હેમુ ભીખુ
આ એક જ ક્રિયાનું પરિણામ છે. કોઈપણ પદાર્થનું દહન થાય, અગ્નિ સાથે જ્યારે તેનો સંયોગ થાય ત્યારે ઊર્જા સ્વરૂપે ગરમી અને પ્રકાશ અને ભૌતિક પરિણામ સ્વરૂપે ધુમાડો અને રાખ સર્જાય. જીવનની પ્રત્યેક પ્રક્રિયા માટેનું આ પ્રતીક બની શકે. કોઈપણ પદાર્થ સળગે ત્યારે તેમાં જે સુષુપ્ત ગુણ હોય, તેની જે સ્થાપિત પ્રકૃતિ હોય, તેનું જે બંધારણ હોય તે ચાર સ્વરૂપે રૂપાંતરિત થાય.
અદૃશ્ય ઊર્જા સ્વરૂપે ગરમી, દૃશ્ય ઉર્જા સ્વરૂપે પ્રકાશ, પ્રક્રિયા દરમિયાન ઉપ-ઉત્પાદન સ્વરૂપે ધુમાડો અને પદાર્થના અંતિમ અવશેષ તરીકે રાખ. દહન પ્રક્રિયા ચાલુ હોય ત્યાં સુધી પ્રકાશ, ગરમી અને ધુમાડાનો પ્રભાવ હોય પણ જ્યારે પદાર્થ રાખમાં રૂપાંતરિત થાય ત્યારે માત્ર રાખ બાકી રહે. અમુક સમય સુધી તેમાં પણ ગરમી હોય પણ તે તો ક્ષણિક વચગાળાની પરિસ્થિતિ કહેવાય.
પદાર્થનું દહન થાય ત્યારે તેમાં જે તે કણના અપૂર્ણ દહનથી કાર્બન એટલે કે કોલસાના નાનાં નાનાં કણ વાયુ અને ભાપ સાથે મિશ્રિત થતાં ધુમાડો સર્જાય. આ કણો સૂક્ષ્મ હોવાથી હવામાં તરતાં રહે. ધુમાડો ક્યારેક સ્વાસ્થ્યને હાનિ પણ પહોંચાડે. જ્યારે પદાર્થ સંપૂર્ણ બળી જાય પછી જે અદહ્ય બળી ન શકે તેવો અંશ રહી જાય તે રાખ, જે ક્યારેક મૂળ પદાર્થ વિશે જાણકારી આપી શકે. વ્યવહારમાં, ધર્મમાં અને આધ્યાત્મમાં રાખની એક વિશેષ ઉપયોગીતા પણ હોય છે.
દહનની પ્રક્રિયામાં પદાર્થના અણુઓ ઊર્જામાં રૂપાંતરિત થતાં હોય જેને કારણે વધેલા તાપમાનની, ગરમીની પ્રતીતિ થાય. ગરમીની અનુભૂતિ હોય તે દ્રશ્યમાન ન થાય. અહીં પદાર્થની અવસ્થા બદલાઈ શકે જેમ કે ઘન પદાર્થ દ્રવ્યમાં અને દ્રવ્ય વાયુમાં રૂપાંતરિત થાય. પ્રકાશ એ દહન ક્રિયામાં ઉત્પન્ન થતી ઊર્જાનું બીજું સ્વરૂપ છે, જેને જોઈ શકાય. એમ કહી શકાય કે દહન ક્રિયા પાછળનું મૂળ હેતુ કાં તો ગરમી પ્રાપ્ત કરવાનો કાં તો પ્રકાશ પ્રાપ્ત કરવાનો હોય. ધુમાડો અને રાખ ઉપ-ઉત્પાદન કે બાય-પ્રોડક્ટ કહેવાય.
દહનની પ્રક્રિયાના આ ચાર પરિણામ આધ્યાત્મના ક્ષેત્રમાં પ્રતિકાત્મક રીતે કેટલીક અગત્યની વાત દર્શાવી શકે. ધુમાડાને અસ્પષ્ટતા, આવરણ, અજ્ઞાન, મલીનતા, અંધકાર, અપૂર્ણતાનું પ્રતીક કહી શકાય. ધુમાડાથી ઘણી વાર વાસ્તવિક સ્વરૂપ નજરે ન ચડતું હોવાથી મોહ માટે પણ તેની ઉપમા અપાતી હોય છે. એમ કહી શકાય કે જ્યારે મન અશાંત હોય, અપાર કામનાઓને કારણે અસંતોષ હાવી થયો હોય, જ્ઞાન ઉપર વાદળ સમાન અજ્ઞાનનું આવરણ છવાઈ ગયું હોય, સત્ય વિશે કોઈ સ્પષ્ટતાની સંભાવના ન હોય ત્યારે ધુમાડા સમાન સ્થિતિ છે તેમ કહી શકાય.
જ્યારે રાખ એ અંતિમ અવશેષ છે જે દર્શાવે છે કે સૃષ્ટિની દરેક ભૌતિક વસ્તુ નાશ પામે છે અને અંતે રાખમાં રૂપાંતરિત થાય છે. જીવનની નાશવંતતા અને અનિત્યતાનું આ પ્રતીક છે. સૃષ્ટિના આ સત્ય વિશે જાગૃતિ કેળવાતાં આપમેળે અહંકાર, મમતા, મોહ, લોભ જેવી બાબતોથી મુક્તિ મળવાની સંભાવના વધી જાય. એમ કહી શકાય કે રાખ વૈરાગ્ય માટેની સચોટ પ્રેરણા સન્માન માધ્યમ બની શકે. રાખને કારણે નિત્ય અને અનિત્ય બાબતોની પ્રતીતિ થઈ શકે. અંતિમતા અને નિષ્પ્રાણ અવસ્થા માટેનું તે પ્રતિક હોવાથી, શિવજીની ભસ્મ-ભભૂતિ સ્વરૂપે તે, આત્મ જાગૃતિ માટેની શરૂઆત બની શકે.
ગરમીને જીવનશક્તિ, ઉત્સાહ, આશા, હૂંફ, પ્રેમ, પ્રેરણા તથા ભાવનાત્મક ચેતના સાથે સરખાવી શકાય. આધ્યાત્મના ક્ષેત્ર માટે એમ કહી શકાય કે અપાર શ્રદ્ધા અને આત્મબળ આધારિત ‘તપ’ના દહનથી જે ગરમી ઉત્પન્ન થાય તેનાથી સંસારી મલિનતા નષ્ટ થવાની સંભાવના ઊભી થાય. જીવનના અસ્તિત્વ માટે તો શરીરના તાપમાનનું અમુક સ્તર જરૂરી છે જ, પરંતુ સાથે સાથે સૂક્ષ્મ તેમજ કારણ સ્તર ઉપર આંતરિક ઊર્જાનો સંચાર પણ સકારાત્મક ‘સૂક્ષ્મ’ ગરમી સ્થાપિત કરી શકે. જ્યારે, પ્રકાશ એ દૃશ્યમાન ઊર્જા હોવાથી તેની સરખામણી દીવા સાથે થતી હોય છે.
આમ પણ આત્માના પ્રતીક તરીકે દીવાની જ્યોતનો જ ઉલ્લેખ થતો હોય છે. આ દીવાની જ્યોતની સંપૂર્ણ સ્થિરતા એટલે જીવનનાં પ્રત્યેક આવેગનું પૂર્ણતામાં શમન. આત્માના પ્રકાશ વિશે અનુમાન માટે પ્રકાશ ઊર્જાનું ઉદાહરણ લેવાતું હોય છે. પ્રકાશ કોઈ દિવસ મલીન ન થતો હોવાથી તેને પવિત્ર, શુદ્ધ, સાત્ત્વિક તેમજ સંપૂર્ણ અસ્તિત્વ માનવામાં આવે છે. અંધકાર દૂર કરનાર પ્રકાશ આધ્યાત્મિક પ્રેરણાનું પ્રતીક છે.
પ્રકાશ એટલે જ્ઞાન. પ્રકાશ એટલે આત્માની પ્રતીતિ. પ્રકાશ એટલે નિર્દોષ, નિર્લેપ, નિરાકાર, નિષ્કલંક અસ્તિત્વ એટલે કે બ્રહ્મનું એક પ્રતીક. મોક્ષમાર્ગ ધ્યાનમાં આવે, નજરે ચડે, તે માટે આ પ્રકાશની આવશ્યકતા છે. જ્ઞાનનો પ્રભાવ હોય, દૈવી ઉપસ્થિતિ હોય, આત્માના અસ્તિત્વની પ્રતીતિ હોય, સ્વ-ચૈતન્યની અનુભૂતિ હોય ત્યારે પ્રતિકાત્મક રૂપે પ્રકાશનું સામ્રાજ્ય છે તેમ કહેવાય.
ધુમાડો એટલે અજ્ઞાનની સ્થિતિ જ્યાં સત્ય છુપાયેલું રહે, રાખ એટલે સૃષ્ટિની દરેક સ્થૂળ અસ્તિત્વની અંતિમ સ્થિતિ, ગરમી એટલે તપસ્યા, શ્રદ્ધા કે સાધના જેવી આધ્યાત્મિક પ્રવૃત્તિથી પ્રાપ્ત સતી ઊર્જા અને પ્રકાશ એટલે અંતિમ પરમ-સત્યની, પરમ-જ્ઞાનની, પરમ-આનંદની અનુભૂતિ. આ ચારેય વિવિધ પ્રકારનાં આધ્યાત્મિક પ્રતીક સૂચિત કરે છે.
દરેક વ્યક્તિનું જીવન સતત દહનની પ્રક્રિયામાંથી પસાર થતું હોય છે. તેના પરિણામ સ્વરૂપ ક્યાંક આવરણ સમાન ધુમાડો ઉત્પન્ન થાય, અંતિમ વાસ્તવિકતા સમાન રાખ બને, જીવનના અસ્તિત્વ માટે જરૂરી ઊર્જા ગરમી સ્વરૂપે મળતી રહે અને સમગ્ર પ્રવાસને અંતે પ્રકાશની સંભાવના જાગે. વ્યક્તિની રુચિ શેમાં છે અને તેનું ધ્યાન શેના પર કેન્દ્રિત થાય છે, તેના આધારે નક્કી થાય કે ચારમાંથી શેનું પ્રભુત્વ રહેશે. સંભાવના બધી જ છે.