Wed Sep 16 2026

Logo

TMC માટે હવે દિલ્હી પણ દૂર? ભૂપેન્દ્ર યાદવના ઘરે પહોંચ્યા 14 બળવાખોર લોકસભા સાંસદ, CM શુભેન્દુ પણ હાજર

2026-06-08 15:04:00
Author: Mumbai Samachar Team
TMC માટે હવે દિલ્હી પણ દૂર? ભૂપેન્દ્ર યાદવના ઘરે પહોંચ્યા 14 બળવાખોર લોકસભા સાંસદ, CM શુભેન્દુ પણ હાજર

નવી દિલ્હી: તૂણમૂલ કોંગ્રેસ (TMC) માં મોટી હલચલના સમાચાર આવી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના 14 બળવાખોર (નારાજ) સાંસદો દિલ્હીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સાથે મુલાકાત કરી રહ્યા છે. આ બેઠક ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવના ઘરે થઈ રહી છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી આજે જ દિલ્હી પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં ટીએમસીના લોકસભાના 14 સાંસદો હાજર છે. આ મુલાકાતમાં ભાજપના નેતા અને ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબ પણ સામેલ છે.

સૂત્રોનો દાવો છે કે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના 5 બળવાખોર સાંસદો સોમવાર સવારથી જ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના ઘરે હાજર હતા. બપોરે 1 વાગ્યા પછી બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પણ તેમના ઘરે ગયા હતા. આ દરમિયાન સૂત્રોએ જણાવ્યું કે લોકસભાના કુલ 14 ટીએમસી સાંસદોએ સુવેન્દુ અધિકારી સાથે મુલાકાત કરી હતી. બપોરે 2 વાગ્યા પછી સુવેન્દુ અધિકારી ભૂપેન્દ્ર યાદવના ઘરેથી બહાર નીકળ્યા હતા.

બીજી તરફ, આ ઘટનાક્રમ પહેલાં ટીએમસી (TMC) માંથી રાજીનામું આપનારા સુખેન્દુ શેખરને મળવા માટે પાર્ટીના 5 સાંસદો પહોંચ્યા હતા. આ મુલાકાત દિલ્હીમાં થઈ હતી.

સુખેન્દુ શેખરને મળવા આવેલા સાંસદોમાં બર્ધમાન પૂર્વના સાંસદ શર્મિલા સરકાર, હાવડાના સાંસદ પ્રસૂન બેનર્જી, કૂચબિહારના સાંસદ જગદીશ બસુનિયા, ઝારગ્રામના સાંસદ કાલિપદ સોરેન, બાંકુરાના સાંસદ અરૂપ ચક્રવર્તી સામેલ હતા.

રાજ્યસભાના સાંસદ સુખેન્દુ શેખરે આજે (સોમવારે) જ રાજ્યસભા અને પાર્ટી (TMC) માંથી રાજીનામું આપ્યું છે. આ દરમિયાન તેમને મળવા ટીએમસીના પાંચ સાંસદો પહોંચ્યા હતા. આ ઘટનાને કારણે ટીએમસીના રાજકારણને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટીએમસી સાંસદોમાં પહેલાથી જ વિભાજન થઈ ચૂક્યું છે. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો પર મમતા બેનર્જીની પકડ નબળી પડ્યા બાદ, હવે પાર્ટીના સંસદીય જૂથને પણ આ વધુ એક મોટો ફટકો પડ્યો છે.

આજે સુખેન્દુ બોલ્યા, કાલે બીજા પણ બોલશે - ઋતબ્રત

રાજ્યસભામાં એક દાયકા (૧૦ વર્ષ) કરતાં વધુ સમય સુધી પક્ષનું પ્રતિનિધિત્વ કરનારા સૌથી વરિષ્ઠ સભ્ય સુખેન્દુ શેખર રોયે સાંસદ અને પક્ષના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ તેમણે પક્ષના 5 સાંસદો સાથે મુલાકાત પણ કરી છે.

બીજી તરફ, બંગાળમાં મમતા બેનર્જી સામે બળવો કરનારા બળવાખોર ધારાસભ્ય અને વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીએ જણાવ્યું છે કે તેમણે પણ ઘણા ધારાસભ્યો સાથે મુલાકાત કરી છે.