમ રહેતાં. સુનીલ દત્ત પણ ઘરમાં ફિલ્મસ્ટારની જેમ નહીં, એક સામાન્ય પતિની જેમ વર્તતા. એક વખત કોઈએ પૂછ્યું, તમારા ઘરમાં મોટો સ્ટાર કોણ?
સુનીલ દત્તે હસીને કહ્યું, ઘરમાં અમે માત્ર પતિ અને પત્ની છીએ. પણ એમનું સુખ વધારે સમય રહ્યું નહીં. નરગિસને કૅન્સર થયું છે આ વાત સાંભળીને સુનીલ દત્ત અંદરથી હચમચી ગયા. પત્નીની સારવાર માટે અવાર-નવાર અમેરિકાની હૉસ્પિટલોમાં દિવસ-રાત દોડતા. આખી દુનિયાની સફળતા સામે પણ તે સંપૂર્ણ લાચાર બની ગયા હતા. નજીકના લોકો કહે છે કે આંખોમાં ઊંઘ નહીં, ચહેરા પર ડર સાથે હૉસ્પિટલના કૉરિડોરમાં બેઠેલા એ સુપરસ્ટારને જોઈને દયા આવી જાય.
6 મે 1981માં નરગિસ-સુનીલ દત્તના પુત્ર સંજયની પહેલી ફિલ્મ `રોકી' રિલીઝ થવાની હતી, પણ કમનસીબે 3 મે 1981એ નરગિસનું અવસાન થયું. એક મા પોતાના દીકરાની પહેલી ફિલ્મ જોઈ નહીં શકી. આ દુ:ખ સુનીલજીના દિલમાં કાયમ રહી ગયું. નરગિસના ગયા પછી તે ઘણા શાંત થઈ ગયા. એમના હાસ્ય પાછળ હંમેશાં એક દુ:ખ છુપાયેલું રહેતું. એમણે પોતાના દુ:ખને સેવાના કામમાં લગાડી દીધું. એમણે નરગિસ દત્ત ફાઉન્ડેશન શરૂ કર્યું. મુંબઈના બાંદ્રાના પાલી હીલ પર અજંટા આર્ટ થિયેટર પાસે દત્તસાહેબનો નાનકડો બંગલો.
પ્રખ્યાત-કુખ્યાત પુત્ર સંજય દત્ત રાત્રે મિત્રો સાથે પાર્ટી કરી રહ્યો છે. અચાનક દત્તસાહેબ આવી ચઢે છે. મિત્રો પોલીસની રેડ પડી હોય એમ ફટાફટ વિખરાઈ જાય છે, સંજુ પણ આઘોપાછો થઈ જાય છે. દત્તસાહેબ 70મે વર્ષે એક માતાની જેમ રૂમમાંથી સંજુનાં મેલાં કપડાં, સિગારેટનાં ઠૂંઠા, ચાદરો વગેરે સરખાં કરે છે, નોકરને બોલાવે છે ને પછી નિ:સાસા સાથે કહે છે: મેરા મુંડા (દીકરો) કબ બડા હોગા?
મુંબઈ હાઈ કોર્ટમાં સંજય દત્તને બૉમ્બ બ્લાસ્ટ કેસ માટે સજા ફરમાવવામાં આવે છે. હાથકડી પહેરાવી હવાલદારો અનેક મીડિયાવાળાઓ, ચાહકોની વચ્ચેથી સંજુને કોર્ટની લૉબીમાંથી ઘસડીને બહાર લઈ જાય છે. બાપ સુનીલ દત્ત સંજુ પાસે દોડીને જાય છે. હાથકડી અને એના કાંડાઓની વચ્ચે પોતાની આંગળીઓ મૂકી દે છે, જેથી દીકરાને હાથકડીથી ઈજા ન થાય! સંજુ કહે છે, બસ પાપા, રહેને દો. કહી બેઉ ભેટીને રડે છે. પોલીસ વૅનમાં સંજુ નીકળે છે.
દત્તસાહેબ અને એમની દીકરીઓ પોલીસ વૅનનો દૂર સુધી પીછો કરે છે. દરેક સિગ્નલે દત્તસાહેબ નીચે ઊતરીને સંજય દત્તને પોલીસ વૅનની જાળીમાંથી અડવાનો પ્રયત્ન કરે છે. 6 ફૂટનો વૃદ્ધ બાપ, 3 વારનો સાંસદ, લોકલાડીલો નેતા-અભિનેતા હારી જાય છે. ગાડીમાં બેસી પડે છે ને મુંબઈના ટ્રાફિકમાં સંજુની પોલીસ વૅનને ધીમે ધીમે ઓઝલ થતી જોતાં રહે છે.
એક વખત કોઈએ સુનીલજીને પૂછ્યું, તમને દીકરાથી નિરાશા થાય છે? સુનીલ દત્તે ધીમેથી કહ્યું, દીકરો ખોટે રસ્તે જઈ શકે છે, પણ બાપનો પ્રેમ ખોટો નથી હોતો. આ શબ્દોમાં એક પિતાનું તૂટેલું હૃદય હતું.
એમણે સંજય દત્તને ડ્રગ્સની લતમાંથી બહાર કાઢવા માટે વિદેશ સુધી સારવાર કરાવી. સંજય દત્ત જેલમાં હતો ત્યારે બહારથી મજબૂત દેખાતા સુનીલ દત્ત અંદરથી ધીમે ધીમે તૂટી રહ્યા હતા. કદાચ એ જ કારણ હતું કે એમની આંખોમાં એક અજીબ થાક દેખાવા લાગ્યો હતો. આ બધાં દુ:ખો વચ્ચે પણ એમણે સમાજ માટેનું કામ છોડ્યું નહીં.
આ દરમિયાન મુંબઈમાં રમખાણો થયાં ત્યારે તે રસ્તા પર ઊતર્યા. પંજાબમાં આતંકવાદ વધ્યો ત્યારે શાંતિયાત્રા કાઢી. સામાન્ય માણસને મદદ કરવી એમને ગમતી. કોઈ ગરીબ દર્દીને હૉસ્પિટલ માં બેડ ન મળે, કોઈને દવા ન મળે, કોઈ મુશ્કેલીમાં હોય તો સીધા સુનીલ દત્ત પાસે જતા. રાજકારણમાં પણ તે લોકપ્રિય રહ્યા. તે વારંવાર લોકસભામાં જીત્યા. લોકો માટે તે નેતા કરતાં વધારે વિશ્વાસપાત્ર માણસ હતા.
એક વખત એક વૃદ્ધ સ્ત્રી એમની ઑફિસમાં આવી અને રડતાં કહ્યું, મારા દીકરાને હૉસ્પિટલમાં દાખલ નથી કરતા. સુનીલ દત્તે પોતે ફોન કરીને વ્યવસ્થા કરાવી. આવી ઘટનાઓ અસંખ્ય છે. કદાચ એટલા માટે જ લોકો તેમને સ્ટાર નહીં, દિલદાર માણસ કહેતા.
ફિલ્મોમાં પણ તેમની સફર અદ્ભુત હતી.`મધર ઇન્ડિયા'માં બળવાખોર બિર્જૂ, `સુજાતા'માં સંવેદનશીલ પ્રેમી, `મુઝે જીને દો'માં પીડાથી ભરેલો ડાકુ, `વક્ત' અને `હમરાજ'માં વૈભવી વ્યક્તિત્વ અને `પડોસન'માં ભોળો ભોલારામ. મહેમૂદ અને કિશોર કુમાર જેવા ધમાકેદાર કલાકારો વચ્ચે પણ સુનીલ દત્ત પોતાની નિર્દોષતા વડે યાદ રહી ગયા.
એમણે `યાદેં' જેવી અનોખી ફિલ્મ બનાવી જેમાં આખી ફિલ્મમાં એક જ અભિનેતા હતો. જેને એ સમયમાં બહુ મોટો પ્રયોગ માનવામાં આવતો. એમની છેલ્લી યાદગાર ફિલ્મ `મુન્નાભાઈ એમ.બી.બી.એસ.' હતી જેમાં એમણે સંજય દત્તના પિતાની ભૂમિકા ભજવી હતી.
કોઈ મેલોડ્રામા જેવી કરુણ કથા જેવી હતી સુનીલ દત્ત સાંસદ, સિને કલાકાર અને સજ્જન માણસની જિંદગાની.