મિજાજ મસ્તી - સંજય છેલ
ટાઇટલ્સ:
‘પેટ’ ને ‘શેઠ’માં પ્રાસ ને ત્રાસ બેઉ છે.
(છેલવાણી)
વર્ષો પહેલાં યુરોપમાં જાહેરમાં ઉપવાસ કરવાનો ખતરનાક ખેલ રમાતો. એમાં ‘ઉપવાસી કલાકાર’ને પાંજરામાં પૂરાય. જેમ જેમ દિવસ વધે એમ ભૂખથી મરતા માણસની કથળતી હાલત જોવા લોકો સિઝન ટિકિટ ખરીદે. ઉપવાસી કલાકાર, હાડપિંજર જેવું શરીર કે અંદર ગયેલું પેટ દેખાડી ચાળા કરે!
40મા દિવસે ઢોલ-નગરા વગાડીને ઉપવાસી કલાકારનું ફૂલોથી શણગારેલું પાંજરું ખોલવામાં આવે.
ઇનામ આપીને એનો સત્કાર થાય! પછી ધીમે ધીમે લોકોને આ ખેલમાંથી રસ ઉડી ગયો. એક ઉપવાસી કલાકારને સૌથી વધુ દિવસ ભૂખ્યા રહેવાનો વિશ્વવિક્રમ કરવો હતો. એ સરકસમાં જોડાયો જ્યાં ઇન્ટરવલમાં વાઘ -સિંહનાં પાંજરાની બાજુમાં લોકો એનું પાંજરું પણ જોવા આવતા પણ હવે લોકોને બહુ રસ પડતો નહીં. વૃદ્ધ મા-બાપ, નાના બાળકોને આ ખેલ સમજાવતા પણ એમને તો હવે ભૂખમરો શું હોય એની ખબર જ નહોતી માટે રસ ના પડતો. પેલો કલાકાર 40 દિવસથી વધારે દિવસ ભૂખ્યા રહવાનો રેકોર્ડ બનાવવા માટે જિદે ચઢેલો. આખરે લોકોને રસ નથી પડતો એટલે સર્કસનો મેનેજર એનું પાંજરું ખાલી કરાવે છે. અને ત્યારે ઉપવાસી કલાકાર ઉદરની ભૂખથી, પ્રેક્ષકોની કદરની ભૂખથી મરી જાય છે. પછી ઉપવાસી કલાકારના પિંજરામાં ભુખ્યો ચિત્તો મૂકવામાં આવે છે, જેની ત્રાડ જોવા લોકોના ટોળાં જમા થાય છે.
ફ્રાંઝ કાફકાની આ વિચિત્ર વાર્તામાં ‘ઉપવાસ કરાવાનો ધંધો કરાતો’ કલ્પીને કેટકેટલી વાત એક સાથે કહી દીધી છે! આ ‘ઉપવાસી કલાકાર’ની વાત ઉપજાવેલી અજીબ લાગે પણ આજેય દુનિયામાં ચિત્રવિચિત્ર નોકરીઓનું ચલણ ખૂબ છે, જેમાં કોઈ ખાસ કામનાં લાખો રૂપિયા મળે છે, જેમ કે કેટલીક પલંગ પરની મેટ્રેસ કે ગાદલા બનાવતી કંપનીઓ, મેટ્રેસ આરામદાયક છે કે નહીં એને ચકાસવા આરામથી 8-9 કલાક સૂવા માટે લોકોને લાખો રૂપિયા ચૂકવે છે! કાશ, આપણને કોઇ આવી માત્ર સૂતા રહેવાની નોકરી આપે! બેંગલુરુની આ કંપની,
ઊંઘણશી ઉમેદવારોને શોધતી જ હોય છે, જે સળંગ 100 દિવસ રોજના 9 કલાક ગાદલા પર ઊંઘી શકે, જેની ઊંઘનું નિરીક્ષણ કરવામાં આવે. બાય ધ વે, ઊંઘનાર વ્યક્તિને 10લાખ સુધીનો પગાર અપાય છે!
લંડનમાં આંદોલન માટે સરઘસ કાઢવામાં આવે એમાં ‘ઝોમ્બી’ એટલે કે ભૂતડાં જેવા બનીને ડરાવનાર વ્યક્તિને 30થી 32 લાખ રૂપિયા મળે છે. જો કે આપણે ત્યાં પણ બિચારી ગરીબ જનતા, ચુનાવી રેલીઓમાં નેતાઓના બોરિંગ ને જૂઠ્ઠા ભાષણો સાંભળવા ધોમધખતા તડકામાં જાય જ છેને? એ બધાંયે પૈસા અને ફૂડ પેકેટ માટે પરાણે તાળીઓ પાડનારા જીવતા ભૂતડાં જ છેને?
ઇન્ટરવલ:
ભુખે ભજન ના હોય ગોપાલા.
(નઝીર અકબરાબાદી)
લંડનમાં ટ્રેવર હૂટૂન નામનો માણસ 75 પાઉંડ એટલે રૂ.7000 લઇને એક કલાક માટે ‘ભેટવાની સેવા’ આપે છે. આ ટ્રેવરભાઇ, ગ્રાહકને ઉષ્મા કે હૂંફની આપ-લે કરે છે. હાથ-પગ પર આંગળીઓ ફેરવીને શાંત કરે છે. આ આલિંગન-સેવામાં ક્યાંય સેક્સને સ્થાન નથી. જો કોઇ અડપલા કરે કે આગળ વધે તો ટ્રેવર તરત અટકાવી દે. ટ્રેવરનું કહેવું છે કે ભેટવાની સર્વિસમાં એ થાકેલા-એકાકી લોકોને શાંતિ આપે છે, જે એક માનવસેવા છે!
કેટલાક લોકોને ‘સોરી’ કહેવાનું કે માફી માંગવાનું જરાય ના ગમે કે માફી માંગતા ખૂબ જ સંકોચ થાય. હવે મોટી કંપનીઓ વતી પ્રોફેશનલી માફી માંગનારા લોકો પણ માર્કેટમાં આવી ગયા છે, જેનાં હજારો રૂપિયા લેતા હોય છે. વળી, નોટબંધી પછી બેંકની લાઇન હોય કે પછી બસ-ટ્રેનની લાઇનો હોય, આપણને તો લાઇનમાં ઊભા રહેવાની આદત પડી જ ગઇ છેને? પણ દુનિયાના બીજા દેશોમાં લોકોને લાઇનમાં ઊભા રહેવાથી ખૂબ કંટાળો એટલે હવે વિદેશમાં એવી કંપનીઓ પણ બની છે, જેમાં બીજાને બદલે લાઇનમાં જઈને ઊભા રહેવાનું! અને આવી નોકરીનાં પણ હજારો-લાખો રૂપિયા મળે છે. જો ભારતના લોકોને ખબર પડે તો સાત સમંદર પાર દોડી વિદેશી કંપનીમાં લાઇનમાં ઊભા રહેવાની નોકરી માટે પણ લાંબી લાઇન લગાવે!
2008થી મુંબઈ મ્યુનિસિપાલિટી, રાતે શહેરમાં ઊંદરો પકડવા લોકોને પૈસા આપે છે.. ત્યારે લગભગ 30 લોકોની ટોળકી હતી અને ત્યારે 18 રૂ. એક ઉંદર પકડવાના મળતા જે પછી ઉંદર પકડનારાઓ વધારેલા. આ ધંધામાં ચોમાસામાં ઉંદર પકડાનારાઓને ખૂબ નફો થાય છે!
આપણે ત્યાં કોઈ મરી જાય ત્યારે પૈસા લઇને ઠાઠડી સમયે કે શોકસભામાં રડવા કે છાતી પીટવા ભાડૂતી લોકો મળે છે. રાજસ્થાનમાં ‘રુદાલી’ની પ્રથા અમુક સ્ત્રીઓમાં જોવા મળે છે. એ વિશે ડિંપલ કાપડિયા અભિનીત ‘રુદાલી’ ફિલ્મ પણ બનેલી.. વળી વિદેશમાં પણ શોક વ્યકત કરવા કે રડવા માટે ‘પ્રોફેશનલ મોર્નર’ લોકો રડવાના હજારો રૂપિયા લે છે.
પૃથ્વી પર પેટનો ખાડો પૂરવા જાતજાતનાં ધંધાઓ છે. કોઇ વાઇન ટેસ્ટ કરીને કે પરફયુમ-અત્તર સૂંઘીને લાખો કમાય છે. તો કોઇ કબર ખોદીને લાશ પરથી કફન-કપડાં ચોરીને પેટિયું રળે છે....જેમ શાહરુખ જેવા સ્ટાર કરોડપતિની જાનમાં લાખોની તગડી ફી લઈ નાચવા જાય છે તેમ અભિનેતા ચંકી પાંડેને એક ધનવાન પરિવારે, સ્માશાનમાં પોક મૂકવાનાં લાખો રૂપિયા ઓફર કરેલા! એમાં શું? અનેક નેતા-અભિનેતાઓ પૈસા કમાવા કોઇપણ હદ સુધી જતા હોય છે. કોઇ શક?
એંડ-ટાઇટલ્સ:
આદમ: તું નોકરી કેમ નથી કરતી?
ઇવ: તને રાખ્યો છેને?